પેટલાદ : તારાપુરમાંથી પકડાયેલા પાકિસ્તાનના મદદગાર આધેડને એટીએસે પકડી પાડ્યો હતો. આ શખ્સ 1999થી ભારતમાં રહેતો હોવા છતાં તેણે ‘નમક હલાલી’પાકિસ્તાન માટે કરતાં ફિટકારની લાગણી વરસી છે. જામનગરના બે શખ્સે સીમકાર્ડ તારાપુર પહોંચાડ્યું હતું. જે પાકિસ્તાન આપ્યું હતું. બાદમાં તેની મદદથી આર્મીની જાસુસીના ખેલ શરૂ થયાં હતાં. આ અંગે એટીએસની તપાસમાં અનેક માહિતીનો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.
જામનગરમાં રહેતા મોહમદસકલૈન ઉમર થઇમએ પોતાના નામ પર સીમકાર્ડ મેળવ્યું હતું. જે તેણે અસગર આજીભાઈ મોદી (રહે. જામનગર)ને પોતાના મોબાઇલમાં એક્ટીવ કરાવ્યું હતું. બાદમાં તે સીમકાર્ડ તારાપુર ખાતે રહેતા લાભશંકર દૂર્યોધય મહેશ્વરીએ પાકિસ્તાની એમ્બેસી ખાતે સંપર્ક ધરાવતા શખ્સ સુધી પહોંચાડ્યું હતું. લાભશંકરે સને 2022માં પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી હતી અને આ વિઝા જલ્દીથી મળે તે હેતુથી તેણે પાકિસ્તાન ખાતે રહેતા તેઓના માસીના દિકરા કિશોર ઉર્ફે સવાઇ જગદીશકુમાર રામવાણીને વિઝા માટે વાતચીત કરી હતી.
આ સમયે કિશોરે તેને પાકિસ્તાની એમ્બેસીમાં સંપર્ક ધરાવતા એક ઇસમનો નંબર આપી તેના પર વ્હોટ્સએપથી વાત કરાવી હતી. જે બાદ લાભશંકર અને તેની પત્નીના વીઝા મંજુર થતાં તેઓ પાકિસ્તાન જઇ આવ્યાં હતાં. લાભશંકરે પાકિસ્તાની શખ્સના મોબાઇલમાં ભારતીય નંબરના સીમકાર્ડનું વ્હોટ્સએપ ચાલુ કરાવવા માટે તેના મોબાઇલમાં આવેલો ઓટીપી પણ આપ્યો હતો. બાદમાં પોતાની બહેન મારફતે સીમકાર્ડ પાકિસ્તાન પહોંચાડ્યું હતું. તારાપુરથી લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડી શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે 27મી ઓક્ટોબરને સાંજે 6 વાગ્યા સુધી એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
માલવેરથી ભારતીય સેનાના અધિકારીઓના મોબાઇલની ડિટેઇલ મેળવવાનું ષડયંત્ર
લાભશંકરે મોકલાવેલા સીમકાર્ડ પાકિસ્તાની આર્મી અગર તો જાસુસી સંસ્થાના એજન્ટને પહોંચાડવામાં આવ્યું હતું. આ ભારતીય નંબરવાળુ વ્હોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાની જાસુસી સંસ્થાના એજન્ટ દ્વારા પાકિસ્તાનથી જ ઓપરેટ થતું હતું. જે વ્હોટ્સઅપ દ્વારા ભારતીય સેનાના જવાનો તેમજ તે સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓને ટાર્ગે કરવામાં આવતાં હતાં. આ વ્હોટ્સએપ એકાઉન્ટથી પાકિસ્તાની જાસુસી સંસ્થાના એજન્ટ દ્વારા ભારતીય સેનાના જવાનો તેમજ તે સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓને એક apk ફાઇલને અસલ ફાઇલના સ્વાંગમાં મોકલવામાં આવી હતી. જેમાં remote access trojan (RAT)/ માલવેર મોકલવામાં આવતો હતો. જેના થકી મોબાઇલ ફોનની તમામ માહિતી જેવી કે કોન્ટેકટ, કોલ લોગ, ફોટો વિડીયો અને સ્ટોરેજ ફાઇલ્સનો ડેટા એક્સેસ કરી તેને અન્ય દેશમાં રહે કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વ ઉપર મોકલવાની ક્ષમતા રહેલી છે.
પત્નીની સારવાર માટે 1999માં ભારત આવ્યા બાદ સ્થાયી થયો
પાકિસ્તાનના મુળનો લાભશંકર મહેશ્વરી 1999માં પોતાની પત્ની ફર્ટીલીટી ટ્રીટમેન્ટ કરાવવા માટે પાકિસ્તાનથી મેડિકલ વિઝા પર આવ્યો હતો. તે આણંદના તારાપુર ખાતે પત્ની સાથે આવ્યો હતો અને તેને 2005માં ભારતીય નાગરિકતા મેળવી હતી. લાભશંકર પાકિસ્તાન એમ્બેસીના અધિકારીના સંપર્કમાં આવ્યા બાદ તેની બહેન અને ભાણીના પણ પાકિસ્તાની વિઝા મંજુર કરાવ્યાં હતાં.
વારાફરતી પાકિસ્તાન જઈ આવ્યા
મૂળ પાકિસ્તાનનો લાભશંકર મહેશ્વરી છેલ્લા 24 વર્ષથી તારાપુર રહે છે. પરંતુ અચાનક 2022માં લાભશંકરે તેની પત્નિ સાથે પાકિસ્તાન જવા વિઝા અરજી કરી હતી. તેમાંય ઝડપથી પાકિસ્તાન પહોંચવા ત્યાંની એમ્બેસીના શખ્સની મદદથી વિઝા મેળવ્યા હતા. લાભશંકર અને તેની પત્નિ પાકિસ્તાન જઈ આવ્યા પછી તેની બહેન અને ભાણીને પાકિસ્તાન મોકલવા વિઝા અરજી કરી હતી. જેઓને પણ પાકિસ્તાન એમ્બેસીના એ શખ્સ થકી જ વિઝા મળ્યા હતા. આમ છેલ્લા એક વર્ષ દરમ્યાન લાભશંકર, તેની પત્નિ, બહેન અને ભાણી પાકિસ્તાન જઈ આવ્યા છે. પરંતુ 23 વર્ષ બાદ અચાનક પાકિસ્તાન શા માટે યાદ આવ્યું ? એ તપાસનો વિષય બનવા પામ્યો છે.