Entertainment

જયેશભાઇ છે ગુજરાતી પણ આખા ઇન્ડિયાને હસાવશે-રડાવશે

દિવ્યાંગ ઠક્કર અત્યારે ‘જયેશભાઇ જોરદાર’ના કારણે ચર્ચામાં છે. ગુજરાતી નાટકો અને ‘કેવી રીત જઇશ’, ‘બે યાર’, ‘ચાણકય સ્પિક્‌સ’, ‘ચાસણી’ જેવી ફિલ્મો અને ‘બોયગીરી’ ટી.વી. શ્રેણીના આ અભિનેતાએ કયારેય કોઇ ફિલ્મનું દિગ્દર્શન કર્યું નથી છતાં યશરાજ ફિલ્મ્સનાં આદિત્ય ચોપરાએ તેમને દિગ્દર્શન સોંપ્યું. રણવીર સીંઘ, શાલિની પાંડે, બોમન ઇરાની, રત્ના પાઠક જેવા ટોપના કળાકારો સાથેની ફિલ્મ સોંપી. આનું કારણ એક જ અને તે ‘જયેશભાઇ જોરદાર’ની વાર્તા-પટકથા. રણવીર સીંઘ જેવા સ્ટાર-અભિનેતા પણ પોતાના પાત્રથી એકદમ ખુશ છે. ગુજરાતી નાટકો અને હિન્દી-ગુજરાતી ટી.વી. સિરીયલોના અભિનેતા બકુલ ઠક્કરના ભત્રીજા દિવ્યાંગ ઠક્કરે અહીં ‘જયેશભાઇ જોરદાર’ અને રણવીર સીંઘ, આદિત્ય ચોપરા વગેરે વિશે વાત કરી છે તે જોરદાર છે

પ્ર.: તમે નથી તો કોઇ હિન્દી ગુજરાતી ફિલ્મ કે હિન્દી ટી.વી. સિરીયલ, વેબ સિરીઝનું દિગ્દર્શન કર્યું છે ને છતાં યશરાજ ફિલ્મ્સ જેવા ટોપ બેનરે તમને ‘જયેશભાઇ જોરદાર’નું દિગ્દર્શન સોંપ્યું. આ કેવી રીતે શકય બન્યું?
દિવ્યાંગ ઠક્કર: કયારેય વિચાર્યું નહોતું કે આ રીતે મોકો મળશે અને તે પણ યશરાજ તરફથી. મારી ફિલ્મકાર તરીકેની અને તે પહેલાં પ્રેક્ષક તરીકેની સંવેદના ઘડવામાં યશરાજની ‘દિલ તો પાગલ હે’ યા ‘ડર’થી માંડી અનેક ફિલ્મોનો ફાળો છે. હું કોર્પોરેટ અને એડ ફિલ્મો લખતો, બનાવતો હતો. ‘જયેશભાઇ જોરદાર’ કથા-પટકથા લખતો હતો ત્યારે ખબર નહોતી કે આદિત્ય ચોપરા સુધી તે પહોંચશે. મારી એક દોસ્ત છે નમ્રતા રાવ જે એડિટર છે. મેં તેને આ પટકથા સંક્ષેપમાં કહી અને તેણે બસ. આમ જ કહ્યું કે યશરાજને ફોવર્ડ કરું છું. કોઇ દિગ્દર્શકના આસિસ્ટન્ટ રહ્યાનું ય મારું બેકગ્રાઉન્ડ નહોતું અને પટકથા મકોલ્યાના બે દિવસ પછી જ હું યશરાજ ફિલ્મ્સના એક નિર્માતા અને દિગ્દર્શક મનીષ શર્મા સામે બેઠો હતો. તેમણે પટકથામાં જયાં મર્યાદા લાગી ત્યાં ડેવલપ કરાવ્યું અને ત્યાર પછીના 15 દિવસમાં જ રણવીર સીંઘને મારી સામે બેસાડી દીધો. હું તો ચમકી ગયો.

પ્ર.: રણવીર સીંઘે હમણાં આ ફિલ્મનાં પાત્રની વાત કરતી વેચા ચાર્લી ચેપ્લિનને યાદ કર્યા છે.
દિવ્યાંગ ઠક્કર: હા, તે એ અર્થમાં કે અમે આ ફિલ્મમાં ચાર્લી ચેપ્લિનના આત્માને પકડવાનો પ્રયત્ન કર્યો છે. જયેશભાઇનું પાત્ર એક ફ્રેશ છે. તે તમને ખૂબ હસાવશે ને સાથે એટલાં જ રડાવશે. હકીકતે આ ફિલ્મ બનાવતી વેળા જે મનમાં મુખ્ય વાત હતી તે એ કે અસલી મરદની પરિભાષા શું છે? એકશન હીરોની પરિભાષા શું છે? આજની પેઢીના યા આગલી પેઢીના પ્રેક્ષકને સીધું જ્ઞાન નથી જોઇતું, મનોરંજન જોઇએ છે. ‘જયેશભાઇ જોરદાર’નું પાત્ર ‘બે દિલવાલા’ હે એટલે તેને ‘બડે સ્ક્રિન’ની જરૂર છે.

