જયપુરમાં એલપીજી ટેન્કર બ્લાસ્ટમાં 34 મુસાફરોથી ભરેલી સ્લીપર બસ પણ બળી ગઈ હતી. બસમાં સવાર 34 મુસાફરોમાંથી 20 દાઝી ગયા છે જેમાંથી 11 લોકોના મોત થયા છે. આ દરમિયાન 14 મુસાફરો અને ડ્રાઈવર-કંડક્ટર ગુમ છે. ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ ફાટી નીકળેલી જ્વાળાઓ એટલી વધારે હતી કે અનેક પક્ષીઓ પણ દાઝી ગયા હતા. બસ અને ટ્રકની સાથે હાઇવે પરના અનેક વાહનોમાં પણ આગ લાગી હતી.
એલપીજી ટેંકરમાં લાગેલી ભયાનક આગને કારણે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. આગની ગરમીના કારણે બાઇક સવારનું હેલ્મેટ ચહેરા પર ચોંટી ગયું હતું અને તેની આંખો પણ બળી ગઈ હતી. ઈજાગ્રસ્તોમાં માત્ર ધડ જ હતું એવું શરીર હોસ્પિટલ પહોંચ્યું હતું. માથું અને પગ ગાયબ હતા. શુક્રવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે LPG (BPCL) ટેન્કર અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં 11 લોકો જીવતા દાઝી જતા મોતને ભેટ્યા હતા. અકસ્માતમાં 35 લોકો દાઝી ગયા હતા. અકસ્માત બાદ લગભગ 6 કલાક સુધી લોકો ગૂંગળામણ અને આંખોમાં બળતરા અનુભવી રહ્યા હતા.
એલપીજી ટેન્કર અજમેરથી જયપુર જઈ રહ્યું હતું. ટેન્કર ડીપીએસ સ્કૂલ પાસે યુ-ટર્ન લઈ રહ્યું હતું, ત્યારે જયપુર તરફથી આવી રહેલી એક ટ્રક ટેન્કરની નોઝલ સાથે અથડાઈ હતી. નોઝલમાંથી લગભગ 18 ટન ગેસ ફેલાયો હતો અને 200 મીટરની ત્રિજ્યા જાણે ગેસ ચેમ્બર બની ગયું હતુ. થોડી જ સેકન્ડોમાં ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેના કારણે નજીકના વાહનોમાં આગ લાગી ગઈ હતી.
લેકસિટી ટ્રાવેલની બસ ગુરુવારે રાત્રે 9 વાગ્યે ઉદયપુરથી નીકળી હતી. તે સમયે બસમાં 35 મુસાફરો હતા. એક મુસાફર અજમેર ખાતે ઉતરી ગયો હતો. બસ સવારે લગભગ 6.30 વાગ્યે જયપુર પહોંચવાની હતી પરંતુ સવારે 5.45 વાગ્યે અકસ્માત થયો. બસના મુસાફરે જણાવ્યું કે અચાનક બસમાં આગ લાગી ગઈ હતી.
બસનો મુખ્ય દરવાજો પણ લોક થઈ ગયો હતો. જેના કારણે લોકોને બહાર નીકળવામાં વિલંબ થયો અને અનેક લોકોના મોત થયા. આ અકસ્માતમાં બસના ડ્રાઈવરને સૌથી પહેલા ઈજા થઈ હતી. ઘટનાસ્થળે 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં રોડ પર ઉભેલા તમામ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આ પછી લગભગ એક કલાક સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
લોકો કપડાં ઉતારીને ભાગ્યા
હવામાં ઝડપથી ફેલાતા ગેસે અકસ્માતને ભયાનક બનાવી દીધો હતો. નજીકમાં રહેતા લોકોએ જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ સાંભળીને તેઓ બહાર આવ્યા તો લોકો અહીં-તહીં દોડી રહ્યા હતા. ઘણા લોકો તેમના સળગતા કપડા ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા પરિવારના સભ્ય મોહન લાલે કહ્યું કે મદદ કરવાનો પ્રયાસ કરતી વખતે ઘણા લોકો ગેસને કારણે બેભાન થઈ ગયા. આગ એટલી વિકરાળ હતી કે અમે દૂર જતા રહ્યા. ઘટનાસ્થળે શું થયું, અમને કંઈ જ ખબર ન હતી. મારો ભત્રીજો હરિલાલ પણ અકસ્માતમાં દાઝી ગયો હતો તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત સ્થળથી લગભગ 400 મીટરની ત્રિજ્યામાં આકાશમાં ઉડતા સેંકડો પક્ષીઓ પણ બળીને ખાખ થઈ ગયા હતા. રોડ પર જ્યાં ત્યાં દાઝેલા પક્ષીઓના શવ વિખેરાયા હતા. રોડ કિનારે પાર્ક કરાયેલા 25થી વધુ વાહનો પણ સળગી ગયા છે.
તપાસ અને રાહત કાર્ય ચાલુ
ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે પીડિતોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઘાયલ મુસાફરોને જયપુરની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ અને મૃતકોની ઓળખ ચાલુ છે. આ અકસ્માત સલામતીના ધોરણોની ઉપેક્ષા અને બેદરકારીનું દર્દનાક ચિત્ર રજૂ કરે છે. વહીવટીતંત્રથી લઈને સામાન્ય નાગરિક સુધી દરેક માટે આ ચેતવણી છે કે સલામતીના પગલાંને પ્રાથમિકતા આપવી જોઈએ.