દુન્યવી સફળતાનો માપદંડ ખૂબ વિસ્તાર પામ્યો છે. આ સફળતા વ્યક્તિકેન્દ્રી છે. સમાજનો વિચાર તેમાં પછી છે; પણ જ્યારે પોતાની સફળતાનો માર્ગ સમાજના ઉદ્ધારથી જ કંડારાતો હોય તો તેનું પરિણામ પેઢીઓને તારે છે. ભારતીય ઔદ્યોગિક જગતમાં દીર્ધદૃષ્ટિથી આવું વિચારી શકનાર સૌ પ્રથમ જમશેદજી નુસ્સેરવાનજી તાતા હતા. વર્તમાન તાતા ગ્રુપના સ્થાપક. ભારતીય ઔદ્યોગિક જગતના પ્રણેતા. તાતા ગ્રુપ અંતર્ગત તેમણે અનેક બિઝનેસ સાહસ સ્થાપ્યાં, જેના થકી ભારત ઔદ્યોગિક માર્ગે ડગ આગળ માંડતું ગયું.
જમશેદજી તાતાનું જીવન અનેક વિશેષતાઓથી ભર્યું પડ્યું છે પણ આજે તેમની વાત માંડવાનો ઉદ્દેશ્ય છે તેઓનું સખાવતકાર્ય. હાલમાં ‘હુરુન રિસર્ચ અને એડેલગિવ ફાઉન્ડેશન’ દ્વારા વિશ્વના છેલ્લાં સો વર્ષના સખાવતકર્તાઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં પ્રથમ ક્રમે જમશેદજી તાતાનું નામ આવ્યું છે. બિલ ગેટ્સ, વૉરેન બફેટ અને જ્યોર્જ સોરોસ જેવા જાયન્ટ ડોલરમાં પોતાની અડધાથી વધુ સંપત્તિ દાન કરી ચૂક્યા છે ત્યારે તેમની આગળ કોનું નામ લઈ શકાય? સેવાના આ કાર્યમાં સ્પર્ધા થતી નથી, પરંતુ આ બધા દાનવીરોમાં જમશેદજીનું નામ આવ્યું તો તે દેશ માટે અને વિશેષ કરીને ગુજરાત માટે ગૌરવની વાત છે.
ઉદ્યોગ સ્થાપવાને આજનો સમય સાનુકૂળ છે. ટેક્નોલોજી, મૂડી, વર્કફોર્સ, બજાર અને સાથે સરકારની નીતિને જોઈએ તો નવા ઉદ્યોગોનો અવકાશ ખૂબ બન્યો છે. ઉદ્યોગ પ્રત્યેનું આ ઉદારવાદી વલણ દેશમાં 1992 પછી આવ્યું પણ તે અગાઉ સરકારી રાહે ઉદ્યોગો ચાલ્યા અને આઝાદી પહેલાં તો ઉદ્યોગો માટે શૂન્યાવકાશ વર્તાતો હતો. એક તો વિદેશી સરકાર અને સાથે-સાથે દેશમાં ઉદ્યોગો પ્રત્યેની ઉદાસીનતા. આવા વિપરીત સંજોગોમાં દેશમાં ઉદ્યોગો સ્થાપવાનું સ્વપ્ન જમશેદજીએ જોયું. જોયું અને તેને એટલું સરસ રીતે સાકાર કરી આપ્યું કે આજે પણ તે ગ્રુપ દેશમાં આઠ લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. તાતા ગ્રુપની શાખ જમશેદજીના કાર્યકાળ દરમિયાન બંધાઈ ચૂકી હતી. જવાહરલાલ નેહરુ પણ જમશેદજીની કાર્યપદ્ધતિના પ્રશંસક રહ્યા અને એટલે તેઓએ તાતાને ‘વન મેન પ્લાનિંગ કમિશન’ એવું નામ આપ્યું હતું.
દોઢ સદીની આ સફરના પાયાની શરૂઆત થઈ તેમના પિતા નુસ્સેરવાનજીને કારણે. તાતા પરિવારનું મૂળ કાર્ય પારસી પૂજારીનું. જમશેદજીના પિતા નુસ્સેરવાનજીને પણ તે જ કાર્ય આગળ વધારવાનું હતું. પરંતુ તેમણે વેપારના ક્ષેત્રમાં ડગ માંડ્યાં. તાતા પરિવારમાં વેપારમાં પ્રવેશનારા નુસ્સેરવાનજી પ્રથમ હતા. જમશેદજીનો નવસારીમાં જન્મ થયો. નવસારીમાં જ શરૂઆતી શિક્ષણ થયું પણ પછી નુસ્સેરવાનજીનું કાર્યક્ષેત્ર મુંબઈ બન્યું અને ચૌદમા વર્ષે તો જમશેદજી પણ તેમાં સામેલ થયા. એલ્ફિસ્ટનમાં સાથે સાથે ગ્રેજ્યુએટ થયા.
