નવી દિલ્હી, તા. 02 : ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ વન ડેની સીરિઝ માટે પણ આરામ આપવામાં આવે તેવી સંભાવના દેખાઇ રહી છે. જો આમ થશે તો બુમરાહને ફરી મેદાન પર રમતો જોવા ઇચ્છનારાઓએ લાંબો સમય સુધી રાહ જોવાનો વારો આવી શકે છે.
બુમરાહે ત્રીજી ટેસ્ટ પછી અંગત કારણોસર ચોથી ટેસ્ટમાંથી પોતાને રિલીઝ કરવાની અપીલ કરી હતી અને તેના કારણે તેને ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરી દેવાયો હતો. આ સાથે જ ટી-20 સીરિઝ માટે પહેલાથી ટામની જાહેરાત થઇ જ ચુકી છે અને તેમાંથી પણ બુમરાહને આરામ અપાયો જ છે. વન ડે સીરિઝની ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી ત્યારે ચોથી ટેસ્ટમાંથી અંગત કારણોસર હટી ગયેલા બુમરાહને વન ડે સીરિઝમાંથી પણ આરામ આપવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
બુમરાહે આગામી આઇપીએલ, ઇંગ્લેન્ડ પ્રવાસ અને ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને આરામ કરવાનો નિર્ણય કર્યો હોવાનું બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું છે. તેમના દ્વારા કહેવાયું છે કે બુમરાહને કોઇ ઇજા થઇ નથી, બસ તે થોડો સમય પોતાના ઘરે આરામ કરવા માગે છે અને સૌથી જરૂરી વાત એ છે કે એ તેનો અંગત મુદ્દો છે.
ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝમાંથી રોહિત શર્મા, ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરને પણ આરામ અપાશે
અમદાવાદ, તા. 02 : ભારત પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમ સામે ટેસ્ટ સીરિઝ પુરી થયા પછી ભારતીય ટીમ પાંચ મેચની ટી-20 સીરિઝ અમદાવાદમાં રમશે, તે પછી ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચથી પુણેમાં ત્રણ મેચની વન ડે સીરિઝ રમાશે. ઇંગ્લેન્ડ સામેની આ વન ડે સીરિઝમાંથી બુમરાહને આરામ આપવાની વાતની સાથે એવા અહેવાલો પણ આવ્યા છે કે તેના સિવાય વધુ ત્રણ ખેલાડીઓને પણ આરામ આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર વન ડે સીરિઝમાંથી બુમરાહ ઉપરાંત મર્યાદિત ઓવરોની ટીમના વાઇસ કેપ્ટન તેમજ ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ આરામ આપવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝ માટેની ટીમની જાહેરાત ટૂંકમાં જ થવાની સંભાવના છે.