Madhya Gujarat

મંત્રીના રૂટ પર સફાઇ બાદ જૈસે થેની સ્થિતિ

નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇને લઇ પાલિકાની ઘોર બેદરકારી અવાર નવાર બહાર આવતી રહે છે. ખાસ કરીને વરસો જુની ગટર લાઇન ચોકઅપ થતાં વારંવાર ગંદા પાણી માર્ગો પર ફરી વળતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેમાંય શિતલ ગ્રાઉન્ડ પાસે આ સમસ્યા કાયમી બની ગઇ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, મંત્રીના આગમન ટાણે રૂટમાં આ માર્ગ આવતા સફાઇ કરાઇ હતી. પરંતુ બાદમાં મામલો જૈસે થે જ બની ગયો હતો. નડિયાદ નગરપાલિકા તંત્ર ઈચ્છે તો ઉભરાતી ગટરના પાણી રોડ પર આવે પણ નહીં અને આવે તો સાફ થઈ શકે તેમ છે.

પ્રથમ તસ્વીર 13મી ઓક્ટોબરના રોજની છે, આ દિવસે નડિયાદ નગરમાં એક કાર્યક્રમમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. તે દિવસે નડિયાદ નગરપાલિકા દ્વારા મંત્રી જે રૂટ પરથી પસાર થવાના હતા, તેને ચકચકાટ કરી દેવાયો હતો. આ શ્રેણીમાં શહેરના ચકલાસી ભાગોળથી મહા ગુજરાત તરફ જતા માર્ગ પર શીતલ ગ્રાઉન્ડના કિનારા પર ગટરના પાણીનો નિકાલ કરી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેથી રોડ અને તે જગ્યા બંને એકદમ સ્વચ્છ દેખાતી હતી. પરંતુ 18મી ઓક્ટોબરના રોજ ફરીથી આ માર્ગ પર ગટરના પાણી ઉભરાયાં હતાં. નડિયાદ નગરપાલિકા ઈચ્છે તો શહેરને સ્વચ્છ કરી શકે તેમ હોય તે તસ્વીર 1માં દેખાય છે. પરંતુ શહેરીજનોની સુખાકારીમાં નગરપાલિકાને રસ ન હોય તેમ તસ્વીર 2માં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. આવી ઘોર બેદરકારીથી પાલિકા સામે પ્રજામાં ભારે રોષની લાગણી જન્મી છે.

Most Popular

To Top