આજે તા. 2 જૂનના રોજ જેઈઈ એડવાન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. રાજિત ગુપ્તા 360માંથી 332 માર્ક મેળવી દેશમાં પ્રથમ ક્રમે પાસ થયો છે. જેઈઈ એડવાન્સમાં ટોપ 100માં ગુજરાતના 7 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. અમદાવાદનો મોહિત ઓલ ઈન્ડિયા રેન્કમાં 12માં ક્રમે પાસ થયો છે. તે ગુજરાતમાં ટોપર બનયો છે. સુરતનો આગમ શાહ ઓલ ઈન્ડિયા રેન્કમાં 17માં ક્રમે પાસ થયો છે. તે ગુજરાતમાં બીજા ક્રમે છે.
જણાવી દઈએ કે દેશભરમાંથી કુલ 1.82 લાખ સ્ટુડન્ટ્સે જેઈઈ એડવાન્સની એક્ઝામ આપી હતી. આઈઆઈટી, એનઆઈટી સહિતની સંસ્થા માટે જેઈઈ એડવાન્સ પરીક્ષા લેવાતી હોય છે.
ઓલ ઇન્ડિયામાં ટોપ 100માં ગુજરાતના 7 સ્ટુડન્ટ્સ
- મોહિતઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 12માં ક્રમે, અમદાવાદ
- અગમ શાહઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17માં ક્રમે, સુરત
- મનન પટેલઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 43માં ક્રમે, અમદાવાદ
- ઋષભ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 48માં ક્રમે
- શિવેન: ઓલ ઇન્ડિયા રેન્કમાં 58માં ક્રમે
- કલ્પ શાહ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 86માં ક્રમે
- આદિત ભગાડે: ઓલ ઇન્ડિયા રેન્કમાં 94માં ક્રમે, વડોદરા
સુરતના 7 સ્ટુડન્ટ્સ શહેરમાં ટોપર થયા
સુરતમાં કુલ 7 વિદ્યાર્થીએ શહેરના ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17માં ક્રમ સાથે શહેરનો ટોપર બન્યો છે. કલ્પ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 86માં ક્રમ સાથે બીજા ક્રમે, મોક્ષ ભટ્ટ ઓલ ઇન્ડિયા રેન્કમાં 219માં ક્રમ સાથે ત્રીજા ક્રમે, કનિષ્કસિંહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 294માં ક્રમ સાથે ચોથા ક્રમે, હિતાંશ ગાંધી ઓલ ઇન્ડિયા રેન્કમાં 360માં ક્રમ સાથે પાંચમા ક્રમે, વિશ્વ પંડ્યા ઓલ ઇન્ડિયા રેન્કમાં 375માં ક્રમ સાથે છઠ્ઠાં ક્રમે અને યશ કોઠારી ઓલ ઇન્ડિયા રેન્કમાં 418માં ક્રમ સાથે સુરત સિટીમાં સાતમા ક્રમે સ્થાન મેળવ્યું છે.
સિટી ટોપર્સે શું કહ્યું
ઓલ ઈન્ડિયા 17 અને સુરત સિટી ટોપર આગમ શાહે પરીણામ જાહેર થયા બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું બે વર્ષથી જેઈઈ એડવાન્સની તૈયારી કરી રહ્યો હતો. હું દરરોજ 10-12 કલાક ભણતો હતો. હું સોશિયલ મીડિયાથી દૂર રહેતો હતો. ભણવા માટે ક્યારેક વોટ્સએપનો ઉપયોગ કરતો હતો. હું આઇઆઇટી મુંબઈમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા ઈચ્છું છું.
કલ્પ શાહે કહ્યું કે, બે વર્ષથી હું મેઇન્સ અને એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો હતો. ક્લાસિસ સાથે હું ચારથી પાંચ કલાક ભણતો હતો. જ્યારે ક્લાસ ન હોય ત્યારે દસથી બાર કલાક ભણતો હતો.