Comments

‘જીવો જીવસ્ય ભોજનમ્’માણસને પણ લાગુ પડે

પ્રાચીન સમયમાં લોકો માનતાં હતાં કે પૃથ્વી સ્થિર છે અને સમગ્ર બ્રહ્માંડ તેની ફરતે ચકરાવા લે છે. પછીના યુગમાં વિવિધ સંશોધનોને પગલે વાસ્તવિકતાની જાણ થઈ કે હકીકતમાં પૃથ્વી સૌરમાળાનો એક ગ્રહમાત્ર છે અને બીજા અનેક ગ્રહોની જેમ તે પણ સૂર્યની ફરતે ચકરાવા લે છે. અલબત્ત, આ વૈજ્ઞાનિક સત્ય થયું. માનવજાતે ઉત્ક્રાંતિ કરવા માંડી એ પછી ઉત્તરોત્તર તે પૃથ્વી પરના વિવિધ સ્રોતોનો ઉપયોગ કરતો ગયો અને આખરે તે એ રીતે વર્તતો થયો જાણે કે પોતે બ્રહ્માંડના કેન્‍દ્રમાં છે અને સમસ્ત બ્રહ્માંડ પોતાના માટે સર્જાયું છે. એવા કયા પ્રાકૃતિક સ્રોત માનવની નજરથી બચ્યા હશે કે જેનું તેણે નિકંદન ન કાઢ્યું હોય? હવે તો વિજ્ઞાનને લઈને એ પણ ખબર પડે છે કે આ કૃત્યોનાં દુષ્પરિણામ કેવાં હશે, છતાં તેની એ વૃત્તિમાં કશો ફેરફાર થતો જણાતો નથી.

એનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ એટલે નામિબિયાની સરકારે કરેલી ઘોષણા. આફ્રિકાની દક્ષિણે આવેલા આ દેશમાં દુષ્કાળ સામાન્ય બાબત છે, કેમ કે, આ પ્રદેશ તદ્દન સૂકો અને બિનફળદ્રુપ છે. અગાઉ 2013, 2016 અને 2019માં દુષ્કાળને કારણે અહીં રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. અલબત્ત, આ વર્ષનો એટલે કે 2024નો દુષ્કાળ વ્યાપક અને વિનાશક બની રહ્યો છે. ઑક્ટોબર, 2023માં બોત્સવાનાથી આરંભાયેલી દુષ્કાળની પરિસ્થિતિ એન્‍ગોલા, ઝામ્બીઆ, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં પ્રસરતી અને તીવ્ર બનતી રહી છે. આફ્રિકાના મોટા ભાગના દક્ષિણ વિસ્તારમાં આવી પરિસ્થિતિ વ્યાપેલી છે.

આટલી ગંભીર પરિસ્થિતિ પેદા થવાનું મુખ્ય કારણ અલ નીનો છે. તેને કારણે વિશ્વના ઘણા પ્રદેશોમાં અતિશય ગરમી અને સૂકું હવામાન જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં સાત વર્ષ પછી, 2023માં અલ નીનોને કારણે સરેરાશ કરતાં વધુ તાપમાન અને લઘુતમ વરસાદ જોવા મળ્યાં છે, જેને પરિણામે દુષ્કાળ સર્જાયો છે. ચિંતાજનક બાબત એ છે કે જળવાયુ પરિવર્તનને કારણે દુષ્કાળ, પૂર એવી આત્યંતિક પરિસ્થિતિઓ વારેવારે અને તીવ્રતાપૂર્વકની જોવા મળી રહી છે.

આ તો જાણે કે પરિણામ અને એનાં કારણ થયાં. ઉકેલનું શું? આફ્રિકાના દક્ષિણ ભાગની આશરે 14 લાખની વસતિને ખોરાક પૂરો પાડવા માટે નામિબિયાએ કુલ 723 વન્ય પશુઓને હણવાનો નિર્ણય લીધો છે. આમાં 30 હિપ્પોપોટેમસ, 60 ભેંસો, 50 હરણો, 100 બ્લુ વાઈલ્ડ બીસ્ટ (એક પ્રકારનું કાળિયાર), 300 ઝેબ્રા, 83 હાથીઓ અને 100 ઈલેન્‍ડ (એક પ્રકારનું હરણ)નો સમાવેશ થાય છે. દુષ્કાળની પરિસ્થિતિ વિશે જાણીને દુ:ખ અવશ્ય થાય, પણ આટલાં પ્રાણીઓની હત્યા કરવાની વાતે હાયકારો નીકળી ન જાય તો જ નવાઈ! નામિબિયાના પર્યાવરણ, વન અને પ્રવાસન ખાતાના મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘આ કવાયત જરૂરી છે અને અમારા નૈસર્ગિક સ્રોત નામિબિયાના નાગરિકોના લાભાર્થે વાપરી શકાય એવી બંધારણીય જોગવાઈ સાથે સુસંગત છે.

