સતત ચોથા વર્ષે હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન દરમ્યાન રાજયમાં કોરોના મહામારી વચ્ચે ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે ૦૧ એપ્રિલથી ૧૦ જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન સંપન્ન થયુ હતું. અગાઉના ત્રણ વર્ષના એટલે કે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષની કામગીરી વધારે છે.
આ અભિયાન અંતર્ગત ૨૦૧૮માં ૧૮,૫૧૫ કામો પૈકી ૭,૫૫૨ તળાવ ઊંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૩,૫૦૦ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીના વર્ષ ૨૦૧૯માં ૧૧,૯૦૧ કામો પૈકી ૪,૭૨૭ તળાવ ઊંડા કરી પાણીની સંગ્રહશક્તિમાં ૧૦,૦૫૩ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. કોરોનાકાળના પ્રથમ વર્ષ ૨૦૨૦માં લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ૧૧,૦૭૨ કામો પૈકી ૪,૩૦૯ તળાવ ઊંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૮,૫૧૧ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે કોરોના કાળમાં સુજલામ સુફલામ જળ અભિયાન દરમ્યાન ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.
છેલ્લા ચાર વર્ષમાં ૬૧,૭૮૧ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ વર્ષે કોરોનાના વિપરિત સંજોગોમાં પણ ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઊંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ પ્રજાજનો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.
ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યોમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૨૬.૪૬ લાખ માનવદિન રોજગારી નિર્માણ થયું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. તદઅનુસાર, રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં ૧૦ જુન સુધીમાં ૧૫,૨૧૦ કામો પૂર્ણ થયા છે.
આ અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં ૪,૮૧૪ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૪,૧૧૪ ચેકડેમોનું ડી-સીલ્ટિંગ, ૬,૯૧૭ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી.આ કામગીરીમાં એક જ દિવસમાં સૌથી વધુ મહત્તમ ૩,૦૦૭ એક્સ્કેવેટર-જે.સી.બી. મશીન અને ૧૪,૫૫૫ ટ્રેક્ટર/ ડમ્પરને મળીને કુલ ૧૭,૫૬૨ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે આદિજાતિ જિલ્લા દાહોદમાં સૌથી વધું ૩,૩૮૫ કામ થયા અને ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૨૭૭૦ લાખ ઘન ફુટનો વધારો થયો છે તે પણ આ અભિયાનની મહત્વની બાબત છે.
વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલા આ જળ અભિયાનમાં છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યભરમાં ૨૧,૪૦૨ તળાવો ઊંડા કરાયા છે. એ જ રીતે ૧૨,૨૨૧ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું અને ૩,૪૩૫ ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યાં છે, આના પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૬૧,૭૧૮ લાખ ઘનફૂટનો વધારો થયો છે. જળ સંગ્રહ અભિયાનના ચાર વર્ષ દરમ્યાન એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા છે. તમામ જિલ્લાઓમાં ૫૬,૬૯૮ કામો પૂર્ણ કરી દેવાયા છે. ૫૦,૩૫૩ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યભરમાં ૧૫૬.૯૩ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે. આ તમામ કામગીરી માટે એક જ દિવસમાં મહત્તમ ૪,૬૯૯ જેટલા એક્ષકેવેટર, ૧૫,૨૮૦ ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી.