જમ્મ કાશ્મીર: (Jammu Kashmir) ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ત્રણ દિવસની જમ્મુ-કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. સોમવારે તેમણે ગાંદરબલના ખીર ભવાની મંદિરમાં માથું નમાવ્યું. ત્યારબાદ શ્રીનગરમાં જનસભાને સંબોધિત કરી. હવે તે સીઆરપીએફ (CRPF) કેમ્પમાં જવાનો સાથે ડિનર કરશે. શ્રીનગરમાં (Shrinagar) તેમણે એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પહેલા શાહે જમ્મુ કાશ્મીરમાં ભાજપા સરકાર (BJP Government) તરફથી શરૂ કરવામાં આવેલી વિકાસ પરિયોજના વિશે વાતચીત કરી હતી. અમિત શાહે ઉમેર્યું હતું કે ઘાટી આગામી દિવસોમાં ભારતને વિશ્વ શક્તિ બનાવવા માટે મદદરૂપ થશે.
ખાસ વાત એ છે કે જાહેર સભા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાની સલામતી માટે સ્થાપિત બુલેટ પ્રૂફ ગ્લાસ શીલ્ડને હટાવી દીધું હતું. તેમણે કહ્યું કે હું તમારી સાથે ખુલીને વાત કરવા માંગુ છું. તેમણે કહ્યું કે મને ખૂબ ટોણા મારવામાં આવી રહ્યા છે. મારા વિશે ઘણું બોલવામાં આવ્યું હતું. ખૂબ જ કડક શબ્દોમાં બોલવામાં આવ્યું હતું. પણ હું આજે તમારી સાથે ખુલ્લેઆમ વાત કરવા માંગુ છું. જેથી હું આજે બુલેટ પ્રૂફ શીલ્ડ વગર તમારી સાથે વાત કરી રહ્યો છું. જે બાદ ત્યાં હાજર લોકોએ ભાજપના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ જાહેર સભાને સંબોધતા પહેલા શ્રીનગરમાં સ્ટેજ પરથી બુલેટ પ્રૂફ ગ્લાસ શીલ્ડ પણ હટાવી હતી.
અમિત શાહે કહ્યું કે હું આજે વિકાસની વાત કરીશ, પરંતુ તે પહેલા હું ખાતરી આપવા માંગુ છું કે દરેક વ્યક્તિએ પોતાના દિલમાંથી ડર દૂર કરવો જોઈએ. કાશ્મીરની શાંતિ અને વિકાસની યાત્રાને હવે કોઈ રોકી શકશે નહીં. ગૃહમંત્રીએ કહ્યું કે આજે હું કાશ્મીરના યુવાનોને પૂછવા આવ્યો છું કે, એ લોકોએ તમારી ભલાઈ માટે શું કર્યું જેઓએ તમારા હાથમાં પત્થર થમાવી દીધા હતા. ઘણા બઘા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે કલમ 370 હટાવ્યા બાદ ઘાટીના લોકો પાસેથી જમીન છીનવી લેવામાં આવશે. આ લોકો વિકાસને બાંધીને રાખવા માંગે છે, પોતાની સત્તાને બચાવી રાખવા માંગે છે. 70 વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે, તેણે ચાલું રાખવા માંગે છે.
તેમણે કહ્યું કે જે લોકો પાકિસ્તાનની વાત કરે છે તેઓ ઇચ્છે છે કે અહીંના યુવાનો બેરોજગાર રહે અને તેઓએ પથ્થરો ઉપાડવા જોઈએ. આનાથી તેમનું રાજકારણ ચાલતું રહેશે. તે લોકો તમારી સાથે માત્ર પાકિસ્તાન વિશે વાત કરે છે. આજે કાશ્મીરમાં દરેક ઘરમાં પાણી અને વીજળી પહોંચી રહી છે.