National

જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદી હુમલો, પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી મારી

જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરી એક વખત આતંકવાદીઓએ (Terrorist) પોલીસ પર ગોળીબાર કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) મસરૂર અહેમદને શ્રીનગરની ઈદગાહ પાસે આતંકીઓએ ગોળી મારી ધાયલ કર્યા હતા. આ હુમલા બાદ ઘાયલ પોલીસ ઈન્સ્પેક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને અંજામ આપવા માટે આતંકવાદીઓએ પિસ્તોલનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હુમલા બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે શ્રીનગરમાં ઇદગાહ પાસે આતંકવાદીઓએ ઇન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર ગોળી મારીને ઘાયલ કર્યા હતા. ઈજાગ્રસ્ત ઈન્સ્પેક્ટરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીની ઓળખ મોહમ્મદ વાનીના પુત્ર મસરૂર અહેમદ તરીકે થઈ છે. તમને જણાવી દઈએ કે મસરૂર યેચીપોરા ઈદગાહના રહેવાસી છે. પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી માર્યા બાદ ઈદગાહ વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે મસરૂર સ્થાનિક છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યા હતા.

શ્રીનગરનો ઇદગાહ વિસ્તાર સૌથી વ્યસ્ત વિસ્તારોમાંથી એક છે. અન્ય દિવસોની સરખામણીએ રવિવારે અહીં વધુ ભીડ જોવા મળે છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો અહીં ક્રિકેટ રમવા માટે આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ પણ રવિવારે ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. દરમિયાન આતંકવાદીઓ રમતના મેદાનમાં ઘૂસી ગયા અને એક પછી એક ગોળીઓ ચલાવી હતી જેમાં ઇન્સ્પેક્ટર મસરૂર લોહીલુહાણ થઈ ગયા હતા.

હુમલાને અંજામ આપીને આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આતંકવાદીઓની શોધ શરૂ કરી છે.

Most Popular

To Top