Columns

જેટ એરવેઝ પાછું હવામાં ઊડશે પણ લેણદારોના ૯૫ ટકા રૂપિયા ડૂબી જશે

ભારતમાં જે કંપનીઓ દેવાળું જાહેર કરે તેના ઝઘડા સુલટાવવાનું કામ નેશનલ કંપની લો બોર્ડ ટ્રિબ્યુનલને સોંપવામાં આવે છે, જેને ટૂંકમાં એન.સી.એલ.ટી. તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રિબ્યુનલની રચના ઊઠી જનારી કંપનીના રોકાણકારોનાં તેમ જ કર્મચારીઓનાં હિતોની રક્ષા કરવા માટે કરવામાં આવી હતી. થોડાં વર્ષો પહેલાં ભારતની પહેલા નંબરની ખાનગી એરલાઇન્સ ગણાતી જેટ એરવેઝ કંપની આશરે ૭,૫૦૦ કરોડ રૂપિયામાં ઊઠી ગઈ હતી. તેના ૨૩,૦૦૦ કર્મચારીઓ બેકાર બની ગયાં હતાં. જેટ એરવેઝનો મામલો એન.સી.એલ.ટી.માં લઈ જવામાં આવ્યો હતો. હવે તેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જેટ એરવેઝને કેટલીક શરતો સાથે પુનર્જીવિત કરવામાં આવશે. કાલરોક-જાલન નામનો ઉદ્યોગ સમૂહ માત્ર ૧,૩૭૫ કરોડ રૂપિયામાં જેટ એરવેઝ કંપની ખરીદી લેશે. તેમાં જેટ એરવેઝના રોકાણકારોને અને કર્મચારીઓના હાથમાં શું આવશે?

એન.સી.એલ.ટી. દ્વારા જે શરતે જેટ એરવેઝને પુનર્જીવિત કરવાની પરવાનગી આપવામાં આવી છે તે રોકાણકારોના અને કર્મચારીઓના ગાલ પર તમાચા જેવી છે. જેટ એરવેઝના હાલના શેર હોલ્ડરોને દર ૧૦૦ શેર દીઠ નવી કંપનીનો માત્ર એક જ શેર આપવામાં આવશે. જેટ એરવેઝને જે બેન્કો કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ૭,૫૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી તેમને રોકડા ૧૮૫ કરોડ રૂપિયા જ પાછા મળશે. તેમણે બાકીના રૂપિયાનું નાહી નાખવું પડશે. જેટ એરવેઝમાં જે ૨૩,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા તેમાંના માત્ર ૫૦ જ કર્મચારીઓને નવી કંપનીમાં નોકરીમાં રાખવામાં આવશે. બાકીના કર્મચારીઓએ નવી નોકરી શોધી લેવાની રહેશે. હા, નવી કંપની તરફથી દરેક જૂના કર્મચારીને ૧૧,૦૦૦ રૂપિયા ગુડલકના રૂપમાં ચાંદલો કરવામાં આવશે. વધારામાં તેમને ૫૧૦૦ રૂપિયા સ્કૂલ ફી પેટે અને ૫૦૦ રૂપિયા મોબાઇલ ફોનના રિચાર્જ પેટે મળશે. જો તેમને આ ફેંસલો મંજૂર ન હોય તો તેમણે સુપ્રિમ કોર્ટમાં કેસ કરવો પડશે.

