Editorial

જેફરી એપસ્ટેઈને સેક્સનો ઉપયોગ કરીને જબરદસ્ત આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું હતું

જેફરી એપસ્ટેઈન એક એવું નામ છે, જેની કથાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી છે. ગુરુવારે ન્યુ યોર્ક કોર્ટ દ્વારા સ્વર્ગસ્થ અબજોપતિ જેફરી એપસ્ટેઈનના કેસ સાથે સંબંધિત દસ્તાવેજો સામે આવ્યા ત્યારે આ વ્યક્તિના કારનામાનો પર્દાફાશ થયો હતો. આ દસ્તાવેજોએ માત્ર રાજકારણ, વ્યાપાર અને વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં ખ્યાતિ મેળવનારા ચહેરાઓનો પર્દાફાશ નથી કર્યો, પરંતુ જેફરી એપસ્ટેઈન આર્થિક રીતે આટલો શક્તિશાળી કેવી રીતે બન્યો અને તેણે કેવી રીતે અઢળક સંપત્તિ મેળવી તે પણ જાહેર કર્યું છે.

ન્યુ યોર્ક કોર્ટમાંથી જાહેર કરાયેલા દસ્તાવેજો અનુસાર સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઈનનાં કાળાં નાણાંનાં તમામ રહસ્યો ખુલ્લામાં આવી ગયાં છે. જેફરી એપસ્ટેઇનનો વ્યવસાય મૂળભૂત રીતે ફાઇનાન્સનો હતો. ઓગસ્ટ ૨૦૧૯ માં તે મેનહટન જેલની કોટડીમાં મૃત હાલતમાં મળી આવ્યો ત્યારે તેની ઉંમર ૬૬ વર્ષની હતી. તેની સામે સેક્સ ટ્રાફિકિંગના આરોપો સંબંધિત કેસો પેન્ડિંગ હતા. તે સમયે તેની કુલ સંપત્તિ ૫૬ કરોડ ડોલરની આસપાસ હતી. એપ્સટેઈનની મિલકતોમાં અનેક ભવ્ય હવેલીઓનો સમાવેશ થાય છે.

મેનહટનની અપર ઇસ્ટ સાઇડ પર જેફરી એપસ્ટેઇન પાંચ કરોડ ડોલરથી વધુની કિંમતનું વૈભવી ટાઉન હાઉસ ધરાવતો હતો. તેની પાસે પામ બીચ, ફ્લોરિડામાં એક હવેલી પણ હતી, જેની કિંમત લગભગ ૧.૨ કરોડ ડોલર હતી. તેની પાસે ન્યુ મેક્સિકોમાં ૧.૭ કરોડ ડોલરની કિંમતની જમીન અને પેરિસમાં એક એપાર્ટમેન્ટની કિંમત લગભગ ૮૬ લાખ ડોલર છે. તેની પાસે કેરેબિયનમાં બે અંગત ટાપુઓ પણ હતા. ગ્રેટ સેન્ટ જેમ્સ અને લિટલ સેન્ટ જેમ્સ નામના ટાપુઓની કિંમત તેના મૃત્યુ પછી ૮.૬ કરોડ ડોલર આંકવામાં આવી હતી. એપસ્ટેઈન પાસે એક પ્રાઈવેટ જેટ પણ હતું. જેફરી એપસ્ટેઈન પર સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવાનો અને તેમનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ હતો. તે છોકરીઓને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને દિગ્ગજોને મોકલવામાં આવી હતી. આમાંથી તે અબજોની સંપત્તિનો માલિક બની ગયો હતો.

