નવ કેટેગરીમાં 93 મા ઓસ્કર (93rd oscar awards) શોર્ટલિસ્ટની જાહેરાત આજે 10 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. કરિશ્મા દેવ દુબેના નિર્દેશનમાં બિટ્ટુ (Bittu) લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. બીજી બાજુ ભારતની ઑફિશિયલ ઓસ્કર એન્ટ્રી જલ્લીકટ્ટુ (Jallikattu ) આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મમાંથી બહાર ફેંકાઇ ગઇ છે.
એકેડેમીએ નીચેના કેટેગરીઝ માટે નવ શોર્ટલિસ્ટની ઘોષણા કરી: ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ, ડૉક્યુમેન્ટ્રી, ઓરિજિનલ સ્કોર, ઓરિજિનલ ગીત, મેકઅપ અને હેરસ્ટાઇલ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, લાઇવ-એક્શન શોર્ટ ફિલ્મ, ડૉક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ સબ્જેક્ટ અને એનિમેટેડ શોર્ટ ફિલ્મ. એકેડેમીના સભ્યો દરેક કેટેગરીના દાવેદારોની આ પસંદ કરેલી સૂચિમાંથી 2021 ઓસ્કર માટેના ઉમેદવારોની પસંદગી કરશે. મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ, જે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં આવતા 93 મા એકેડેમી એવોર્ડ્સ 2020 માં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. જો કે તે પંદર ફિલ્મોની સૂચિમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ હતી, જે તેને નોમિનેશનના પછીના તબક્કામાં સ્થાન આપવા માટે સ્પર્ધા કરશે. આ વર્ષે પહેલીવાર ઓસ્કરમાં 93 દેશોમાંથી ફિલ્મો આવી હતી.
ભારતની જલીકટ્ટુ ભલે ઓસ્કરમાંથી આ તબક્કે બહાર ફેંકાઇ ગઇ હોય પણ ભારતમાં બનેલી અન્ય એક ફિલ્મ હજી ઓસ્કરમાં કાયમ છે. કરિશ્મા દેવ દુબે દ્વારા દિગ્દર્શિત, બિટ્ટુ એ ટોચની 10 શોર્ટ ફિલ્મોની કેટેગરીમાં શામેલ છે. જેણે તેને ઓસ્કર 2021 ના બીજા રાઉન્ડ સુધી પહોંચાડી દીધી છે. એક સત્ય ઘટના પર આધારિત બીટ્ટુ શાળામાં જતા બે મિત્રો વચ્ચેની ગાઢ મિત્રતાની કથા છે. આ ફિલ્મે અત્યાર સુધી વિશ્વભરના 18 થી વધુ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.
જણાવી દઇએ કે આ ફિલ્મના નિર્માતાઓ છે- એકતા કપૂર (Ekta Kapoor), તાહિરા કશ્યપ (Tahira Kashyap)- આયુષ્માન ખુરાનાની પત્ની અને ગુનીત મોંગા (Gunnet Monga). આ ત્રણેયે શરૂ કરેલા Indian Women Rising ના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ઓસ્કર 2021 માટેના નામાંકનની જાહેરાત 15 માર્ચે કરવામાં આવશે. આ સિવાય 25 મી એપ્રિલના રોજ 93 મા એકેડેમી એવોર્ડનો કાર્યક્રમ ટેલિકાસ્ટ થશે. એકેડેમીએ કોવિડ -19 રોગચાળોને પગલે આ વર્ષે આ સમારોહ પાછો ખેંચ્યો હતો.
જણાવી દઇએ કે વર્ષ 2019માં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલીબોય’ (Gully Boy) 2020 માટે 92મા ઓસ્કર અવોર્ડની સત્તાવાર એન્ટ્રી હતી. આ પહેલાં રીમા દાસની ‘વિલેજ રોકસ્ટાર્સ’, અમિત મસુરકરની ‘ન્યૂટન,’ વેટ્રી મારનની ‘વિસારાનઈ’ તથા ‘ચૈતન્ય તામ્હણે’ની ‘કોર્ટ’ (court) પણ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં મોકલવામાં આવી છે. જો કે, આ ફિલ્મોએ એવોર્ડ જીત્યા ન હોતા.