Comments

જીત ચાર રાજ્યોની ને જશન ગુજરાતમાં ! વહેલી ચૂંટણીની તૈયારીઓ?

દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં વિજયપતાકા લહેરાવ્યા પછી ભાજપી નેતાગીરી હવે ગુજરાતમાં લાંબી-મોટી કેસરિયા પતાકાઓ લહેરાવા જાણે ઉતાવળી બની છે. ચાર રાજ્યોની જીતનો જશન ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાઇ રહ્યો છે. આમ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા ડિસેમ્બરમાં ડ્યૂ છે, પણ ભાજપને ડિસેમ્બર સુધી રાહ નહીં જોવાનો રઘવાટ ચડ્યો છે. સૌ ગુજરાતીઓને ગૌરવ થાય એવું રેડ કાર્પેટ બિછાવીને નરેન્દ્રભાઇનું ગુજરાતમાં જાજરમાન સ્વાગત થયું. યુપીનું દંગલ જીતીને નરેન્દ્રભાઇ આમ તો 2024 નો જંગ જીતી લીધો હોવાનું મનાય છે. પરંતુ તેનું શોકેસિંગ ગુજરાતમાં કરવાની જે ચાનક ચડેલી જણાય છે, તે જોતાં ડિસેમ્બર પહેલાં જ ગુજરાતમાં ચૂંટણી આવી પડે એવી પાકી ધાસ્તી છે. કોંગ્રેસ હજુ એને માટે તૈયાર નથી ને આમઆદમી પાર્ટીને ચડેલો પંજાબી કેફ હમણાં ઉતરે એમ નથી, એટલે નરેન્દ્રભાઇ ગુજરાતનો ગંજીપો ચીપી નાખવાના સ્વાભાવિક મૂડમાં છે.

એક વાત એવી પણ ચર્ચાઇ રહી છે કે સંઘ દ્વારા રાજ્યની રાજકીય સ્થિતિની વિવિધ પ્રકારે સમીક્ષા હાથ ધરાઇ છે. મોદીને તેનો અહેવાલ મળે એ પછી ગુજરાતને માટે તેઓ યોગ્ય નિર્ણય કરવાની દિશામાં આગળ વધશે એવું મનાઇ રહ્યું છે. ચાર રાજ્યોમાં થયેલી સત્તાવાપસી પછી ભાજપના હાથમાં ગુજરાતની ખુજલી આવી રહી હોવાનું જણાય છે. નહીં તો ખુદ મોદીએ બીજા જ દિવસે ગુજરાતના મોરચે ઉતરી પડવું પડે એવી કોઇ અનિવાર્યતા કંઇ ઊભી થઇ નથી. સંઘ પરિવારમાં એવી પદ્ધતિ છે કે કોઇ રસ્તે આગળ વધતાં પહેલાં એની પોતાની રીતની સેન્સ લેવામાં આવે.

RSSએ શરૂ કરેલી ગુજરાત વિધાનસભાના સર્વેની કામગીરી, રિપોર્ટ સોંપ્યા પછી મે માં વિધાનસભાની ચૂંટણી આવી પડે તો નવાઇ નહીં એવી ગણતરી રાજકીય વર્તુળો મૂકતા થઇ ગયા છે. એટલે કે આગામી ડિસેમ્બરને બદલે દોઢેક મહિના પછી મે મહિનામાં જ મોદી સાહેબ ગુજરાતની ચૂંટણીનો વ્યૂહ ઘડી કાઢે તો નવાઇ નહીં. આ જ કસરતના ભાગરૂપે મોદીની ગુજરાત મુલાકાત ટાણે જ રાષ્ટ્રીય સ્વસંવક સંઘની પ્રતિનિધિસભા અમદાવાદના સીમાડે આવેલા નિષ્કલંક ધામ, પીરાણા ખાતે યોજાઇ હોવાનું આયોજન થયેલું છે.