જેફરી એપસ્ટેઈન સામેનો કેસ અમેરિકન મહિલા વર્જિનિયા રોબર્ટ્સ ગુફ્રેએ દાખલ કર્યો હતો. તેણીએ દાવો કર્યો હતો કે જેફરીએ તેણીના બાળપણમાં તેનું જાતીય શોષણ કર્યું હતું અને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ મેક્સવેલે તેમાં મદદ કરી હતી. એક દસ્તાવેજમાં ડિટેક્ટીવ જોસેફ રેકરે જણાવ્યું હતું કે જેફરી અને મેક્સવેલ છોકરીઓને શોધતા હતા અને પછી તેમને જેફરીના ઘરે મસાજ અને અન્ય કામ કરવા માટે ભરતી કરતા હતા. જ્યારે એટર્નીએ પૂછ્યું કે મેક્સવેલે કેટલી છોકરીઓની ભરતી કરી હશે? તો તેણે જવાબ આપ્યો કે લગભગ ૩૦ કે ૩૩. વકીલે ડિટેક્ટીવને આગળ પૂછ્યું કે મસાજ પૂરો કર્યા પછી પીડિતા અન્ય મિત્રોને લઈને આવી તો શું તેને પૈસા મળ્યા હતા? જવાબ મળ્યો કે એકદમ સાચું. વકીલે પૂછ્યું કે શું આનો અર્થ એ છે કે મસાજ એ અન્ય કોઈ વસ્તુ માટે એક પ્રકારનો કોડવર્ડ છે? જાસૂસે કહ્યું કે મસાજનો અર્થ જાતીય સંતોષ થતો હતો.

જેફરી એપસ્ટેઈન ઉપર વર્ષ ૨૦૧૬માં આરોપ લગાવનાર એક યુવતીએ કહ્યું હતું કે જ્યારે હું ૧૫-૧૭ વર્ષની હતી ત્યારે મને મસાજ આપવાનો કોઈ અનુભવ ન હોવા છતાં જેફરીને મસાજ આપવા માટે મને પૈસા આપવામાં આવ્યા હતા. હું સંમત થઈ હતી, કારણ કે મને તેમાં કોઈ શંકા નહોતી કે તેમાં જાતીય સંબંધ પણ છે, પરંતુ હું ખોટી હતી. ત્યાર બાદ તે જેફરીની સહાયક બની ગઈ હતી.

જેફરીની વિનંતી પર તે હાઈસ્કૂલની અન્ય છોકરીઓને તેના ઘરે લઈ ગઈ હતી. એવું કહેવાય છે કે જેફરી પાસે ૭૨ એકરનો ખાનગી ટાપુ હતો, જ્યાં ઘણા બંગલાઓ બનાવવામાં આવ્યા હતા. જેફરી જે જાણીતાં લોકોનું મનોરંજન કરવા માગતો હોય તેમને આમંત્રણ આપીને આ ટાપુ પર લઈ જવામાં આવતાં હતાં. થોડાં વર્ષો પહેલાં અમેરિકન મિડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે લોકો ત્યાં બોટમાં બેસીને આવતાં હતાં. જેફરી તેમને સગીર છોકરીઓ પૂરી પાડતો હતો અને બદલામાં પોતાના ધંધાદારી કામો કરાવી લેતો હતો. આ રીતે તેની સંપત્તિમાં વધારો થયા કરતો હતો. આ સંપત્તિનો ઉપયોગ તે પોતાના બહોળા સામ્રાજ્યના વિસ્તરણ માટે કર્યા કરતો હતો.

જેફરી એપસ્ટેઈને ૧૯૭૪માં ૨૦ વર્ષની ઉંમરે ધ ડાલ્ટન સ્કૂલમાં ગણિત શીખવવાનું શરૂ કર્યું, જે ન્યુ યોર્કની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલોમાંની એક હતી. તેણે ૧૯૭૬માં આ સ્કૂલ છોડી દીધી હતી. કહેવાય છે કે તેના ખરાબ પ્રદર્શનને કારણે તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. આ પછી તેને બેંકમાં નોકરી મળી હતી. જો કે વર્ષ ૨૦૦૮માં આવેલી મહામંદી બાદ તે બેંક પડી ભાંગી હતી. આ પછી તેને તેની પસંદગીનો બિઝનેસ મળ્યો હતો. તે ઘણા અબજોપતિઓના મની મેનેજર બન્યો હતો. તેમાં એલ બ્રાન્ડ્સના સ્થાપક સીઈઓ લેસ વેક્સનર અને એપોલો ગ્લોબલ મેનેજમેન્ટના ચેરમેન લિયોન બ્લેકનો સમાવેશ થાય છે. સેનેટ ફાઇનાન્સ કમિટીના જણાવ્યા અનુસાર બ્લેકે જેફરી એપસ્ટેઈનને ટેક્સ અને એસ્ટેટ પ્લાનિંગ સેવાઓ માટે ૧૫.૮ કરોડ ડોલર ચૂકવ્યા હતા. એપોલોના બોર્ડ દ્વારા જેફરી એપસ્ટેઈન સાથેના બ્લેકના નાણાંકીય વ્યવહારની તપાસ કરવા માટે રાખવામાં આવેલી કાયદાકીય પેઢીએ બ્લેકને નિર્દોષ જાહેર કર્યા હતા તો પણ બ્લેકે ૨૦૨૧માં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મના ચેરમેન અને સીઇઓ તરીકે રાજીનામું આપી દીધું હતું. ૨૦૨૩ના જુલાઈમાં બ્લેક જેફરી એપસ્ટેઈનના સેક્સ ટ્રાફિકિંગની તપાસથી ઉદ્ભવતા સંભવિત દાવાઓમાંથી મુક્ત થવા માટે યુએસ વર્જિન ટાપુઓને ૬.૨૫ કરોડ ડોલર ચૂકવવા સંમત થયા હતા.