પ્ર.: આ ફિલ્મ તમે ગુજરાતના બેકગ્રાઉન્ડ સાથે બનાવી છે ને પાત્રો પણ ગુજરાતી છે, તો બધા પ્રેક્ષકને આકર્ષી શકશે?
દિવ્યાંગ ઠક્કર: ભલે ગુજરાતમાં સેટ થઇ હોય પણ આ પેન ઇન્ડિયા ફિલ્મ છે. દરેક જગ્યાના દરેક વ્યકિતની તેમાં કહાણી છે. આ ફિલ્મમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ ખૂબ જ મહત્વનું છે વળી હું ગુજરાતી છું તો ગુજરાતમાં વધારે કમ્ફર્ટ લેવલ અનુભવું છું. મારી માતૃભાષામાં આ ફિલ્મ હોય એવું જ હું ઇચ્છતો હતો .આ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં ગુજરાતી અભિનેતા-અભિનેત્રી છે તેમણે ફિલ્મનું ગુજરાતીપણું વધારે સહજ બનાવ્યું છે.

પ્ર.: રણવીર સીંઘ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
દિવ્યાંગ ઠક્કર: તેમણે શરૂમાં જ કહેલું કે હું જયેશભાઇના પાત્રને ખુદને સમર્પિત કરું છું અને એ ભાવ આજ સુધી રહ્યો છે. સેટ પર તે રણવીરસીંઘ નહીં, જયેશ હોય છે. દરેક પળે મને આત્મવિશ્વાસ આપતા. હું તમને કહું છં કે  તેમનું એક બેસ્ટ પર્ફોમન્સ છે. તેમને ‘રામલીલા ગોલિયો કી રાસલીલા’ દરમ્યાન ગુજરાતીપણાનો અનુભવ હતો જ ને જયેશભાઇ તરીકે પણ જોરદાર છે.

પ્ર: આદિત્ય ચોપરાનું વલણ કેવું રહ્યું છે ?
દિવ્યાંગ ઠક્કર: પટકથા સાંભળી હા પાડયા પછી તે વચ્ચે નથી આવ્યા. તેમણે કહેલું કે ફાઇનલ કટ હોય ત્યારે જ અને તમારા કામથી તમે ખુશ થયા હો ત્યારે જ મને દેખાડજો. પહેલું કટ જોયા પછી તેમના મોઢા પર પ્રશંસા હતી અને અંગત રીતે કહેલું કે, ‘બેટા, બહુત અચ્છા કિયા હે, આગે બઢો’ને પછી ઉમેરેલું, ‘પ્રશંસા સે મેં નહીં, કામમૈ ઉલઝો! તેઓ લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી કરતા પણ જે ફિલ્મ બનતી હોય તેની બધી બાબત તેમને યાદ હોય છે.

પ્ર: તમે એકદમ ગુજરાતી લાગે એવું શીર્ષક કેમ પસંદ કર્યું ?
દિવ્યાંગ ઠક્કર: મેં જયારે પટકથા લખી ત્યારે ‘એકશન હીરો’ શીર્ષક રાખેલું પણ આદિત્ય ચોપરા કહે કે મુખ્ય પાત્રનું નામ જયેશભાઇ છે ને હીરો તરીકે તે જોરદાર છે, તો ‘જયેશભાઇ જોરદાર’ શીર્ષક જ યોગ્ય રહેશે. એટલે શીર્ષકમાં આદિત્ય સરનું પ્રદાન છે.

પ્ર: ફિલ્મ પ્રેક્ષકોએ શા માટે જોવી જોઇએ ?
દિવ્યાંગ ઠક્કર: પારિવારિક મનોરંજન માટે જોવા જેવી ફિલ્મ છે. ફિલ્મ જોતી વેળા તમે એકબીજા સાથે લાગણીથી બંધાશો. બીજું કારણ છે રણવીર સીંઘનો અભિનય. નવો જ લુક ને અભિનયનું નવું જ સ્તર. રણવીર સ્વયં આ ફિલ્મ જોવાનું કારણ છે. ત્રીજુ કારણ છે ફિલ્મના સપોર્ટિગ એકટર્સ જે ગુજરાતી છે ને મોટા પરદા પર આવ્યા નથી.

પ્ર: યશરાજ ફિલ્મ્સની એક લાંબી પરંપરા છે તમે તેમના માટે ફિલ્મ બનાવી છે તો શું અનુભવો છો?
દિવ્યાંગ ઠક્કર: આ બેનરની 50 વર્ષથી ટ્રેડીશન છે અને આદિત્ય ચોપરાએ સતત નવા નવા વિષયો સાથે ફિલ્મ બનાવી છે. નવા દિગ્દર્શકો, નવા કળાકારો સાથે ફિલ્મ બનાવે છે. નવી પેઢી, નવા પ્રેક્ષક સાથે તેઓ પોતાને બદલવા માંગે છે. ‘જયેશભાઇ જોરદાર’ પણ એ ટ્રેડીશનમાં જ બની છે. •

Most Popular

To Top