ઇ.સ.૧૯૯૦ ના દાયકામાં ભારત સરકારે ઓપન સ્કાય નીતિનો અમલ કર્યો તે પછી જે ખાનગી એરલાઇન્સો શરૂ થઇ તેમાં જેટ એરવેઝનો સમાવેશ પણ થતો હતો. ઇસ્ટ વેસ્ટ નામની એરલાઇન્સમાં દાઉદ ઇબ્રાહિમના રૂપિયા લાગ્યા હોવાના આક્ષેપને પગલે તે બંધ થઇ ગઇ હતી. જેટના સ્થાપક નરેશ ગોયલ તેમના કાકાની ઇસ્ટ વેસ્ટ ટ્રાવેલ એજન્સીમાં કેશિયરની નોકરી કરતા હતા. તેમણે ૧૯૯૩ માં એર ટેક્સીના રૂપમાં જેટ એરવેઝની સ્થાપના કરી હતી. ૧૯૯૫ માં તેને સરકારે ખાનગી એરલાઇન્સનો દરજ્જો આપ્યો હતો. જેટ એરવેઝમાં પણ દાઉદના રૂપિયા લાગ્યા હોવાના આક્ષેપો ઘણી વાર થયા હતા, પણ તેના કોઇ પુરાવા હાથમાં આવ્યા નહોતા.

ઇ.સ.૨૦૦૦ ના દાયકામાં જેટ એરવેઝનો ઝડપી વિકાસ થયો હતો. ૨૦૦૪ માં જેટે પોતાની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી હતી. ૨૦૦૪ માં તેનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું હતું. નરેશ ગોયલના હાથમાં જેટના ૫૧ ટકા શેરો રહ્યા હતા. બીજા ૨૪ ટકા શેરો ઇતિહાદ એરલાઇન્સે ખરીદી લીધા હતા. જેટનો ઝડપી વિકાસ થયો હતો. નરેશ ગોયલની ગણતરી ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ તરીકે થવા લાગી હતી. ૨૦૦૭ માં તેણે ૧,૪૫૦ કરોડ રૂપિયામાં એર સહારા ખરીદી લીધી હતી. ૨૦૧૦ માં તે ભારતની મોટામાં મોટી એરલાઇન્સ બની હતી. ભારતમાં જેટલા હવાઇ ઉતારુઓ હતા તેમાંના ૨૨.૬ ટકા જેટ એરવેઝમાં મુસાફરી કરતા હતા.

જેટ એરવેઝના પતનનો પ્રારંભ ૨૦૧૩ માં થયો, જ્યારે તેણે વિમાની ટિકિટોના ભાવોમાં પ્રાઇસ વોરનો પ્રારંભ કર્યો હતો. તેણે સ્થાનિક ક્ષેત્રમાં ૨૦ લાખ ટિકિટો માત્ર ૨,૨૫૦ રૂપિયાના ભાવે વેચવા કાઢી હતી. જે નાગરિકોને જિંદગીમાં ક્યારેય વિમાનમાં બેસવાનો અનુભવ નહોતો તેઓ પણ સસ્તા ભાડાથી આકર્ષાઇને હવાઇ મુસાફરી કરવા લાગ્યા હતા. જેટની પ્રતિસ્પર્ધી સ્પાઇસજેટ, ઇન્ડિગો અને ગોએર જેવી ખાનગી એરલાઇન્સોને પણ પ્રાઇસવોર કરવાની ફરજ પડી હતી. સ્પાઇસ જેટે તો દસ લાખ ટિકિટો માત્ર ૨,૦૧૩ રૂપિયાના ભાવે વેચવા કાઢી હતી. વિમાનો ઉડાડવા પાછળ જેટલો ખર્ચ આવતો હતો તેથી પણ ઓછી કિંમતમાં તેઓ ટિકિટો વેચવા લાગ્યા હતા.

જેટ એરવેઝે પોતાનાં ભાડાં ઘટાડ્યાં પણ સર્વિસની ગુણવત્તામાં જરાય ખામી આવવા દીધી નહોતી. અન્ય સસ્તી એરલાઇન્સો ફુડ નહોતી આપતી, પણ જેટે સસ્તાં ભાડાંમાં પણ ફુડ આપવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન એવિયેશન ઇંધણના ભાવો વધવા લાગ્યા હતા. જેટના પાઇલોટોનો પગાર પણ બીજી કંપનીઓ કરતાં વધુ હતો. ધીમે ધીમે કંપની ખોટ કરવા લાગી હતી.

