વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે આઠ વ્યાપક સિદ્ધાંતો રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારત અને ચીન ખરેખર ત્રિભેટે ઉભા છે અને તેમની પસંદગીઓ ફક્ત તેમના પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર અસર કરશે.
એક ઓનલાઇન કોન્ફરન્સને સંબોધન કરતા જયશંકરે જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાંની ગયા વર્ષની ઘટનાઓએ સંબંધોને અપવાદરૂપ તનાવ હેઠળ લાવી દીધા છે અને ચીનના અભિગમમાં ફેરફાર તથા સરહદી વિસ્તારોમાં દળો ભેગા કરવા માટેના કારણો કે વિશ્વાસપાત્ર ખુલાસો ભારતને હજી મળ્યો નથી. બંને દેશો ગયા વર્ષના પ મેથી પૂર્વીય લડાખમાં એક લશ્કરી મડાગાંઠમાં ફસાયેલા છે.
વિદેશમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા આઠ સિદ્ધાંતોમાં સરહદી વ્યવસ્થાપન અંગેના તમામ કરારોનું કડક પાલન, ખરેખરી અંકુશ હરોળ(એલએસી)ને સંપૂર્ણ માન, સરહદી મોરચાઓ પર શાંતિ અને સંવાદિતા જાળવવી, એક બહુરંગી વિશ્વ માટે એક બહુ-ધ્રુવીય એશિયાને આવશ્યક ઘટક તરીકે માન્યતા આપવી અને મતભેદોને અસરકારક રીતે હાથ ધરવાની બાબતનો સમાવેશ થાય છે.
તેમણે ત્રણ મ્યુચ્યુઅલ્સ પણ રજૂ કર્યા છે જેમાં પરસ્પરને સન્માન, પરસ્પર સંવેદના અને પરસ્પર હિતોને માનનો સમાવેશ થાય છે અને આ બાબતોને સંબંધો નક્કી કરનાર મહત્વના પરિબળો ગણાવ્યા હતા. ચીનની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે પૂર્વીય લડાખમાંની ઘટનાઓ અત્યંત વ્યગ્ર કરનારી છે કારણ કે તેઓ ફક્ત પ્રતિબધ્ધતાઓના ઉલ્લંઘનનો જ સંકેત આપતી નથી પરંતુ શાંતિ અને સંવાદિતા તોડવાની તૈયારી પણ તેના વડે દર્શાવાઇ છે.