નવી દિલ્હી : જંતરમંતર (Jantar Mantar) પર ધરણા (Strike) પ્રદર્શન કરી રહેલા દેશના ટોચના રેસલર્સ (Wrestler) સામે આકરા પાણીએ આવેલા ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ના પ્રમુખ પીટી ઉષાએ (PT Usha) ગુરુવારે કહ્યું હતું કે આ રીતે જાહેર રસ્તા પર વિરોધ એ ગેરશિસ્ત છે અને દેશની ઇમેજને બગાડે છે. દેશના સ્ટાર રેસલર વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત અનેક રેસલર્સ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે મહિલા રેસલર્સના જાતીય શોષણ અને તેમને ડરાવવાના આરોપોને લઈને જંતર-મંતરપર ધરણા પર બેઠા છે.
આઇઓએની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ અધ્યક્ષ પીટી ઉષાએ પત્રકારોને કહ્યું હતું કે રસ્તા પર રેસલર્સનું આ પ્રદર્શન ગેરશિસ્ત છે. તેનાથી ભારતની છબી ખરાબ થઈ રહી છે. ઉષાએ વધુમાં કહ્યું હતું કે જો તેમને કોઇ સમસ્યા હતી તો તેમણે અમારી પાસે આવવાની જરૂર હતી, અમારી સાથે વાત કરવી જોઇતી હતી. અમારી પાસે આવવાના બદલે તેઓ સીધા રસ્તા પર ઉતરી પડ્યા એ રમત માટે સારું નથી. તેણે એવું પણ ઉમેર્યું હતું કે ટોચના રેસલર્સે ઓછામાં ઓછું તપાસ સમિતિના રિપોર્ટની રાહ જોવાની જરૂર હતી. તેમણે જે કંઇ કર્યું તે રમત અને દેશ માટે સારું નથી. આ એક નકારાત્મક દૃષ્ટિકોણ છે.
રેસલિંગ ફેડરેશનનું કામકાજ ત્રણ સભ્યોની એડહોક પેનલ સંભાળશે
ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)એ રેસલિંગ ફેડરેશનના કામકાજને ચલાવવા માટે માજી શૂટર સુમા શિરુર, વુશુ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ ભૂપિન્દર સિંહ બાજવાને ત્રણ સભ્યોની એડહોક પેનલમાં સમાવ્યા છે. આ પેનલના ત્રીજા સભ્ય હાઇકોર્ટના એક નિવૃત્ત જજ હશે જો કે તેમનું નામ હજુ નક્કી નથી.
પીટી ઉષા પાસે આવી આકરી પ્રતિક્રિયાની અમને આશા નહોતી : બજરંગ પુનિયા
ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશનના અધ્યક્ષ પીટી ઉષા દ્વારા રેસલર્સના ધરણા પ્રદર્શન સંબંધે કરાયેલા આકરા નિવદન પછી દેશના ટોચના રેસલર બજરંગુ પુનિયાએ કહ્યું હતું કે પીટી ઉષા પાસે આવી આકરી પ્રતિક્રિયાની અમને આશા નહોતી. અમે તો તેમની પાસેથી સમર્થન મળવાની આશા રાખી હતી.