National

2000ની નોટ બંધ થયાના બીજા જ દિવસે જયપુરના સચિવાલયમાંથી 2000ની 7000 નોટ પકડાઈ

જયપુર : રાજસ્થાનના (Rajasthan) જયપુરની (Jaipur)એક સરકારી કચેરીમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સરકારી કચેરીના કબાટમાંથી એક બેગ મળી આવ્યું છે. જેમાં 2000ની કરોડો રૂપિયાની નોટ તેમજ સોનાની બિસ્કીટ મળી આવી છે. આ સોનાની બિસ્કિટ પર ‘મેડ ઈન સ્વિઝર્લેન્ડ’ લખેલુ હતું.

જયપુરના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (DOIT)ની ઓફિસમાં દસ્તાવેજોને ડિજીટલાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી હતી. તે સમયે ઓફીસના એક કબાટની ચાવી મળી રહી નહોતી. કબાટની ચાવી ન મળતા અધિકારીઓએ ટેકનિશિયનને બોલાવી તાળું તોડાવ્યું હતું. તાળું તોડ્યા પછી કબાટની અંદર ફાઈલની સાથે એક શંકાસ્પદ બેગ મળી આવ્યું હતું. આ બેગ મળતા એક અધિકારીએ પોલીસને ફોન કર્યો હતો.

આ બેગમાંથી પોલીસને 2000 ની 7,298 ચલણી નોટ એટલે કે 1 કરોડ 45 લાખ રૂપિયા અને 500ની 17,107 નોટ એટલે કે 85,53,500 રૂપિયા મળી આવ્યા હતા. આ બેગમાં ટોટલ 2.31 કરોડ રૂપિયા હતા. આ રૂપિયાની સાથે એક સોનાની બિસ્કીટ પણ મળી આવી હતી.

સરકારી કચેરીમાંથી મળી આવેલી શંકાસ્પદ બેગની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કાળું નાણું વિભાગના અધિકારીઓનું છે. પોલીસે 6 અધિકારીઓની ધરપકડ કરી છે.

એવી આશંકા છે કે થોડા સમય પહેલાં આ સરકારી કચેરી દ્વારા એક ટેન્ડર મંજૂર કરાયું હતું. આ ટેન્ડરનો કોન્ટ્રાક્ટ મંજૂર કરવા બદલ લાંચ લેવામાં આવી હોય અને તે જ રૂપિયા આ બેગમાં હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે. જોકે, હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. બેગ જે કચેરીમાંથી મળી આવ્યું છે તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યાં છે.

સરકારી કચેરીમાં કરોડો રૂપિયા અને સોનાની બિસ્કિટ મળવાની આ ઘટનાને પગલે રાજસ્થાનમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ કેસ પર નજર રાખી રહ્યાં છે. દરમિયાન ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ મામલે એક ટ્વીટ કરીને રાજનીતિને વેગ આપ્યો છે.

શેખાવતે પોતાના ટ્વીટમાં લખ્યું કે, બ્લેક મનીથી ગેહલોત સરકારનું પેટ ભરાઈ ગયું છે. આજે સચિવાલયમાં કરોડો રૂપિયા અને સોનું મળ્યું છે. રાજ્યમાં વિકાસનો ગ્રાફ નીચે જાય છે અને ભ્રષ્ટ્રાચાર ઊંચાઈએ પહોંચી રહ્યો હોવાના આ દેખીતો પુરાવો છે.

વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે ટ્વીટ કર્યું કે, ‘ભ્રષ્ટાચારની ગંગોત્રી આખરે સચિવાલય સુધી પહોંચી ગઈ છે. આ કરોડો રોકડા રૂપિયા અને સોનુ મળવુંં એ વાતના પુરાવા છે કે ગેહલોત સરકાર ભ્રટ્રાચારને છાવરી રહી છે.

Most Popular

To Top