World

બોલો, જાપાનમાં ‘ચોખા’ના લીધે મંત્રીએ રાજીનામું આપવું પડ્યું, જાણો શું છે મામલો…

જાપાનના કૃષિ મંત્રી તાકુ ઇટોએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ચોખા અંગેના તેમના એક નિવેદનની સામાન્ય લોકો અને સાંસદો દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. આનાથી વડા પ્રધાન શિગેરુ ઇશિબાની મુશ્કેલીમાં મુકાયેલી સરકાર માટે એક નવો પડકાર ઉભો થયો છે.

મંત્રીએ કહ્યું હતું કે તેમને ક્યારેય ચોખા ખરીદવા પડ્યા નથી કારણ કે તેમને તે તેમના સમર્થકો તરફથી ભેટ તરીકે મળે છે. આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે દેશના પરંપરાગત મુખ્ય ખાદ્ય પદાર્થોના રેકોર્ડ ઊંચા ભાવોથી જનતા નારાજ છે.

સરકાર સામે નવો પડકાર
કૃષિ મંત્રી ટાકુ ઇટોનું આ નિવેદન રવિવારે લઘુમતી સરકારનું નેતૃત્વ કરતી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના એક સેમિનાર દરમિયાન આવ્યું. જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા આ ભૂલ પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. મોટી હારનો અર્થ નવી સરકાર બની શકે છે અથવા તેનો અર્થ એ થઈ શકે છે કે વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ પદ છોડવું પડશે.

આ નિવેદનની મતદારો દ્વારા તીવ્ર ટીકા કરવામાં આવી હતી જેઓ પહેલાથી જ વધતી માંગ અને નબળા પાકને કારણે ઐતિહાસિક રીતે ઊંચા ભાવના લીધે ગુસ્સે હતા. વડા પ્રધાન કાર્યાલયમાં રાજીનામું સુપરત કર્યા પછી ઇટોએ કહ્યું, જ્યારે નાગરિકો ચોખાના વધતા ભાવોથી પરેશાન છે ત્યારે મેં ખૂબ જ ખોટું નિવેદન આપ્યું છે.

પર્યાવરણ મંત્રીને જવાબદારી સોંપાઈ
વડા પ્રધાન ઇશિબાએ કૃષિ અને મત્સ્યઉદ્યોગ મંત્રાલયમાં એટોના સ્થાને ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન શિંજીરો કોઈઝુમીની નિમણૂક કરી અને કહ્યું કે તેમને આશા છે કે તેમના સુધારાવાદી અભિગમથી સારા પરિણામો મળશે. ઇશિબાએ કહ્યું કે કોઈઝુમી એક એવી વ્યક્તિ છે જેની પાસે કૃષિ અને મત્સ્યઉદ્યોગમાં સુધારો કરવાનો અનુભવ, દ્રષ્ટિ અને જુસ્સો છે.

ગયા વર્ષની સરખામણીમાં ચોખાના ભાવમાં બમણો વધારો એ જાપાની મતદારો માટે એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે જેઓ વર્ષોથી સસ્તા ચોખા ખાવા ટેવાયેલા છે. સરકાર માર્ચ મહિનાથી ભાવ નિયંત્રણમાં રાખવા માટે તેના ઇમરજન્સી સ્ટોરેજમાંથી ચોખા મુક્ત કરી રહી છે, પરંતુ તેની કોઈ ખાસ અસર થઈ નથી.

જાપાનમાં ચોખાની કિંમત 500 રૂપિયા કિલો
સોમવારે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે 11 મેના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં સુપરમાર્કેટ ચોખાના ભાવ ફરી વધ્યા હતા. પાછલાં 18 અઠવાડિયામાં પહેલી વાર ઘટ્યા પછી 5 કિલોગ્રામની બેગની કિંમત 4,268 યેન (લગભગ રૂ. 2,500) થઈ હતી. ઊંચા ભાવોને કારણે, છૂટક વેપારીઓ અને ગ્રાહકોએ સસ્તા, વિદેશી ચોખા શોધવાનું શરૂ કર્યું છે. ઇશિબાએ કહ્યું કે કિંમતો 3,000 યેન અને 3,999 યેન વચ્ચે હોવી જોઈએ અને આ માટે કિંમતો સ્થિર રાખવા માટે ઉત્પાદન કાપને પ્રોત્સાહન આપવાની પાછલી સરકારની નીતિને ઉલટાવી દેવી જરૂરી રહેશે.

કોઈઝુમી ‘ચોખા મંત્રી’ બન્યા
2000 ના દાયકામાં વડા પ્રધાન તરીકે જેમના પિતા જુનિચિરોએ વ્યાપક સુધારા અને નિયમો લાગુ કર્યા હતા. તેમના સ્થાને આવેલા કોઈઝુમીએ કહ્યું, હાલમાં દરેકના મનમાં ચોખાના ભાવમાં વધારો અને બજારમાં પૂરતા પ્રમાણમાં ચોખા ઉપલબ્ધ છે કે કેમ તે છે અને હું આ ચિંતાઓને દૂર કરવા માંગુ છું.

તેમણે કહ્યું કે મારી પાસે ઘણી જવાબદારીઓ છે પરંતુ મારા મતે મારે હાલમાં ફક્ત ભાત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હું આ પદ પર એ માનસિકતા સાથે જઈ રહ્યો છું કે હું મૂળભૂત રીતે ‘ચોખાનો પ્રભારી મંત્રી’ છું. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના કૃષિ વિભાગના વડા રહેલા કોઈઝુમીએ કહ્યું કે તેઓ ચોખાના ભાવ ઘટાડવા માટે કોઈ પ્રયાસ છોડશે નહીં, અને આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની જરૂર પડશે.

Most Popular

To Top