એવું નથી કે સરકાર કેવળ માંસ માટે આ પ્રાણીઓનો શિકાર કરાવે છે. સરકારને ડર છે કે દુષ્કાળને કારણે પ્રાણીઓએ ખોરાકપાણીની શોધમાં સ્થળાંતર કરવું પડશે, જેને કારણે માનવવસ્તિ સાથે ટકરાવના તેમના બનાવ વધશે. આ દેશમાં ચોવીસેક હજાર હાથીઓ છે, જે વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતા દેશ પૈકીનો એક કહી શકાય. પર્યાવરણ, વન અને પ્રવાસન મંત્રાલય અનુસાર કેટલાંક પ્રાણીઓનો શિકાર કરવાથી તેમની પર દુષ્કાળની અસર ઓછી પડશે. ઘાસ અને પાણીના વ્યવસ્થાપન પર આવતું દબાણ પણ તેનાથી ઘટશે.

આહાર માટે પશુઓને મારવાની નવાઈ નથી. ઝેબ્રા, હરણ જેવાં પ્રાણીઓ સામાન્ય સંજોગોમાં પણ આ વિસ્તારમાં શિકાર કરીને ખવાતાં હોય છે. છતાં આ પરિસ્થિતિ વધુ પડતી તીવ્ર કહી શકાય. સ્વાભાવિકપણે જ આ નિર્ણયની ટીકા થઈ રહી છે. અમુકનું કહેવું છે કે આ અભિગમ કરુણ અને ટૂંકી દૃષ્ટિનો છે. વન્ય પશુઓને મારવાથી દેશની ખોરાકની અછત ઘટે નહીં. બલકે એનાથી જૈવ પ્રણાલી અસરગ્રસ્ત થશે અને જોખમગ્રસ્ત પ્રજાતિઓ વધુ જોખમગ્રસ્ત બનશે. જૈવ સંતુલનની જાળવણીમાં આટલા મોટા પાયે પ્રાણીઓનો સંહાર કરવાથી તેનાં વિપરીત પરિણામ આવી શકે.

નામિબિયા તરફથી વારંવાર ત્યાંની ભીષણ પરિસ્થિતિની વાત આગળ ધરવામાં આવે છે, જે સાચી છે અને તેઓ પોતાના આ પગલાને બંધારણીય રીતે વાજબી ગણાવે છે. વિશ્વનાં વિવિધ લોકોએ તેમને વૈકલ્પિક ઉકેલ વિચારવા કહ્યું છે, પણ પરિસ્થિતિ વધુ ગંભીર છે. વિચારણાની સ્થિતિ ક્યાંય પાછળ રહી ગઈ છે અને હવે નક્કર પગલાંનો વખત આવી ગયો છે. એક અહેવાલ મુજબ અનંત અંબાણીના સ્વપ્નપ્રકલ્પ ‘વનતારા’એ નામિબિયાના હાઈ કમિશ્નરને આ મામલે સહાયની દરખાસ્ત કરતો પત્ર લખ્યો છે. એ પછી શું થયું એ વિશે જાણકારી જોવા મળતી નથી.

દરમિયાન નામિબિયાનાં નાગરિકો આ નિર્ણયથી વ્યથિત છતાં તેને જરૂરી માને છે એમ જણાયું છે. પોતાનાં બાળકો ભૂખે મરતાં હોય ત્યારે તેમને ખોરાક આપવાની જોગવાઈની પ્રાથમિકતા હોય એ સમજાય એવું છે. આટલે દૂર બેસીને, વાસ્તવિક પરિસ્થિતિને નજરે જોયા વિના તેના વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. પણ એક હકીકત વારેવારે પુરવાર થતી આવી છે કે પર્યાવરણ સાથેનાં ચેડાં માનવજાતને ભારે પડી રહ્યાં છે, છતાં એ સુધરવાનું નામ લેતો નથી. વિકાસની આંધળી અને અંતહીન દોટ કેવું ભયાનક પરિણામ લાવી શકે એનો જીવતોજાગતો દાખલો નામિબિયાનો વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને કરાયેલો નિર્ણય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top