Sports

જય શાહ બન્યા ICC ના નવા અધ્યક્ષ, બિનહરીફ ચૂંટાયા, 1 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે

ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર લઈ ગયા બાદ જય શાહ આઈસીસી તરફ વળ્યા છે. ICCએ જય શાહને મોટી જવાબદારી સોંપી છે. જય શાહને આગામી બે વર્ષ માટે ICCના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ICCની આગામી સૌથી મોટી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે. જય શાહની ગ્રેગ બાર્કલેના સ્થાને ICCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. ગ્રેગ બાર્કલે વર્ષ 2020માં ICCના અધ્યક્ષ બન્યા હતા. ગ્રેગ બાર્કલે સતત બે ટર્મ માટે ICCના અધ્યક્ષ હતા. 2020 માં અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી તેઓ ફરીથી 2022 માં બિનહરીફ ચૂંટાયા. જય શાહ પણ બિનહરીફ ICCના અધ્યક્ષ બન્યા છે.

35 વર્ષીય જય શાહ મંગળવારે 27 ઓગસ્ટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. શાહ સામે આ પદ માટે કોઈએ અરજી કરી ન હતી. આવી સ્થિતિમાં ચૂંટણી ન થઈ અને તેઓ બિનહરીફ ચૂંટાયા છે. તેઓ 1 ડિસેમ્બરે અધ્યક્ષ પદ સંભાળશે. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ છે. બીસીસીઆઈએ હવે સેક્રેટરીના પદ પર નવી પોસ્ટિંગ કરવી પડશે. અરુણ જેટલીના પુત્ર અને દિલ્હી ક્રિકેટ એસોસિએશન (DDCA)ના પ્રમુખ રોહન જેટલી BCCIના નવા સચિવ બની શકે છે.

મને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ આભાર- જય શાહ
જય શાહે કહ્યું, “મને ICCના અધ્યક્ષ તરીકે પસંદ કરવા બદલ બધાનો આભાર. હું વૈશ્વિક સ્તરે ક્રિકેટને આગળ વધારવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. ક્રિકેટના ફોર્મેટમાં હું નવી ટેક્નોલોજી લાવવાની કોશિશ કરીશ અને વર્લ્ડ કપ જેવી ઈવેન્ટ્સને પણ ગ્લોબલ માર્કેટમાં લઈ જઈશ. શાહે વધુમાં કહ્યું કે, “2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ એક મોટી સિદ્ધિ છે. અમે તેને ઓલિમ્પિક દ્વારા વૈશ્વિક ઓળખ અપાવીશું અને તેને વધુ દેશોમાં લઈ જવાનો પ્રયાસ કરીશું.”

બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે
ICCના વર્તમાન અધ્યક્ષ ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. ICCએ 20 ઓગસ્ટે કહ્યું હતું કે બાર્કલે સતત ત્રીજી વખત અધ્યક્ષ નહીં બને. તેઓ 2020 થી આ પોસ્ટ પર હતા. તેઓ નવેમ્બરમાં તેમનું પદ છોડી દેશે.

Most Popular

To Top