વડોદરા: સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભોજગામ (પાદરા) અને પુનિયાવાંટ (છોટાઉદેપુર) ખાતે જાપાની પદ્ધતિ અનુસરીને બે નમૂના રૂપ એટલે કે મોડેલ વન ઉછેરવામાં આવ્યા છે.
આ પૈકી ભોજ ગામે ૩૦×૧૦ મીટરના વિસ્તારમાં ૨×૨ના અંતરથી ૮૩૧ રોપાની સઘન વનરાજી ઉછેરવામાં સફળતા મળી છે. ઘરના વાડાની નાનકડી જગ્યામાં ઘનઘોર જંગલ ઉછેરવું હોય તો મિયાવાકિ એક ઉત્તમ મોડેલ તરીકે વિશ્વમાં સ્વીકૃત બની રહ્યું છે એવી જાણકારી આપતાં આ પ્રયોગના માર્ગદર્શક નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા એ જણાવ્યું કે મિયાવાકી પદ્ધતિ દ્વારા ઓછા પાણીથી ઓછી જગ્યામાં વધુ અને સઘન વૃક્ષ ઉછેર કરી ગ્રામ પંચાયતો અને ખેડૂતો આવકનો સ્ત્રોત ઊભો કરી શકે અને જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે પર્યાવરણ ને વધુ હરિયાળું બનાવી શકે છે.
મિયાવાકી પદ્ધતિમાં ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કરી શકાય છે. આ પદ્ધતિમાં જમીનની નીચે કંદમૂળ, જમીનના સ્તરે એટલે કે સપાટી પર શાકભાજીના અને ઔષધીય વેલાં, તે પછી જમીનથી ૨ મીટર ઊંચા ઉગતા છોડ અને તે પછી વધુ ઊંચાઈએ પહોંચતા વૃક્ષો એ રીતે ક્રમિક વાવેતર અને ઉછેર કરવામાં આવે છે.
તેથી ખેડૂતને નિયમિત રીતે ટૂંકા અને લાંબા ગાળાની આવક અને ઉત્પાદન મળવાની સાથે તેની આજીવિકમાં વૃદ્ધિ થાય છે. મિયાવાકી પ્રક્રિયામાં ત્રણ પ્રકારના સ્તરોએ વૃક્ષોની વાવણી કરવામાં આવે છે, જેથી બે છોડ વચ્ચેનું અંતર સમાન રહે. પ્રથમ સ્તરને નિમ્ન સ્તરીય રોપા જેમ કે, શેતુર, નગોળ, અરડૂસી, સીતાફળ, કરેણ, જામફળ વગેરે પાકોનું ઉત્પાદન થાય છે.
માધ્યમ સ્તરીય રોપામાં ગુલમહોર, બદામ, બંગાળી બાવળ વગેરે જેવા રોપા રોપવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય રોપામાં પીપળ, દેશી બબૂલ, ખાટી આમલી, શિરસ તથા કોઠા જેવા વૃક્ષો વાવવામાં આવે છે. જમીનની ઉપર ડોડી તથા મધુનાશીની જેવા ઔષધીય અને કોળા, દૂધી જેવા શાકભાજી ના છોડ લગાડવામાં આવે છે. તેમજ, જમીનની અંદર શતાવરી, સુરણ, રતાળુ, હળદર તથા આદુ જેવા રોપા લગાવવામાં આવે છે.
પિયત તથા બિનપિયત બંને રીતે આ જંગલ ઉછેરી શકાય છે તથા વર્મી કંપોસ્ટ ખાતર નાખી છોડની માવજત કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે. મિયાવાકી જંગલ માટેની જમીન ઉપર ઘઉં કે ડાંગરનું પરાળ ભેજ જાળવવા માટે પાથરવામાં આવે છે. આ પદ્ધતિ ઓછામાં ઓછી જમીન પર સઘન વનરાજી અને સારી આવક આપી શકે છે.
મિયાવાકી પદ્ધતિ જાપાનના વિજ્ઞાની અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે. જાપાનમાં જમીન ખૂબ ઓછી હોવાથી જંગલ ઉછેરની આ પદ્ધતિ તેમણે વિકસાવી જેની તરફ આજે જગતનું ધ્યાન દોરાયું છે. આ પદ્ધતિનો ઉદ્દેશ્ય ઓછી જમીનમાં ઓછા પાણી થી સઘન વનરાજી ઊભી કરવાનો છે.
જેથી ખેડૂતની દૈનિક આવકમાં વૃદ્ધિ થાય અને વિવિધ પ્રકારના છોડ અલગ અલગ પાક આપે જેથી ખેડૂતને ઓછી મેહનતે વધુ ઉત્પાદન મળે. રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે પંચાયતો નરેગામાં જરૂરિયાતમંદો ને રોજગારી આપી શકે અને ગામનું પર્યાવરણ સુધરે તે માટે મિયાવાકી પદ્ધતિનો સમાવેશ કર્યો છે.તેના પ્રચાર અને માર્ગદર્શન માટે વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગે નેતૃત્વ લઈને જિલ્લામાં નિદર્શન જંગલો નો ઉછેર હાથ ધર્યો છે.