પિતાએ જમાવેલી શાખ અને જમશેદજીના શિક્ષણ દ્વારા બિઝનેસ આગળ વધારવા માટે રાજમાર્ગ તૈયાર થયો. જમશેદજી પિતાની કંપની વતી ચીન સાથે વેપાર વધારવા ચીન અને હોંગકોંગ ગયા. ભાગીદારો સાથે ત્યાં એક શાખા પણ ઊભી કરી. આ દરમિયાન અમેરિકન સિવિલ વૉર થયું અને મુંબઈમાં કોટનની માંગ વધી. અમેરિકાથી ઇંગ્લેંન્ડની મિલોમાં પહોંચતું કોટન વૉરના કારણે પહોંચી નહોતું શકતું. ઇંગ્લેન્ડના મિલમાલિકોએ જોયું કે ભારત કોટનની માંગ સંતોષી શકે એમ છે અને તે દરમિયાન મિલમાલિકો વધુ ભાવ પણ ચૂકવવા તૈયાર હતા. નુસ્સેરવાનજીની ફર્મને આમ જંગી પ્રોફિટ મળ્યો.
આવી ચડતી પછી ઉદ્યોગ સાહસિક જેમ કરતાં હોય તેમ જ નુસ્સેરવાનજીની ફર્મ દ્વારા થયું. જમશેદજી બિઝનેસનો વ્યાપ વધારવા ઇંગ્લેન્ડ ગયા અને રોકાણ કર્યું. જો કે જમશેદજીનું જહાજ હજુ તો બંદર પર લાંગરે ત્યાં તો અમેરિકન સિવિલ વૉરનો અંત આવ્યો અને ઝડપથી ઉપર આવેલું ભારતીય કોટન માર્કેટ તૂટી પડ્યું. આ સાથે નુસ્સેરવાનજીની ફર્મને પણ ભારે નુકસાન ગયું. મુંબઈમાં પોતાની ઑફિસ વેચીને તાતાએ ઉધાર ચૂકવવું પડ્યું. આ બધી ચડતી-પડતી જમશેદજીએ આંખે જોઈ અને તેનો અનુભવ પણ લીધો. આ અનુભવને હવે કામે લગાડવાનો હતો. બસ, આ રીતે 1868માં જમશેદજીએ પોતાની એક ટ્રેડિંગ ફર્મ સ્થાપી. મૂડીની રકમ હતી 21,000 રૂપિયા. તાતા ગ્રુપ નામ રાખ્યું અને પારસી મૂલ્યો પણ વેપારમાં રહેશે તેમ ઠરાવ્યું. મૂલ્યો હતાં : હુમતા, હુખતા, હુવર્શતા (સારા વિચારો, સારું બોલવું અને સારું કાર્ય). તાતા ગ્રુપ સાથે આમ તેના સ્થાપનાકાળથી સખાવતનું કાર્ય જોડાયેલું રહ્યું છે.
મૂલ્યોના આધારે સિદ્ધાંતો તો ઘડાય છે પણ તેનો અમલ સફળતાની સાથે વિસ્તરતો જાય તેમ જૂજ કિસ્સામાં જ બને છે. જમશેદજી જૂજ કિસ્સામાં સામેલ થયા. સફળતાના વિસ્તાર અર્થે તેઓએ 1869માં મુંબઈમાં નુકસાન કરતી એક મિલને ખરીદી. બે જ વર્ષમાં મિલને સારી સ્થિતિમાં લાવી સારા નફાથી વેચી અને પછી તેઓ કોટન બાબતે વધુ જ્ઞાન મેળવવા લેન્કેશાયર કોટન ઇન્ડસ્ટ્રીમાં અભ્યાસ કરવા અર્થે ગયા. વિશ્વમાં કોટનનો વેપાર કેવી રીતે થાય છે તે શિક્ષણ તેમણે ઇંગ્લેન્ડમાં મેળવ્યું. ઇંગ્લેન્ડ કોટનનું હબ હતું તેથી કોટનના વેપારની રીતભાત તેઓ સમજ્યા. આ અભ્યાસ કરીને તેઓ 1874માં ભારત આવ્યા અને પંદર લાખની મૂડીથી ‘સેન્ટ્રલ ઇન્ડિયા સ્પિનિંગ, વિવિંગ, મેન્યુફેક્ચરિંગ કંપની’ સ્થાપી. ત્યારે તેમની ઉંમર 35 વર્ષ હતી. 1887ના વર્ષમાં તેમણે પોતના ટ્રેડિંગ બિઝનેસને કંપનીમાં તબદીલ કર્યો. અને તેમનો મોટો દીકરો દોરાબજી પણ આ સાહસમાં જોડાયો.
