એક વાર ઉંદર અને દેડકા વચ્ચે મિત્રતા થઈ. આ મિત્રતા ધીમે ધીમે એકદમ ગાઢ થઈ ગઈ. જીવનભર બંને જણે એકબીજા સાથે મિત્રતા નિભાવવાનું વચન એકબીજાને આપ્યું. બંને જણા અલગ અલગ હતા, ઉંદર જમીન પર જ રહી શકે જ્યારે દેડકો જમીન અને પાણીમાં બંને સ્થળે રહી શકે. બંને જણે હંમેશા એકબીજાની સાથે રહેવા માટે એક યુક્તિ વિચારી. હંમેશા મિત્ર સાથે રહેવાના મોહમાં બંને જણે એકબીજાને એક દોરીથી બાંધી દીધા જેથી જ્યાં જાય ત્યાં તેઓ દોરીથી બંધાયેલા બે જણા સાથે જ રહે. એકબીજાની સાથે દોરીથી બંધાયા બાદ બંને મિત્રોએ ફરી એકબીજાને વચન આપ્યું કે હવે આપણે જ્યાં જઈશું ત્યાં સાથે જઈશું. સાથે રહીશું અને બધા સુખ દુઃખ સાથે ભોગવીશું. બંને જણા જમીન પર આમતેમ ફરતાં નાના નાના શિકાર કરીને ખાતાં અને મજા કરતાં. જ્યાં સુધી બંને જણા જમીન પર હતા ત્યાં સુધી બધું જ બરાબર હતું. બંને આનંદમાં હતા.
એક દિવસ ફરતાં ફરતાં બંને તળાવને કાંઠે આવ્યા. તળાવ જોઈને દેડકાને તરવા જવાનું મન થયું અને એક મસ્તી સુધી દેડકાને ખબર હતી કે ઉંદર પાણીમાં તરી નહિ શકે, શ્વાસ પણ નહીં લઈ શકે છતાં તેણે મિત્રનો વિચાર કર્યા વિના તળાવમાં છલાંગ મારી દીધી. બસ પછી તો દેડકા સાથે દોરીથી બંધાયેલા હોવાને કારણે ઉંદર પણ પાણીમાં ઘસડાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તે બહાર નીકળવાની કોશિશ કરવા લાગ્યો અને તેને ગૂંગળામણ થવા લાગી. લુચ્ચા દેડકાએ, ઉંદરની તકલીફ જોઈ પરંતુ તેને નજરઅંદાજ કરી મિત્રની તકલીફ હોવા છતાં પણ તે ટર્રટર્ર કરતો જોર જોરથી પાણીમાં ભૂસકા મારીને તરવા લાગ્યો. બસ હવે તો ઉંદર મરણતોલ થઈ ગયો. બહુ મુશ્કેલીથી મહા મહેનતે ઉંદર દેડકાને તળાવના કિનારે ખેંચી લાવ્યો.
માંડ માંડ હવામાં શ્વાસ લેવા લાગ્યો. હવે બનવાકાળ એવું થયું કે, ‘ઉંદર મરણતોલ હાલતમાં કિનારે પડ્યો હતો અને ત્યાં સમડી ઊડતી ઊડતી આવી અને ઉંદરને પંજામાં પકડીને ઊડવા લાગી. દોરીથી બંધાયેલા હોવાને કારણે દેડકો પણ સમડીના પંજામાં આવી ગયો. તેણે છૂટવાનો પ્રયત્ન કર્યો પરંતુ દોરી સાથે બંધાયેલા હોવાને કારણે તે છૂટી શક્યો નહીં. ઉંદર અને દેડકો બંનેને સમડી ખાઈ ગઈ. હવે ઉંદર સાથે દેડકો પણ કારણ વિના મરી ગયો. એટલે જ કહે છે કે જે લોકો બીજાનું બૂરું કરે છે તેમનું ખરાબ જ થાય છે.જૈસી કરની વૈસી ભરની.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