જેટ એરવેઝનું દેવું વધીને ૭,૫૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઇને કારણે અન્ય કંપનીઓ પણ મુસીબતમાં મૂકાઇ ગઇ હતી. ૨૦૧૨ માં વિજય માલ્યાની કિંગફીશર એરલાઇન્સે દેવાળું કાઢ્યું ત્યારે વિજય માલ્યા લંડન ભાગી ગયો હતો. સરકારી માલિકીની એર ઇન્ડિયા ૪૮,૦૦૦ કરોડના દેવાં સાથે કટોકટીમાં છે. સરકારે તેને વેચવા કાઢી છે, પણ તેનો કોઇ લેવાલ નથી. સ્પાઇસજેટ કંપની પણ ચાર વર્ષ પહેલાં દેવાળું ફૂંકવાની અણી પર આવી ગઇ હતી, પણ તેના સ્થાપકો પાછા ફર્યા હતા અને તેમણે કંપનીને બચાવી લીધી હતી. વર્તમાનમાં ઇન્ડિગો એક માત્ર નફો કરતી એરલાઇન્સ છે. તેનું રહસ્ય એ છે કે તેઓ ખૂબ જ કરકસર કરીને કંપની ચલાવે છે. વળી તેમણે વિમાનોની દેખરેખના કોન્ટ્રેક્ટ સસ્તામાં કરેલા છે.

જેટ એરવેઝ કંપની બંધ પડી ગઈ ત્યારે તેનાં વિમાનો અનેક નફાકારક રૂટો પર ઉડ્ડયન કરતાં હતાં. જેટનાં ઉડ્ડયનો બંધ થયાં ત્યારે તે રૂટોની ફાળવણી અન્ય વિમાની કંપનીઓને કરી દેવામાં આવી હતી. જેટના નવા માલિકોને આશા હતી કે એન.સી.એલ.ટી. દ્વારા સરકારને ભલામણ કરવામાં આવશે કે જેટને તેના જૂના રૂટોની ફાળવણી કરવામાં આવે. એન.સી.એલ.ટી.એ આ બાબતમાં કોઈ ચોક્કસ ચુકાદો આપવાને બદલે તે નિર્ણય સરકાર પર છોડ્યો છે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડી.જી.સી.એ.) દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે કે તે કેટલાક જૂના રૂટોની ફાળવણી જેટ એરવેઝની નવી કંપનીને કરશે. બાકીના રૂટો માટે તેમણે પુરુષાર્થ કરવો પડશે. જો કે તેમની ફ્લાઇટો મર્યાદિત રહેવાની હોવાથી તેમને બહુ ફરક પડવાનો નથી.

એક સમયે જેટ એરવેઝ કંપની ભારતની નંબર વન ખાનગી એરલાઇન્સ હતી. જ્યારે કેન્દ્ર સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વિદેશી રોકાણની હિલચાલ શરૂ કરી હતી ત્યારે જેટ એરવેઝના અધ્યક્ષ નરેશ ગોયલે તેનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમને ડર હતો કે વિદેશી એરલાઇન્સ સામેની સ્પર્ધામાં જેટના ધંધાને માર પડશે. જ્યારે જેટ એરવેઝ દેવામાં ડૂબી ગઇ ત્યારે નરેશ ગોયલે તેને વિદેશી કંપનીને વેચવાની યોજના બનાવી હતી અને તે માટે કેન્દ્ર સરકારની  નીતિમાં પણ ફેરફાર કરાવ્યો હતો. આ નીતિ એક કંપનીના ફાયદા માટે બદલવામાં આવી હતી. જેટ એરવેઝના ૨૪ ટકા શેરો અબુ ધાબીની ઇતિહાદ કંપનીને વેચવામાં આવ્યા હતા. તત્કાલીન યુપીએ સરકારે તેને મંજૂરી પણ આપી હતી. ત્યારે વિપક્ષમાં રહેલા ભાજપે તેમાં કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. હવે નવી કંપનીમાં ઇતિહાદને એક પણ શેર નહીં મળે. ભાજપ સરકારે તેનો હિસાબ ચૂકતે કરી લીધો છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top