World

જાપાનના વડા પ્રધાને રાજીનામું આપ્યું: આ કારણે લીધો મોટો નિર્ણય

જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ રવિવારે રાજીનામું આપ્યું. શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) માં વિભાજન ટાળવા માટે ઇશિબાએ આ પગલું ભર્યું છે. જાપાની મીડિયા NHK એ આ સમાચાર આપ્યા છે.

ઇશિબાની ગઠબંધન સરકાર જુલાઈમાં યોજાયેલી ઉપલા ગૃહ (હાઉસ ઓફ કાઉન્સિલર્સ) ની ચૂંટણી હારી ગઈ હતી. ઇશિબાએ તાજેતરમાં જ આ માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા અંગે નિર્ણય લેશે. ચૂંટણીમાં હાર બાદ LDP ની અંદર ‘ઇશિબાને દૂર કરો’ ચળવળ તીવ્ર બની હતી. કેટલાક પક્ષના નેતાઓ અને સાંસદોએ તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા જેના કારણે તેમની સ્થિતિ નબળી પડી ગઈ હતી. હવે તેમને હટાવ્યા પછી LDP માં નવા નેતૃત્વ માટેની દોડ શરૂ થશે.

જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં ઇશિબાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને તેના સાથીઓએ દેશના ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવી દીધી હતી. જોકે તે સમયે તેમણે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે. જાપાની સંસદના ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે. ઇશિબાના ગઠબંધન પાસે પહેલાથી જ 75 બેઠકો હતી. બહુમતી જાળવી રાખવા માટે તેમને આ ચૂંટણીમાં ઓછામાં ઓછી 50 નવી બેઠકોની જરૂર હતી પરંતુ તેઓ ફક્ત 47 બેઠકો મેળવી શક્યા. તેમાંથી LDP ને 39 બેઠકો મળી હતી.

આ હાર પીએમ ઇશિબા માટે બીજી મોટી રાજકીય નિષ્ફળતા હતી. અગાઉ ઓક્ટોબરમાં નીચલા ગૃહની ચૂંટણી હાર્યા બાદ આ ગઠબંધન હવે બંને ગૃહોમાં લઘુમતીમાં આવી ગયું હતું. LDP ની સ્થાપના 1955 માં થઈ હતી અને આ પહેલી વાર છે જ્યારે તેણે બંને ગૃહોમાં બહુમતી ગુમાવી છે.

Most Popular

To Top