National

જમ્મુ-પૂંછ હાઈવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં પડી, 22ના મોત, 40 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરી જિલ્લામાં ગુરુવારે ભક્તોને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં 22 મુસાફરોના મોત થયા હતા જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના કાલીધર વિસ્તારમાં બસ રસ્તા પરથી લપસીને લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બસમાં લગભગ 75 યાત્રીઓ સવાર હતા.

જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે (144A) પર અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી બસ શ્રદ્ધાળુઓની લઈ શિવખોડી જઈ રહી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લગભગ 40 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જેમાંથી 20ને જીએમસી જમ્મુમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘાયલોને અખનૂર ઉપજીલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના ઘટી હતી. જમ્મુની મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ઘણા મુસાફરોની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના પાસિંગ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 75થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે એસડીએમ અખનૂર લેખ રાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

બાબા ભોલેનાથના દર્શન માટે યાત્રિકો શિવખોડી જઈ રહ્યા હતા
પ્રાથમિક માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ નંબર ધરાવતી આ બસ જમ્મુથી શિવખોડી ધામ જઈ રહી હતી. શિવખોડી ધામ રિયાસી જિલ્લાના પૌનીમાં આવેલું છે જે કટરા ખાતે માતા વૈષ્ણો દેવી મંદિરથી માત્ર 80 કિલોમીટર દૂર છે. તે ભગવાન ભોલેનાથને સમર્પિત છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુના અખનૂરમાં થયેલા માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે જમ્મુ નજીક અખનૂરમાં બસ દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ ખૂબ જ દુઃખી થયા છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Most Popular

To Top