સંઘનો જે વ્યાપ છે તે જોતાં વિવિધ પ્રકારના સર્વે અને સમીક્ષા તેના દ્વારા અવારનવાર થતા આવ્યા છે. તેમાં પ્રજાની ભાજપ પ્રત્યેની અપેક્ષાઓ કે પ્રજાની સાચી સમસ્યાઓ કેટલી હશે એનો તો કોઇને તાગ મળી શકશે નહીં, પણ કયા કયા ધારાસભ્યે શું શું કર્યું છે? પાર્ટી માટે શું કર્યું ? પોતાના માટે શું કર્યું છે અને રાજ્ય વિધાનસભાની ૧૮૨ માંથી કઇ બેઠક પર કોણ ઉમેદવાર તરીકે કેટલા લાયક છે, તેનાં આકલન સંઘના ખુફિયા સર્વેમાં હોઇ શકે છે, જે રિપોર્ટના આધારે મોદી સાહેબ ઉમેદવારોની પસંદગી કરશે અને પેલી નો-રિપીટ થિયરીની ચાબુકો પણ વીંઝશે. જે રીતે આખે આખી રૂપાણી સરકારને એક ઝાટકે હટાવી દીધી એ રીતે ભલભલા ઉમેદવારોને મોદી પસંદ-નાપસંદ કરશે. બાકી અત્યારની ગુજરાત સરકાર તો નાઇટ વોચમેન જેવી છે. એમાંના કંઇક ચહેરા પડતા મૂકાવાના છે, એ તો એ લોકો ખુદ જાણે જ છે.

 આ બધામાં સીધો સવાલ એ થયા વિના રહેતો નથી કે પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થાય ને એનાં પરિણામો જાહેર થાય એ પહેલાં ગુજરાતનો મોદીનો કાર્યક્રમ શા માટે ઘડી કાઢવામાં આવ્યો? નરેન્દ્ર મોદી સૌને આંચકો કે આશ્ચર્ય આપીને પોતાનું કામ આગળ ધપાવવા માટે જાણીતા છે. એ જોતાં પાંચેય રાજ્યોનાં પરિણામો અને એમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશનાં પરિણામ જે આવ્યાં છે, એનો પાકો આગોતરો અંદાજ મોદીને હોય. સ્વાભાવિક હશે. એટલે જ ચૂંટણી પરિણામ પછી તત્કાળ એમણે ગુજરાતનો પ્રવાસ ગોઠવી નાખ્યો. મોદી પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતા છે.

આજે અને આવતી કાલે એમના કાર્યક્રમોના વિષયોની પસંદગી અને પેટર્નને જોતાં તેઓ ગુજરાતમાં જ નહીં, અન્ય ભાગોમાં પણ આગામી દિવસોમાં કયા કોર વિષયો પર ફોકસ કરવા માગે છે, તે વરતાયા વિના રહેતું નથી. પ્રથમ તો અમદાવાદ એરપોર્ટ પર મોદીનું ભવ્ય સ્વાગત થયું ને વિશાળ રોડ-શો યોજાયો, જે દર્શાવે છે કે મોદી પોતાના વતન ગુજરાતની પ્રજાની વચ્ચે જવા માગે છે અને પ્રજા એનાં ઓવારણાં લેવા માગે છે. પછી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ અને અન્ય આગેવાનો સાથેની મીટિંગ અને વન-ટુ-વન બેઠકો છે, જે પરથી સમજાય છે કે તેઓ પાર્ટીને સ્પષ્ટ સંદેશો આપવા માગે છે કે ચૂંટણીમાં કેવો વ્યૂહ લેવાનો છે! વળી તેઓ પર્સનલ મુલાકાતો થકી ગ્રાઉન્ડ રિયાલિટીનો ક્યાસ કાઢવા માગે છે.સાચી સ્થિતિનો ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ પોતાની અસલ સ્ટાઇલમાં મેળવવા ધારે છે. એ પછી રક્ષા યુનિ.નો કાર્યક્રમ છે.