એક દાયકા કરતાં વધુ સમય સુધી જેફરી એપ્સટેઈન એલ બ્રાન્ડ્સના સ્થાપક સીઈઓ લેસ વેક્સનરનો અંગત મની મેનેજર અને બિઝનેસ એડવાઈઝર હતો. તેણે વેક્સનરના અબજો ડોલરનો વહીવટ કરીને કરોડો ડોલરની કમાણી કરી હતી. એલ બ્રાન્ડ્સે ૨૦૧૯ માં એક અખબારને જણાવ્યું હતું કે એપસ્ટેઇનના ગુનાઓ ઘૃણાજનક છે અને અમે નુકસાન પામેલાઓને ન્યાય અપાવવાના દરેક પ્રયાસને બિરદાવીએ છીએ. વેક્સનરે તે સમયે કર્મચારીઓને એક ઈમેલમાં જણાવ્યું હતું કે તેને જેફરી એપ્સટીન સાથે સંકળાયેલા હોવાનો અફસોસ છે. તેમના કહેવા મુજબ જ્યારે એપસ્ટેઈન મારો અંગત મની મેનેજર હતો ત્યારે તે મારા નાણાંકીય જીવનનાં ઘણાં પાસાંઓ સાથે સંકળાયેલો હતો, પરંતુ હું તમને ખાતરી આપું છું કે હું જેફરી એપસ્ટેઈન પરના આરોપોમાં વર્ણન કરાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે ક્યારેય જાણતો ન હતો.

જેફરી એપસ્ટેઈન સાથે આર્થિક સંબંધો રાખવાને કારણે જે.પી. મોર્ગન અને ડોઇશ બેન્ક જેવી પ્રતિષ્ઠિત કંપનીઓની પણ બદનામી થઈ હતી. ગયા વર્ષે દેશની સૌથી મોટી બેંક દ્વારા પતાવટ કરાયેલ ક્લાસ એક્શન મુકદ્દમા મુજબ જે.પી. મોર્ગન ચેઝે જેફરી એપસ્ટેઈનને નાણાં ઉછીના આપ્યા હતા અને નિયમિતપણે તેને ૧૯૯૮ થી ઓગસ્ટ ૨૦૧૩ સુધીમાં મોટી રકમની રોકડ ઉપાડવા દીધી હતી. તે નાણાં લગભગ ૨૦૦ મહિલાઓને ચૂકવવામાં આવ્યાં હતાં.

 ૨૦૨૩ ના જૂનમાં એક અખબારને  ઈમેલ કરેલા નિવેદનમાં જે.પી. મોર્ગને જેફરી એપસ્ટેઈનની વર્તણૂકને રાક્ષસી ગણાવી હતી અને કહ્યું હતું કે તે શરમજનક ફાઇનાન્સર સાથેના કોઈ પણ જોડાણ બદલ દિલગીરી અનુભવે છે. જેફરી એપસ્ટીને જર્મન ડોઈશ બેંક સાથે પણ નાણાંકીય વ્યવહારો કર્યા હતા. તેને કારણે ડોઇશ બેંક પર તેની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીના આક્ષેપો પણ થયા હતા. ડોઇશ બેંક તેને સેક્સ ટ્રાફિકિંગથી ફાયદો થયો હતો અને જેફરી એપસ્ટેઈન સાથે કારોબાર કરીને નફો થયો હોવાના આક્ષેપ સાથેના મુકદ્દમાનું સમાધાન કરવા ૭.૫ કરોડ ડોલર ચૂકવવા સંમત થઈ હતી. ડોઇશ બેંકે સેટલમેન્ટ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Most Popular

To Top