અમદાવાદ : અમદાવાદ શહેરમાં દર વર્ષે નીકળતી પરંપરાગત ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે નીકળતી જળયાત્રા સોમનાથ ભૂદરના સાબરમતીના તટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મર્યાદિત શ્રદ્ધાળુઓ વચ્ચે તમામ ધાર્મિક શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે શરૂ થઈને નીજ મંદિરે પરત ફરી હતી. આજથી પંદર દિવસ સુધી ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘરે રહેશે.
રાજ્યમાં કોરોનાની મહામારીના પગલે આગામી તારીખ 12મી જુલાઈ અને અષાઢી બીજના રોજ 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ ? તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ આજે રથયાત્રા પૂર્વે નીકળતી જળયાત્રા મર્યાદિત શ્રદ્ધાળુઓની હાજરીમાં કોરોનાની ગાઇડ લાઇનના ચૂસ્ત પાલન સાથે સંપન્ન થઇ હતી.
જળયાત્રાના પ્રારંભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સાબરમતીના તટ પર પૂજા વિધિ કરી આરતી ઉતારી પાંચ કળશ અને પાંચ ધજા-પતાકા સાથે ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. સાદગીપૂર્ણ રીતે યોજાયેલી આ જળયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી, ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુરમાં મામાના ઘરે જશે અહીં તેઓ પંદર દિવસ સુધી રોકાશે.