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જમશેદજીએ કરેલાં અનેક નવીનતમ પ્રયોગના ભાગરૂપે જ તેઓની કંપની ભારતીય ઉપખંડની એક અગ્રગણ્ય કંપની બની. તેમણે કરેલા આ પ્રયોગોના કેસસ્ટડી બિઝનેસ સ્કૂલોમાં ભણાવાય છે અને તેની નોંધ અલગથી થાય. એ રીતે જમશેદજીએ સ્ટીલ અને ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં પણ પોતાની દૃષ્ટિ વિસ્તારી. તેના જ પરિણામે જમશેદપુર જેવું આયોજનબદ્ધ શહેર વિકસી શક્યું અને દેશની ખપતનું સારું એવું સ્ટીલ તે વખતે અહીં નિર્માણ થવા માંડ્યું.
પિતા તરફથી મળેલાં મૂલ્યો, પોતાના અનુભવથી વિકસેલી દૃષ્ટિથી જમશેદજીએ તે કાળે મિલોમાં હાઇડ્રોઇલેક્ટ્રિસિટીનું સ્વપ્નું જોયું હતું, જે તેમના મૃત્યુ પછી સાકાર પણ થયું. તેઓ હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ પાયોનિયર બન્યા જ્યારે તેમણે તાજ હોટલનું સ્વપ્ન જોયું. તેઓ માનતા હતા કે દેશમાં લોકોને આકર્ષવા આ પ્રકારની સુવિધા હોવી જોઈએ, જે તેમણે પછી જાતે નિર્માણ કરવાનું ઠરાવ્યું. 1903માં ખુલ્લી મુકાયેલી તાજમાં અમેરિકન પંખા લાગ્યા હતા, જર્મન લિફ્ટ હતી અને અંગ્રેજ બટલર હતા.
પોતાના બિઝનેસની આવી અસંખ્યા શાખાનો આરંભ કર્યો તે સાથે તેમણે દેશમાં જ્ઞાન કેવી રીતે વિસ્તરે તેનો પણ ખ્યાલ રાખ્યો અને તે માટે જ બેંગ્લોરમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ના પાયા નંખાયા. જમશેદજીને અમેરિકા અને યુરોપના અનેક પ્રવાસોથી એમ લાગ્યું કે ભારતમાં વિજ્ઞાનની સંસ્થા હોવી જોઈએ. આ વિચાર મૈસૂરના રાજાની મદદથી ચરિતાર્થ કર્યો. તેમણે આ સંસ્થાના નિર્માણ અર્થે ત્રીસ લાખની રકમ ફાળવી હતી. જમશેદજીના અવસાન બાદ આ ઇન્સ્ટિટ્યૂટ 1909માં સ્થપાઈ, પણ આજે પણ તેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી છે. આ રીતે 1898માં તેમણે તેમની 14 જેટલી ઇમારત મુંબઈમાં વિજ્ઞાનની યુનિવર્સિટી નિર્માણ કરવા અર્થે આપી હતી.
તેમના બિઝનેસ સાથે જોડાયેલા લોકો અને તેની આસપાસના લોકોનું કલ્યાણ તાતાનો મંત્ર રહ્યો છે અને તે જ આધારે આ ગ્રુપનો વિસ્તાર થતો ગયો છે અને એટલે જ તાતા ગ્રુપમાં ‘તાતા ટ્રસ્ટ’ મોટો હિસ્સો ધરાવે છે. જમશેદજી તાતાના દીકરા સર રતન તાતાએ તેને સ્થાપ્યું હતું. દીકરા રતન તાતાએ પિતાનો સેવાનો વારસો આગળ વધાર્યો. ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ’માં તેમણે 1912માં સોશ્યલ સાયન્સ અને એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી હતી. ‘યુનિવર્સિટી ઑફ લંડન’માં પણ ગરીબ વિદ્યાર્થીઓ માટે તાતા ટ્રસ્ટ ભંડોળ આપતું રહ્યું છે.
આ ઉપરાંત ગાંધીજીને દક્ષિણ આફ્રિકાની લડત દરમિયાન પણ સવા લાખ જેટલી મદદ સર રતન તાતાએ પાઠવી હતી. દેશની અનેક નામી સંસ્થાઓને સહાય કરવાનો નિયમ તાતા ટ્રસ્ટે બનાવ્યો છે. આજે પણ ‘તાતા ટ્રસ્ટ’ સ્વાસ્થ્ય, શિક્ષણ, કળા જેવા ક્ષેત્રમાં જંગી સખાવત કરે છે. કોવિડ દરમિયાન તાતા સન્સ અને રતન તાતા દ્વારા 1500 કરોડનું દાન પીએમ કેર્સ ફન્ડમાં આપ્યું હતું. જમશેદજી તાતાનો આત્મા હજુ તેમનાં કાર્યોમાં સચવાયેલો પડ્યો છે અને તેથી તાતા ગ્રુપનું નામ હજુ પણ લોકોના મોઢે સન્માનથી લેવાય છે.