જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે જેમાં જાનહાનિ પણ થઈ છે. થોડા વખત પહેલાં આપણા વિદેશમંત્રી એસ.જયશંકરે એવું વિધાન કર્યું છે કે ‘‘જો પાકિસ્તાન તેના કબજામાં રહેલા કાશ્મીરને છોડી દે તો કાશ્મીરનો આખેઆખો પ્રશ્ન જ ઉકેલાઈ જાય.’’ વર્તમાન કેન્દ્ર સરકારને લાગે છે કે કલમ 370ને દૂર કરી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખસેડી લેવાયો એ કાશ્મીરના મુદ્દાને ઉકેલવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું હતું. કાશ્મીરમાં ચૂંટણી પણ થઈ તો ત્યાં માળખાકીય સવલતો પર પણ કામ ચાલી રહ્યું છે, વડા પ્રધાન જલ્દી જ કાશ્મીર પહોંચાડનારી ડાયરેક્ટ ટ્રેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, આ પહેલાં પણ સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન થયું છે. ટૂંકમાં કાશ્મીરમાં એક સાથે ઘણું બધું થઈ રહ્યું છે. ત્યાં રાજકીય, સામાજિક અને આર્થિક સંજોગોમાં એક સાથે ફેરફાર આવી રહ્યા છે.
ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી કાશ્મીરને મામલે ભારત, પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે અને એમાં ચીન ત્રીજો દાવેદાર છે. લાઇન ઑફ કન્ટ્રોલ 1971માં નિયત થઈ પણ છતાંય સરહદ પર સંઘર્ષ ચાલ્યા કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 47 મુજબ કાશ્મીરીઓ ભારતનો ભાગ બનવા માગે છે કે પાકિસ્તાનનો તે નક્કી કરવા માટે લોકમત મેળવવાની જવાબદારી ભારતની છે પણ ભારતે એવું કંઇ કરવાની તસ્દી નથી લીધી. 2014માં ભારતમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર આવી અને ત્યારથી કાશ્મીરના સંજોગો પરિવર્તનના વાયરામાં વધુને વધુ સંવેદનશીલ બનતા રહ્યા છે.
ચીને પહેલાં કરતા પોતાનું વણલ સહેજ બદલ્યું છે કારણકે પાકિસ્તાન સાથેની દોસ્તી વૈશ્વિક રાજકારણમાં નડતર બની શકે છે. તોય ચીને 370ની નાબૂદીથી પોતાની પ્રાદેશિક માલિકીનો ભંગ થયો હોવાની વાત ભૂતકાળમાં કરી હતી જેને કારણે 2020માં સરહદ પર ભારત અને ચીન વચ્ચે 1975 પછી પહેલીવાર અથડામણ થઈ હતી. ભલે ભારત અને ચીને સરહદી અથડામણ ન કરવાની જાહેરાત કરી છે પણ મામલો ગમે ત્યારે બિચકે તેમ છે. ભારત કાશ્મીરમાં જે પણ કરે છે તે જોઇને ચીનને તો એમ જ લાગે છે કે ભારત પોતાના પ્રદેશમાં ઘુસી રહ્યો છે. ચીન પોતાના ન્યુક્લિઅર શસ્ત્રોની ક્ષમતા વધારી રહ્યો છે. જો ચીન અને ભારત વચ્ચે સીધો સંઘર્ષ થાય તો પાકિસ્તાનને આખા કાશ્મીર પર કાબુ કરી લેવાનો મોકો મળી જશે કારણકે ભારત કાશ્મીર અને ચીન એમ બે મોરચા સાચવી શકે એવું શક્ય જ નહીં હોય.
જ્યારથી બંધારણના અનુચ્છેદ 370ને નાબૂદ કરાયો તેનાથી કાશ્મીરમાં રાજકીય અને સામાજિક હાલત ડહોળાઈ. પહેલાંનું રાજ્ય હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયું અને વહીવટ કેન્દ્ર પાસે ગયો. દાયકાઓ પછી પહેલીવાર ગયા વર્ષે ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ. જો કે ભાજપાને અહીં સત્તા પર આવવું હતું તે અપેક્ષા ઠાલી નિવડી અને એ પક્ષ જે પહેલેથી જ અનુચ્છેદ 370ની નાબૂદીનો વિરોધી રહ્યો છે તેના હાથમાં સત્તા આવી. ભાજપાને હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીત મળી તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી ભાજપા કરતા વધુ બેઠકો મેળવી. હવે અહીં ચૂંટણી કરીને સરકાર ચૂંટાઈ આવી છે છતાં પણ પ્રદેશ પર કેન્દ્રનું નિયંત્રણ છે અને સ્થાનિક સરકારના હાથમાં મર્યાદિત સત્તા છે.
