Business

જાપાન-જર્મની અને બ્રિટન પછી હવે ચીન પણ આર્થિક મંદીમાં સપડાયું, ભારત પાસે મોટી તક!

નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્ર (WorldEconomy) પર ફરી એકવાર વૈશ્વિક મંદીના (GlobalRecession) વાદળ ઘેરાયા છે. જાપાન(Japan), જર્મની (Germany) અને બ્રિટન (Britten) પછી હવે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન (China) પર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. ચીનમાં આવતા વિદેશી સીધા મૂડીરોકાણ (FDI)માં મોટો ઘટાડો થયો છે, જે લગભગ 3 દાયકામાં સૌથી ખરાબ છે.

વર્ષે 2023માં વૈશ્વિક મંદીની ઘણી ચર્ચા થઈ હતી. ચીન પણ તેની અસરમાં આવ્યું હોવાના ભણકારા વાગી રહ્યાં હતા. ઘણી મોટી કંપનીઓ દ્વારા છટણી કરવામાં આવતા ચીન આર્થિક મંદીમાં જઈ રહ્યું હોવાના સંકેત મળતા હતા. હવે ફરી એકવાર વર્ષ 2024માં આવા જ સંકેતો જોવા મળી રહ્યા છે અને આર્થિક મંદીના ખતરાથી વિશ્વમાં તણાવ વધી રહ્યો છે.

વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ એક પછી એક મંદીના અજગર ભરડામાં સપડાઈ રહી છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ જાપાન છે. જાપાને હાલમાં જ મંદીને કારણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું બિરુદ ગુમાવ્યું છે અને આ સ્થાન પર કબજો જમાવતા જર્મનીની હાલત પણ સારી નથી. બ્રિટનની જીડીપી પણ સતત સંકોચાઈ રહી છે.

પહેલાં જાપાનની વાત કરીએ તો જાપાનના અર્થતંત્રમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 3.3 ટકા ઘટ્યો હતો. સતત બે ત્રિમાસિક ગાળામાં જાપાનના જીડીપીમાં ઘટાડો થવાને કારણે, તે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન ગુમાવ્યું છે. તે ચોથા સ્થાને સરકી ગયું છે. દેશની જીડીપી 4.2 ટ્રિલિયન ડોલર રહી ગઈ છે.

આ તરફ જર્મનીને જાપાનના ચોથા સ્થાને આવવાથી ફાયદો થયો અને તે 4.5 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની. પરંતુ તેની હાલત પણ સારી નથી. હકીકતમાં યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની પણ ગયા વર્ષે મંદીના પડછાયામાં છે. 2023માં જર્મનીનો જીડીપી 0.3 ટકા ઘટશે.

હવે જો બ્રિટનની વાત કરીએ તો તે પણ મંદીની ઝપેટમાં હોય તેમ લાગે છે. અહીં પણ જીડીપી બે ક્વાર્ટરથી ઘટી રહી છે. બ્રિટનની ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) અનુસાર જ્યારે UK GDP સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 0.1 ટકા ઘટ્યો હતો, તે ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.3 ટકા ઘટ્યો હતો. આવી સ્થિતિમાં વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં સામેલ આ દેશને લઈને ચિંતા વધી ગઈ છે.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા પણ દેવાના બોજમાં દબાયેલું છે. યુએસ ડેટ સતત વધી રહ્યો છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ (IIF)ના ડેટા અનુસાર, અમેરિકાનું દેવું વધીને $34 ટ્રિલિયન થઈ ગયું છે.

આ દેશો બાદ હવે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન પણ અનેક સંકટનો સામનો કરી રહ્યું છે. રિયલ એસ્ટેટથી લઈને બેંકિંગ કટોકટી સુધી તેની દુર્દશાનો ચિતાર વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. હવે જે એફડીઆઈના આંકડા સામે આવ્યા છે તેને જોતા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું ચીનમાં પણ મંદી દસ્તક આપી રહી છે. બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ મુજબ દેશમાં આવતા વિદેશી સીધા રોકાણનો આંકડો 30 વર્ષમાં સૌથી ખરાબ રહ્યો છે. બીજી તરફ ચીનના શેરબજારોમાં ઘટાડો ચાલુ છે.

રિપોર્ટ અનુસાર FDIના મોરચે ચીનને મોટો ઝટકો લાગ્યો છે. ગત વર્ષ 2023માં દેશને માત્ર 33 અબજ ડોલરનું વિદેશી રોકાણ મળ્યું હતું, જે વર્ષ 2022ની સરખામણીમાં 82 ટકા ઓછું છે. ચીનના સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓફ ફોરેન એક્સચેન્જના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે 2023 દરમિયાન ચીનના બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાં ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ જવાબદારીઓ $33 બિલિયન થઈ ગઈ હતી. આ આંકડો 1993 પછીનો સૌથી ઓછો છે.

ભારત માટે આ એક મોટી તક છે
ચીનમાં એફડીઆઈમાં ઘટાડાને કારણે એ વાતનો પણ અંદાજ લગાવી શકાય છે કે હવે મોટાભાગની વિદેશી કંપનીઓ ચીનથી દૂર રહીને નવા સ્થળો શોધી રહી છે. કારણ કે FDI ડેટા જણાવે છે કે વિદેશી કંપનીઓએ ચીનમાં કેટલું રોકાણ કર્યું છે. અહીં સવાલ એ થાય છે કે ચીન છોડીને જાપાન, જર્મની અને બ્રિટન ગયા પછી કંપનીઓ શું કરશે કારણ કે આ બધા દેશો પણ મંદીના પડછાયા હેઠળ છે. આવી સ્થિતિમાં ભારત માટે આ એક મોટી તક સાબિત થઈ શકે છે.

ખરેખર તો ચીનની ખરાબ સ્થિતિ અને અન્ય મોટા દેશોમાં મંદીના ભય વચ્ચે ભારત હવે વિદેશી કંપનીઓ માટે સુરક્ષિત સ્થળ સાબિત થઈ શકે છે. તાજેતરના સમયમાં એપલથી લઈને માઈક્રોન સુધીની કંપનીઓ ભારત તરફ વળી છે. આ સાથે, ભારત સરકારે વિદેશી રોકાણકારો માટે ઘણી સુવિધાઓ પણ પૂરી પાડી છે, જે વિદેશી રોકાણ આકર્ષવામાં અસરકારક સાબિત થઈ રહી છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને જાપાન, જર્મની અને બ્રિટનની ખરાબ સ્થિતિને કારણે દેશ અપેક્ષા કરતાં વહેલું ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે.

Most Popular

To Top