Gujarat

PM મોદી જામસાહેબને મળ્યા, કહ્યું- મારા માટે જામ સાહેબની પાઘડી પ્રસાદ સમાન

ગાંધીનગર: (Gandhinagar) ક્ષત્રિય આંદોલન વચ્ચે આજે જામનગરમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) રાજવી પરિવારના શત્રુશલ્યજી જામસાહેબને મળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન જામસાહેબે પીએમ મોદીને પાઘડી પહેરાવીને તેમનું સન્માન કર્યુ હતું. જામનગરના પાયલોટ બંગલોમાં પીએમ મોદીએ આ મુલાકાત કરી હતી.

  • ક્ષત્રિય આંદોલન વચ્ચે પીએમ મોદી જામસાહેબને મળ્યા
  • જામસાહેબે પીએમ મોદીને પાઘડી પહેરાવીને સન્માન કર્યુ
  • મારા માટે જામ સાહેબની પાઘડી પ્રસાદ સમાન – પીએમ મોદી

જામનગરમાં સભાને સંબોધતાં પહેલાં પીએમ મોદી જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાને મળ્યા હતા. જામસાહેબે પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે મારા માટે જામ સાહેબની પાઘડી પ્રસાદ સમાન છે. પીએમ મોદી જામનગરની સભામાં આ પાઘડી પહેરીને ગયા હતા. પીએમ મોદીએ જામનગરની સભામાં કહયું હતું કે અખંડ ભારતના નિર્માણ માટે સરદાર સાહેબને રજવાડાઓએ પોતાના રાજપાટ આપી દીધા હતા તે બલિદાન બહુ મોટું ગણી શકાય જો કે તેને ભૂલાવવાનો પ્રયાસ કરાયો છે. ઈતિહાસને જે લોકો ભૂલી જાય છે તે લોકો ઈતિહાસ રચી શકતા નથી. અને મોદી ઈતિહાસનું પૂજન કરવામાં માને છે, એટલા માટે જ સરદાર સાહેબની દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડાઓનું એક મ્યુઝિયમ બનાવવામાં આવી રહયુ છે.

આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ 2022માં પૂર્વ ક્રિકેટર જામ સાહેબ શત્રુસૈલ્યસિંહજીને મળ્યા હતા અને જૂની યાદોને તાજી કરીને સારો સમય પસાર કર્યો હતો. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે જામનગરમાં મને જામ સાહેબ શ્રી શત્રુસલ્યસિંહજીને મળવાની તક મળી જેઓ એક વડીલ તરીકે હંમેશા મારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ રહ્યા છે. જણાવી દઈએ કે શત્રુસલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી શત્રુસલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા.

Most Popular

To Top