અહીં પ્રશ્નો ઉકેલાયા નથી પણ પેચીદા બન્યા છે; જેમ કે પ્રવાસીઓ વધ્યા હોવાની વાત ઠોસ છે પણ આર્થિક અસમાનતા, બેરોજગારી જેવા પડકારો યથાવત્ છે. વળી ડોમેસાઈલ કાયદા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 15 વર્ષથી રહેનારી વ્યક્તિઓને ડોમેસાઈલ સ્ટેટસની અરજી કરવાની છૂટ મળે છે અને તે જમીન માલિક બની શકે તથા સરકારી નોકરી પણ મેળવી શકે – ઉપર છેલ્લી રીતે યોગ્ય લાગતી આ નીતિનું સીધું પરિણામ આર્થિક વિસ્થાપન હોય તેવી પુરી શક્યતા છે. જે લોકો ત્યાંના છે તેમની પાસે કામ નથી, અને જે લોકો માત્ર દોઢ દાયકાથી ત્યાં છે તેમને અધિકારો મળી રહ્યા છે.
ભારત સરકાર બહુ જ વ્યૂહાત્મક રીતે કાશ્મીરમાં એક પછી એક વિકાસના કાર્યો શરૂ કરી રહી છે. વિવાદો યથાવત્ હોવા છતાં આ યોજનાઓની જાહેરાત, ઉદ્ઘાટનો ભારત સરકારના વલણનો ચિતાર આપે છે. આ સારું છે કે ખોટું તેની ચર્ચા નથી પણ જોવાનું એ છે કે ભારત સરકાર ધીમી ગતિએ જમ્મુ કાશ્મીરમાં પકડ મજબૂત કરે છે અને તેમાં સામ-દામ-દંડ-ભેદની નીતિનો સુપેરે ઉપયોગ થઇ રહ્યો છે.
આ બધામાં પાકિસ્તાનની અકળામણ વધી ગઈ છે. તેના આંતરિક સંઘર્ષોનો અંત નથી અને ભારત ધીમા અને મક્કમ પગલે કાશ્મીરમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. અત્યારે પાકિસ્તાનની કાશ્મીર અંગેની પ્રતિક્રિયામાં ઉશ્કેરાટ છે કારણ કે ઘર આંગણે તે અફરાતફરી છે તેનો નિવેડો પાકિસ્તાનને ચપટીભરમાં નથી મળવાનો. વડાપ્રધાન શેહબાઝ શરીફે કાશ્મીર સહિત ભારત સાથેના તમામ મુદ્દે વાટાઘાટ કરવાની તૈયારી બતાડી છે. કાશ્મીર એકતા દિવસ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં તેમણે ભારતને 2019ની ઘટનાઓથી આગળ વધીને અર્થપૂર્ણ સંવાદ સાધવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. આ તરફ આપણા વિદેશમંત્રીએ તો બિંદાસ્ત કહી દીધું છે કે પાકિસ્તાન જો પોતાના હિસ્સાનું કાશ્મીર જતું કરે તો કોઈ પ્રશ્નો રહેવાના જ નથી. પાકિસ્તાન બધી તરફથી કફોડી સ્થિતિમાં છે છતાં પણ ત્યાં સત્તાપક્ષનો દાવો છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અનુસાર કાશ્મીરીઓના સ્વનિર્ણયના અધિકારને ટેકો આપે છે. આ રાજદ્વારી પ્રયત્નો એક તરફ પણ વાસ્તિવક્તા એ છે કે પાકિસ્તાનમાં રાજકીય અશાંતિ અને આર્થિક અસ્થિરતા તેની પરાકાષ્ઠાએ છે અને માટે જ કાશ્મીરને મામલે બીજું કંઇ પણ કરવું અત્યારે પાકિસ્તાન માટે શક્ય નથી. પાકિસ્તાનમાં સુરક્ષાના પ્રશ્નો છે તેમાં બહારના મુદ્દે નવો મોરચો ખોલવાની મુર્ખામી કરવી પાકિસ્તાનને પોસાય એમ નથી અને એટલે જ ભારત કાશ્મીરમાં જે પણ કરી રહ્યો છે તે મામલે પાકિસ્તાનની પ્રતિક્રિયા પ્રમાણમાં મંદ છે.
