સુરત: સુરત શહેરમાં સિટી બસ દ્વારા રાહદારી, વાહનચાલકોને અડફેટે લેવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, આવી જ એક દુર્ઘટના સુરત શહેરમાં બની છે. આ વખતે સિટી બસના ચાલકે રસ્તે વિહાર કરતા જૈન સાધ્વીને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં જૈન સાધવીનું મોત નિપજતા શહેરના જૈન સમાજમાં શોકની કાલિમા ફરી વળી છે.
સુરત સિટી બસની અડફેટે એક જૈન સાધ્વી મહારાજ સાહેબ કાળ ધર્મ પામતા જૈન સમાજમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે. ચોક બજારના ગાંધીબાગ પાસેથી સાધ્વી શ્રી રત્નપ્રભા મ.સા. ગોપીપુરા તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે સિટી બસ નંબર (જીજે-05બી-એક્સ-1679)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે સાધ્વી શ્રી રત્નપ્રભા મ.સા. કાળ ધર્મ પામ્યા હતા.
આ અંગે જૈન સમાજના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં જૈન શ્રાવકો લીમડા ઉપાશ્રય ખાતે એકત્ર થયા હતા. બપોરે ત્રણ વાગ્યાના સુમારે ઉછામણી રાખવામાં આવી હતી. તેમજ સાંજે 5 વાગ્યાના સુમારે મ.સાની પાલખી નીકળી હતી. જૈન સમાજના અગ્રણી અજીતભાઇ મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાધ્વી શ્રી રત્નપ્રભા મ.સા.એ 133 વર્ધમાન તપની ઓલી અને અન્ય તપશ્રર્યા કરી હતી. તેઓ સહસ્ત્રફણા પાશ્વનાથ અને સુરજમંદ પાશ્વનાથ દેરાસર ગોપીપુરા ખાતે દર્શન કર્યા પછી જ પાણી પીતા હતા. આ ઘટનાને પગલે જૈન સમાજમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરત અને ભરૂચથી આવતા વાહનો વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર બે વર્ષમાં પહેલીવાર 4 કાર ચાલકો રોંગ સાઇડમાં ઘુસી જવાની ઘટના રવિવારે બની હતી. ભરૂચ તરફથી સુરત બાજુની લેન ઉપર મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા, તેની પાછળ ઇકો, સ્વિફ્ટ સહિત 4 વાહનો આવી ચઢ્યા હતા. બ્રિજની વચ્ચેના ભાગે સામેથી રોંગસાઈડ આવતી કાર જોઈ સુરત તરફથી ભરૂચ બાજુ આવી રહેલા વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સામ સામે ગાડીઓ ટકરાય નહી એટલે વાહન ચાલકોએ એકાએક બ્રેક મારતા બંને તરફ પાછળ રહેલી પાંચથી વધુ કાર એકબીજા સાથે અથડાતા બાળક સહિત 5 લોકોને નાની મોટી ઇજા પહોચી હતી.અકસ્માતમાં ઘવાયેલા 4 થી 5 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.