નવી દિલ્હી: જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન (Death) થયું છે. જણાવી દઈએ કે શરદ યાદવને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં (Hospital) સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તેમજ તેઓની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. મળતી મહિતી મુજબ આ અંગેની જાણકારી તેઓની પુત્રીએ પોતાના ફેસબુક પોસ્ટ (Facebook Post) દ્વારા આપી હતી.
2003માં JDUની રચના બાદ શરદ યાદવ લાંબા સમય સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યાં હતા. આ ઉપરાંત તેઓ સાત વખત લોકસભાના સાંસદ પણ રહ્યાં હતા. જો કે તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સારુ ન હોવાના કારણે રાજકારણમાં સક્રિય જોવા મળ્યા ન હતા. જણાવી દઈએ કે શરદ યાદવે બિહારના મધેપુરા લોકસભા ક્ષેત્રમાંથી ચાર વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સાથે તેઓ બે વખત મધ્યપ્રદેશના જબલપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. એકવાર ઉત્તર પ્રદેશના બદાઉનથી લોકસભા પહોંચ્યા. મળતી માહિતી મુજબ શરદ યાદવ કદાચ ભારતના પ્રથમ રાજકારણી હતા જેઓ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. શરદ યાદવને ભારતીય રાજનીતિના પિતા માનવામાં આવે છે. આ સાથે તેઓ ઈમરજન્સી સમયમાં જેલમાં પણ ગયા હતા.
શરદ યાદવની વાત કરીએ તો તેઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના કન્વીનર હતા. પરંતુ જ્યારે તેમની પાર્ટી ગઠબંધનથી અલગ થઈ ત્યારે તેમણે કન્વીનર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજકીય જોડાણોના નિષ્ણાંત ખેલાડી ગણાતા શરદ યાદવને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજકીય ગુરુ માનવામાં આવતા હતા.
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બાબાઈ ગામમાં 1 જુલાઈ 1947ના રોજ જન્મેલા શરદ યાદવ ભારત સરકારમાં ઘણા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. તેમના પિતાનું નામ નંદ કિશોર યાદવ અને સુમિત્રા યાદવ હતું. તેણે રોબર્ટસન કોલેજ, જબલપુરમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. તેમની મોટાભાગની રાજકીય કારકિર્દી બિહારમાં રહી હતી. તેમણે રેખા યાદવ સાથે 15 ફેબ્રુઆરી 1989ના રોજ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેઓની પુત્રીએ આ અંગેની જાણકારી ફેસબુક ઉપર એક પોસ્ટ શેર કરીને આપી હતી.