આ ભૌગોલિક રાજકીય ફેરફારોને પગલે કાશ્મીરમાં ક્યાંક પણ અસંમતિનો અવાજ ઊઠે છે તો ભારત સરકાર તેને નાથવા આકરા પગલાં લઈ રહી છે. પ્રતિબંધિત સંસ્થાનો સાથે સંકળાયેલા લોકોએ લખેલા પુસ્તકો જ્યાં વેચાય છે તેવી દુકાનો પર દરોડા પડ્યા છે. ભાજપા સરકારને નેરેટિવ – કથાનક બદલવાની આદત છે. બદલી ન શકાય તો તેને નષ્ટ કરી દેવામાં પણ તેની હથોટી છે. ભાજપા સરકારને મતે જે લોકો રાષ્ટ્રીય હિતોના વિરોધી છે તેમનો અવાજ અટકી જાય તે જરૂરી છે તો જ તેઓ ધાર્યું કરી શકશે. ટીકાકારોને મતે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે અને જે કટ્ટરવાદી નથી તેવા અવાજોને નાથવાનો પ્રયાસ છે જે કાશ્મીરમાં તણાવ વધારી શકે છે. કાશ્મીરમાં મુસલમાનો બહુમતીમાં છે તો જમ્મુમાં હિંદુઓ બહુમતીમાં છે. કાશ્મીરી પંડિતોની વેદનાને ભાજપા લાંબા સમયથી રાજકીય મુદ્દાઓમાં ઈંધણ તરીકે વાપરી જ રહી છે જો કે તે માટે કાશ્મીરી પંડિતોએ જ તેમની ટીકા કરી છે.
અત્યારે કાશ્મીરમાં જે સતત પરિવર્તનશીલ પરિસ્થિતિ છે તેમાં ભારત બહુ વ્યૂહાત્મક પહેલ લઈ રહ્યો છે અને પાકિસ્તાન પણ પોતાનાથી બનતું કરવાનો પ્રયાસ તો કરે છે પણ ત્યાં તો તેમના પોતાના જ પ્રશ્નો બહુ મોટા છે એટલે અત્યારે કાશ્મીર તેમની પ્રાથમિકતા ન હોય તે સ્વાભાવિક છે. ભારતના માળખાકીય વિકાસ અને રાજકીય દાવપેચનો હેતુ સ્પષ્ટ છે – તેઓ કાશ્મીરીઓનો વિશ્વાસ જીતવા તો માગે છે પણ સાથે સાથે અહીં શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નશીલ છે. જો કે બીજી તરફ મુક્ત વિચારોને નાથવાના કેન્દ્ર સરકારના સીધા કે આડકતરા પ્રયાસો તેમના દેખીતી રીતે સારા કામોનું મૂલ્ય ઘટાડશે. પાકિસ્તાનની તો હાલત એવી છે કે તે ધારે તો ય વાટાઘાટો કરવાની તેમની માગ વગેરે શાલીન અને રાજદ્વારી રાહે હશે તો ય તેની ધારી અસર થવાની નથી.
યુએનએ 1948માં સૂચવેલા લોકમતને ભારત ગણકારતો નથી. 1947માં પાકિસ્તાનના આક્રમણના ડરના ઓથારમાં કાશ્મીર ભારતમાં ભળ્યું અને ભારતને ડર છે કે મુસ્લિમ બહુમતીને લીધે લોકમત પાકિસ્તાનમાં જોડાવા તરફ હશે જેની અસર હિંદુ બહુમતી જમ્મુ પર પડશે. 1950ની ડિક્સન યોજનાની પુનઃવિચારણા કરી શકાય જેમાં જમ્મુ અને કાશ્મીરને અલગ સંસ્થાનો તરીક માન્યતા ન આપી માત્ર કાશ્મીર વેલી – ખીણ પ્રદેશ માટે જ લોકમતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જુદું કરી દઈને બળજબરીથી થતું એકકીકરણ અટકાવી શકાય. આમ થાય તો ચીનની દખલને પણ મર્યાદિત કરી શકાય. જો કે રાજકીય પડકારો બહુ સંકુલ છે અને આ પ્રશ્નનો કોઈ તાત્કાલિક ઉકેલ દેખાતો નથી.