નવી દિલ્હી: ભારતના (India) સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) હંમેશા આતંકી પ્રવૃત્તિ કે કંઇને કંઇક મુદ્દાઓને લઇને ચર્ચામાં હોય છે. હાલ એક નવો મુદ્દો સામે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-370ને (Article 370) વર્ષ 2019 માં નાબૂદ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પછી આ મુદ્દે ચર્ચા ફરી શરૂ થઈ છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) છે. જો કે કલમ-370 હટાવવાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આને લગતી 20 થી વધુ અરજીઓ (Petition) કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ તમામની સુનાવણી 11 જુલાઈએ થશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચ આ મામલાની સુનાવણી કરશે. આ બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત હશે.
કેમ કલમ-370 ફરીથી ચર્ચામાં છે?
મળતી માહિતી મુજબ આર્ટિકલ-370 સંપૂર્ણપણે કાયદાકીય રીતે હટાવી દેવામાં આવી છે. આ ઠરાવ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ કાયદાકીય પાસાઓ પર ચોક્કસપણે ચર્ચા કરી શકે છે, પરંતુ તેને ફરીથી અમલમાં મૂકવો મુશ્કેલ છે. સંસદનું કામ કાયદા બનાવવાનું છે અને ન્યાયતંત્રનું કામ એ કાયદાનું પાલન કરવાનું અને ન્યાય આપવાનું છે. જો કે આ મામલે કલમ-370 નાબૂદી વિરુદ્ધ કોર્ટમાં 20થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેથી આ મુદ્દો ગરમાયો છે.
કલમ-370 હટાવ્યા જમ્મુ-કાશ્મીરના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ
2019માં જ્યારે અનુચ્છેદ-370 નાબૂદ કરવામાં આવી ત્યારે પાડોશી દેશ પાકિસ્તાને અમુક હદ સુધી પરિસ્થિતિને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘૂસણખોરી દ્વારા હિંસા ભડકાવવાના ઘણા પ્રયાસો થયા હતા, પરંતુ સુરક્ષા દળોએ તમામને નિષ્ફળ બનાવ્યા હતા. કેન્દ્ર સરકારે ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના વિકાસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. હવે દરેક બજેટમાં જમ્મુ-કાશ્મીર માટે વિશેષ જોગવાઈ કરવામાં આવે છે, જેથી અહીંના લોકો મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે. અનુચ્છેદ 370 નાબૂદ કર્યા પછી આ પ્રથમ વખત બન્યું જ્યારે જમ્મુ અને કાશ્મીર સંયુક્ત રાષ્ટ્રની કલંકિત સૂચિમાંથી બહાર હતું.
કલમ-370ને વર્ષ 2019 માં નાબૂદ કરવામાં આવી હતી
જો કે વર્ષ 2019 માં ભારત સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લઈને દેશમાંથી વિવાદિત કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. જેની શરૂઆત કાશ્મીરના રાજા હરિ સિંહથી થઈ હતી. ઑક્ટોબર 1947માં કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે વિલયના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.જેમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ત્રણ વિષયો એટલે કે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશાવ્યવહારના આધારે તેની સત્તા ભારત સરકારને સોંપશે.