ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ આજે શુક્રવારથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે સારો સાબિત થયો હતો. ભારતીય બેટ્સમેનોએ સારી શરૂઆત અપાવી છે. યશસ્વી જયસ્વાલની સદી અને સાઈ સુદર્શનની અડધી સદી સાથે ભારતનો સ્કોર ટી બ્રેક સમયે એક વિકેટ ગુમાવી 220 પર પહોંચ્યો છે.
આ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે બે ફેરફાર કર્યા છે. બ્રાન્ડન કિંગ અને જોહાન લેન બહાર છે, જ્યારે એન્ડરસન ફિલિપ અને ટેવિમ ઈમલાચનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઇનિંગ્સની શરૂઆત કરી. બંનેએ સાવધાનીપૂર્વક શરૂઆત કરી. જોકે, કેએલ રાહુલ 38 રન બનાવીને આઉટ થયો. પહેલી વિકેટ 58 રન પર પડી. જયસ્વાલ અને સાઈ સુદર્શને પોતાની ભાગીદારી ચાલુ રાખી. યશસ્વીએ 145 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની 7મી ટેસ્ટ સદી હતી.
યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શને લંચ બાદ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. બંને બેટરોએ ઝડપી રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને પણ અડધી સદી ફટકારી હતી. ટી પહેલાં ભારતનો સ્કોર 200ને પાર પહોંચી ગયો હતો.
ભારતીય ટીમ 1987થી દિલ્હીમાં એક પણ મેચ હાર્યું નથી
ભારતીય ટીમ 1987 થી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (જે પહેલા ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું) ખાતે એક પણ મેચ હાર્યું નથી. ભારત દિલ્હીમાં છેલ્લી વખત 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ વિકેટથી ટેસ્ટ મેચ હારી ગયું હતું. ત્યારથી ભારતે આ મેદાન પર 11 ટેસ્ટ જીતી છે અને બે ડ્રો કરી છે. ભારતે 1948માં સ્વતંત્રતા પછી દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.