Sports

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ વચ્ચે મોટા સમાચાર, ચોથી મેચમાં નહીં રમે ભારતનો આ સ્ટાર ખેલાડી

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી (IndiaVsEnglandTestSeries) રમાઈ રહી છે. આ સિરીઝની ત્રણ મેચ પુરી થઈ છે. સિરિઝમાં ટીમ ઈન્ડિયા (India) હાલમાં 2-1થી આગળ છે. સિરિઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં (Ranchi) રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં ટીમના એક સ્ટાર ખેલાડીને આરામ આપવામાં આવશે. 

અહેવાલ અનુસાર ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની સિરિઝની ચોથી ટેસ્ટ માટે તેના મુખ્ય ફાસ્ટ બોલર અને વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહને (JaspritBumrah) આરામ આપવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી (Rajkot) રાંચી નહીં જાય. બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ (Ahmedabad) જવા રવાના થશે. જો કે જસપ્રીત બુમરાહ ધર્મશાલામાં (Dharmshala) યોજાનારી સિરિઝની છેલ્લી મેચમાં ટીમમાં વાપસી કરશે. પરંતુ તે આ મેચમાં રમશે કે નહીં તે ચોથી મેચના પરિણામ પર નિર્ભર રહેશે.

વર્કલોડ મેનેજ કરવા માટે આરામ આપવામાં આવશે 
બુમરાહને આરામ આપવાનો નિર્ણય ભારતીય ટીમના વર્કલોડ મેનેજમેન્ટનો એક ભાગ છે. ટેસ્ટ સિરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બુમરાહે અત્યાર સુધી ત્રણ મેચમાં 80.5 ઓવર ફેંકી છે અને 13.64ની એવરેજથી 17 વિકેટ લીધી છે. વર્કલોડ મેનેજ કરવાના ભાગરૂપે બુમરાહને ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપવાનું નક્કી કરાયું છે.

આ સાથે જ મુકેશ કુમારની (MukeshKumar) ટીમમાં વાપસી થઈ શકે છે. જેને રણજી ટ્રોફીમાં (RanjiTrophy) રમવા માટે ત્રીજી ટેસ્ટ દરમિયાન ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. મુકેશ કુમારે રણજી ટ્રોફી મેચમાં બિહાર વિરૂદ્ધ બંગાળ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચની પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ સહિત કુલ 10 વિકેટ લીધી હતી.

સિરિઝની ચોથી મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર., કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

 

Most Popular

To Top