JEE Main 2025 નું પરિણામ શુક્રવારે મોડી રાત્રે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. રિઝલ્ટ જાહેર કરવાના લગભગ 9 કલાક પહેલા JEE મુખ્ય સત્ર 2 પરીક્ષાની અંતિમ આન્સર કી બહાર પાડવામાં આવી હતી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ શુક્રવારે રાત્રે 12:30 વાગ્યે JEE મેઇન 2025 સત્ર 2નાં પરિણામો જાહેર કર્યાં. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ્ડ માટે કટ-ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં કુલ 24 ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
પહેલા સત્રમાં 14 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. 24 ઉમેદવારમાંથી, 7 રાજસ્થાનના, 3-3 મહારાષ્ટ્ર, તેલંગાણા અને યુપીના, 2-2 પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના છે. એક-એક કર્ણાટક અને આંધ્રપ્રદેશનો છે. 100 પર્સન્ટાઇલ મેળવનારાઓમાં 21 ઉમેદવારો સામાન્ય શ્રેણીના છે. ત્યાં જ EWS, OBC (નોન-ક્રીમી લેયર), SC શ્રેણીમાંથી એક-એક ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
JEE MAINSના ટોપર્સનું લિસ્ટ
દેશભરના 24 સ્ટુડન્ટે 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે, તેમાં સૌથી 7 વિદ્યાર્થી રાજસ્થાનના છે, જેમાં મો. અનસ, આયુષ સિંઘલ, રજિત ગુપ્તા, સક્ષમ જિંદાલ, અર્ણવ સિંહ, લક્ષ્ય શર્મા, ઓમપ્રકાશ બેહરાનો સમાવેશ થાય છે, જ્યારે ગુજરાતના બે સ્ટુડન્ટ શિવેન વિકાસ તોષનીવાલ અને આદિત પ્રકાશ ભગાડેએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળના બે વિદ્યાર્થી દેવદત્ત માઝી અને આર્ચીસ્માન નંદી, દિલ્હીના બે વિદ્યાર્થી દક્ષ અને હર્ષ ઝા, ઉત્તર પ્રદેશના ત્રણ વિદ્યાર્થી શ્રેયસ લોહિયા, સૌરવ, કુશાગ્ર બંગાહા, મહારાષ્ટ્રના 3 વિદ્યાર્થી આયુષ રવિ ચૌધરી, સાનિધ્ય સરાફ, વિષાદ જૈન, તેલંગાણાના 3 વિદ્યાર્થી બાની બ્રત માજી, હર્ષ એ ગુપ્તા, વંગલા અજ્ય રેડ્ડી અને આંધ્રપ્રદેશના સાઈ મનોગના ગુઠીકોંડા તેમજ કર્ણાટકનો એક વિદ્યાર્થી કુશાગ્ર ગુપ્તા 100 પર્સન્ટાઈલ મેળવી પાસ થયો છે.
JEE એડવાન્સ્ડ પરીક્ષા ક્યારે યોજાશે?
JEE એડવાન્સ્ડ પરીક્ષા IIT કાનપુર દ્વારા 18 મે 2025 ના રોજ લેવામાં આવશે. JEE એડવાન્સ્ડમાં બેસનારા વિદ્યાર્થીઓની લાયકાત JEE મેઇન કટઓફના આધારે નક્કી કરવામાં આવશે.