કાશી અને કૌશલ નામના બે પ્રાંત હતા. કાશીનો રાજા બ્રહ્મદત્ત ખૂબ બળવાન હતો. એની પાસે બહુ મોટું લશ્કર હતું. કૌશલનો રાજા વૃદ્ધ હતો. એની પાસે મોટું લશ્કર નહોતું, રાજા સ્વભાવનો ખૂબ જ ભલો હતો અને પોતાની રૈયત માટે ખૂબ જ સેવાકાર્યો કરતો અને તેની પ્રજા પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ રાજ્ય વિસ્તાર કરવા માટે કાશીના રાજા બ્રહ્મદત્તે કૌશલ પ્રાંત પર ચડાઈ કરી. કાશીના મોટા લશ્કર પાસે કૌશલનું નાનું લશ્કર ટકી ન શક્યું, હારી ગયું. કાશીના રાજા બ્રહ્મદત્તે કૌશલનાં રાજા રાણીને બંદી બનાવીને ઘાતકી રીતે મારી નાંખ્યાં અને રાજ્ય લઈ લીધું.
કૌશલના પ્રધાને રાજકુંવરને પોતાનો દીકરો કહી બચાવી લીધો. કૌશલના રાજાએ મરતી વખતે છેલ્લી ક્ષણોમાં પુત્રને કહ્યું, ‘વત્સ, યાદ રાખજે, વેરનું ઔષધ પ્રેમ છે. પ્રધાનજીને પિતાતુલ્ય માન આપજે.’ પિતાના આ છેલ્લા વાક્યને મનમાં રાખી, કુંવર મોટો થવા લાગ્યો. પ્રધાને તેને કુંવરને છાજે તેવી બધી જ તાલીમ આપી. ઘોડેસવારીમાં કુંવર કાબીલ બન્યો અને વાંસળી પણ મીઠી મધુરી વગાડતો. કુંવરના મનમાં કાશીના રાજા પ્રત્યે જે વેરભાવના હતી તે પિતાનું છેલ્લું વાક્ય યાદ કરી કરીને ગાયબ થઈ ગઈ હતી. તેણે વિચાર્યું જો હું વેર લેવા આ રાજાને મારીશ તો વેર આગળ વધશે. તેનો પુત્ર મને મારશે, મારો પુત્ર એને મારશે. આમ તો વેર વધતું જ રહેશે.
એના કરતાં પિતાની છેલ્લી શિખામણ જ સાચી છે. વેરનું ઓસડ વેર નહીં પણ પ્રેમ છે.હું આ વેર દૂર કરીને જ રહીશ. કાશીના રાજાની નજીક જવા કુંવરે એક તખ્તો ગોઠવ્યો.પોતે ઘોડા ઉછેરવા,તાલીમ આપવામાં અને ઘોડેસવારીમાં મહેર હતો. કાશીરાજે કુંવરની નિપુણતા જોઈને તેને પોતાનો અશ્વપાળ બનાવ્યો. એક દિવસ કુંવર બપોરે મીઠી વાંસળી વગાડતાં બેઠો હતો. કાશીરાજ બ્રહ્મદત્ત વાંસળીના સૂર સાંભળી ખુશ થઈ ગયો અને કુંવરને પોતાનો નિજી સેવક બનાવી દીધો. હંમેશા પોતાની સાથે રાખતા અને રોજ તેની પાસે એક વાર તો વાંસળી સાંભળતા જ.
એક દિવસ રાજા અને કુંવર શિકાર પર નીકળ્યા. શિકારની પાછળ દોડતાં દોડતાં બંને જણ આખા રસાલાથી ઘણા દૂર નીકળી ગયા. રાજા બ્રહ્મદત્ત તાપ અને શ્રમથી થાકી બેહોશ થઈ ગયા. કુંવર તેમને જાળવીને જંગલમાંથી મહેલમાં લઇ આવ્યો. બીજે દિવસે રાજા બ્રહ્મદત્તે પોતાના નિજી સેવકને શાબાશી આપી અને જાન બચાવવા માટે આભાર માન્યો. કુંવર ઊઠ્યો, પોતાની સાચી ઓળખાણ આપી કહ્યું, ‘હું કૌશલ રાજા જેને તમે મૃત્યુ દંડ આપ્યો હતો તેમનો પુત્ર છું. તમને જંગલમાં મારી નાખી શકત પણ મારા પિતાની અંતિમ સલાહ હતી વેરનું ઓસડ પ્રેમ છે એટલે તેમની સલાહ અનુસાર હું સઘળું વેર ભૂલી તમારા મનમાં પ્રેમ ઉગાડવા અહીં આવ્યો છું. રાજા બ્રહ્મદત્તને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કાશીના રાજાએ કુંવરને કૌશલનું રાજ પાછું આપી દીધું અને પોતાની કુંવરીનાં લગ્ન પણ તેની સાથે કર્યાં.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.