જે યુવાનો, ટેકનોલોજી, સ્ટાર્ટ અપ અને નવાં ઇનોવેશન્સ તરફના નરેન્દ્ર મોદીના અભિગમનો દ્યોતક છે. ખેલ મહાકુંભ ખાસ તો ગ્રામીણ યુવાધન-વિદ્યાર્થીઓ, યુવાનો અને સૌષ્ઠવને પ્રતિબિંબિત કરે છે. ગ્રાસરૂટ લેવલી ફરી વાર ઉત્થાન અને વિસ્તારની ફોર્મ્યુલા સાથે નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણીમાં ઝુકાવવા માગે છે. એમણે ગુજરાત સાથે આગામી દિવસોમાં વધુ સંપર્ક-સંસર્ગ રાખવાની જે ખેવના વ્યક્ત કરી છે, તે જોતાં લાગે છે કે ગુજરાતને તેઓ હવે પોતાની રીતે હેન્ડલ કરવા ધારે છે. એનો અર્થ એ થયો કે આમાં કેન્દ્રીય ગૃહમંત્રીને તેઓ કેટલા આગળ કરવા ધારે છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ થકી ગુજરાતની ચૂંટણીનું વહાણ આગળ ધપાવવા ધારે છે, તે પણ નરેન્દ્ર મોદીની ગુજરાતની બે દિવસની આ મુલાકાત પરથી ચોખ્ખેચોખ્ખું સમજાઇ જશે. ગુજરાતના અને દેશના રાજકારણમાં એ જરૂર ટર્નિંગ પોઇન્ટ લાવશે એવું લાગે છે.

 જો કે આ બાબતનો ઘણો મદાર તેઓ ગાંધીનગરના કમલમમાં અને બાદમાં રાજભવનમાં કોને કોને વન-ટુ-વન મળે છે ને કોને મળતા નથી એટલે કે એવોઇડ કરે છે, તેના પરથી પણ ઘણે અંશે સમજાઇ જશે. વળી એના થકી જે તે વ્યક્તિઓ અને કહેવાતાં આંતરિક જૂથોને તેઓ નિર્દેશ આપી દેશે કે નારાજી પણ વ્યક્ત કરી દેશે. તમામ સ્થિતિઓમાં મોદીની બધી સ્ટાઇલ આગવી હોય છે. આવી જ એક સ્ટાઇલના ભાગ રૂપે મોદીના કાલ-આજના એક (રક્ષા યુનિ,) ને બાદ કરતાં કોઇ કાર્યક્રમમાં અમિતભાઇ શાહની જાહેર ઉપસ્થિતિ વરતાતી નથી. પાછા બધા કાર્યક્રમો અમિતભાઇના સંસદીય મતવિસ્તારમાં જ છે. આને પણ નરેન્દ્રભાઇની સ્ટાઇલ જ ગણવી રહી. સુજ્ઞ ભાજપી મહાનુભાવો આના નવાં નવાં- અવનવાં અર્થઘટનો કાઢવા મથી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે પાર્ટીની આંતરિક ગુસપુસ એવી ચાલી રહી છે કે હવે ગુજરાતની ચૂંટણી માટે સાહેબ ભાઇને બદલે ભાઉને જ સઘળી લગામ આપવા ધારે છે. જો આવું થાય તો આના પછી બીજું શું શું થાય એની કલ્પનાના ઘોડાઓ પણ ઘોડદોડ રોડના ટ્રાફિક કરતાં વધુ વેગવાન દોડાવાઇ રહ્યા છે. મોદીના મનમાં શું છે તે કોઇ કળી શકતું નથી. ગુજરાતનો વ્યૂહ પણ નહીં કળી શકે. મોદી ચાહે વો હી મુમકીન હૈ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top