જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ (Police) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બારામુલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી નજીક આજે સવારે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો હતો. ત્રણ આતંકવાદીઓએ (Terrorist) સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. પહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ ત્રીજો આતંકવાદી માર્યો ગયો હતો પરંતુ એલઓસી પર પાક ચોકીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે મૃતદેહને રિકવર કરવામાં અવરોધ આવી રહ્યો છે. જોકે સેનાનું ઓપરેશન ચાલુ છે. કોકરનાગમાં ગાડુલના ગાઢ જંગલ અને પહાડો વચ્ચે ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં ઘણી પ્રાકૃતિક ગુફાઓ છે જેમાં આતંકવાદીઓને આશરો મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો આધુનિક ટેક્નોલોજી અને હથિયારો સાથે ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે.
બીજી તરફ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. એન્કાઉન્ટર સ્થળ પર સુરક્ષા દળો કડક નજર રાખી રહ્યા છે. કોકરનાગના ગડુલના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે આતંકવાદીઓને ટૂંક સમયમાં ઠાર કરવામાં આવશે. હાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેના આતંકીઓને શોધવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે જેના કેમેરામાં આતંકીઓની હિલચાલ પણ કેદ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ પહાડો અને જંગલોમાં છુપાયેલા છે.
શુક્રવારે ઘણા UBGL, ઘણા રોકેટ લોન્ચર અને IED લગાવીને આતંકવાદીઓના શંકાસ્પદ ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. સ્થળ પર સંપૂર્ણ કમાન્ડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. સેના અમુક અંતર જાળવીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી રહી છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓના લગભગ ચાર ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. લગભગ છ કુદરતી ગુફાઓ નાશ પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક ખૂબ જ મોટી પ્રાકૃતિક ગુફા છે જેને વારંવાર નિશાન બનાવવામાં આવી રહી છે. સેનાએ કહ્યું છે કે હુમલામાં સક્ષમ હેરોન ડ્રોન અને ક્વોડ કોપ્ટર સહિત છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે નવી પેઢીના હથિયારો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી એન્કાઉન્ટરને ખેંચી શકતા નથી. તેઓ સારી રીતે પ્રશિક્ષિત છે. તેમની પાસે સારા હથિયારો છે. એવી પણ આશંકા છે કે અમુક પ્રકારની સુરક્ષા માહિતીનો ભંગ થયો હશે. પરિસ્થિતિ ગમે તે હોય સુરક્ષા દળો સંપૂર્ણ તત્પરતા સાથે ઓપરેશન ચલાવી રહ્યા છે અને ટૂંક સમયમાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.