જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાને ભવિષ્યવાણી ભાખી હતી કે તેમના નિર્વાણ પછી ૨૫૦૦ વર્ષ પૂરાં થશે તે પછી જૈન શાસનનો અભ્યુદય થશે. જૈન શાસનમાં છેલ્લાં કેટલાક દાયકાઓથી જે મોટા પ્રમાણમાં દીક્ષાઓ થઇ રહી છે તે જોઇને લાગે છે કે ખરેખર જૈન ધર્મનો અભ્યુદય કાળ શરૂ થઇ ગયો છે. તમને કોઇ કહે કે આ દુનિયામાં એવી વ્યક્તિ શોધી કાઢો, જે જિંદગીભર વીજળીનો ઉપયોગ ન કરતી હોય, વાહનમાં બેસતી ન હોય, સ્નાન ન કરતી હોય, જેનું બેન્કમાં ખાતું ન હોય, જેની પાસે રહેવા માટે ગામમાં ઘર ન હોય, સીમમાં ખેતર ન હોય, જે બિલકુલ પૈસા ન કમાતી હોય, લગ્ન ન કરતી હોય, જેને પોતાનો કોઇ પરિવાર ન હોય,જેના પગમાં જૂતાં ન હોય, જેની પાસે પહેરવા માટે બે જોડી જ કપડાં હોય, જેની પાસે રેશન કાર્ડ કે આધાર કાર્ડ ન હોય, જેને પાસપોર્ટની જરૂર ન હોય, જેને દરજી, મોચી, હજામ, સુથાર, લુહાર, ઘાંચી, વણકર, કડિયો, ભરવાડ, કણબી વગેરે ૧૮ કોમની કોઇ જરૂર ન હોય, તેમ છતાં તે સુખી હોય ! જૈન સાધુ અને સાધ્વીજીના રૂપમાં આવી હજારો વ્યક્તિઓ આપણી આજુબાજુ જીવી રહી છે. ૨,૫૦૦ વર્ષ પહેલાંના જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો જેવી જિંદગી જીવતા હતા લગભગ તેવી જ સિમ્પલ જિંદગી તેઓ આજે પણ જીવી રહ્યા છે.
આજના કાળમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની વિકરાળ સમસ્યા પેદા થઇ છે ત્યારે પણ મિનિમમ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને જીવવાની બાબતમાં દુનિયાએ જૈન સાધુ-સાધ્વીજી પાસેથી પ્રેરણા લેવા જેવી છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો કદી પેટ્રોલ કે ડિઝલ વડે ચાલતાં વાહનમાં બેસતા નથી માટે તેઓ પર્યાવરણને ઝેરી ધુમાડાઓથી પ્રદૂષિત કરતા નથી. સાધુઓ ટીવી, ફ્રિજ, ફેન, ટ્યૂબલાઇટ, એસી, મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, લિફ્ટ, ગિઝર વગરે વીજળીથી ચાલતાં સાધનો નથી વાપરતા માટે ઊર્જાની બચત થાય છે. સાધુઓ પોતાની પાસે બિસલરીની બોટલ, પાણીના પાઉચ, ઝભલાં થેલી, પ્લાસ્ટિકના ગ્લાસ વગેરે રાખતા નથી માટે તેમના થકી પ્લાસ્ટિકનો કોઇ કચરો થતો નથી.
જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો દીક્ષા વખતે જે પાંચ મહાવ્રતો ધારણ કરે છે તેનું સ્વરૂપ પણ સમજવા જેવું છે. તેમનું પહેલું મહાવ્રત સર્વથા જીવહિંસાથી દૂર રહેવાનું છે. આ મહાવ્રતનું પાલન કરવા તેઓ જિંદગીભર જેમાં જીવ હોય તેવા કાચા પાણીનો સ્પર્શ સુદ્ધાં કરતા નથી. સ્નાન કર્યા વિના પણ બ્રહ્મચર્યના પ્રભાવને કારણે તેમની ચામડી સ્નિગ્ધ અને તેજસ્વી હોય છે. તેમને કદી મેક-અપની કે ડ્રેસ ડિઝાઇનરની જરૂર પડતી નથી. જૈન સાધુ કદી રાંધ્યા વગરનું અનાજ, સલાડ કે તાજાં ફળો ખાતા નથી કારણ કે વનસ્પતિમાં પણ જીવ છે. તેઓ મરણાંતે પણ અસત્ય બોલતા નથી. તેમને જીવવા માટે રૂપિયાની જરૂર નથી માટે કોઇનું ધન ચોરી લેતા નથી.
જૈન સાધુ-સાધ્વીજી, ભગવંતો દીક્ષા ગ્રહણ કરે ત્યારથી મરણપર્યંત સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. ત્યાં સુધી કે સાધુ ભગવંતો પોતાનાં સંસારી અવસ્થાના માતુશ્રી, બહેન કે પુત્રીને પણ અડી શકતા નથી. જૈન સાધુ અપરિગ્રહનું વ્રત લેતા હોવાથી તેઓ પોતાની પાસે કોઇ રૂપિયા, સોનું, ચાંદી, જમીન, ફ્લેટ વગરે રાખતા નથી. તેમનું બેન્કમાં ખાતું નથી હોતું કે શેરમાં રોકાણ નથી હોતું માટે સેન્સેક્સમાં વધઘટની ચિંતા તેઓ કરતા નથી. તેમને દારૂ, સિગારેટ, તમાકુ, ગુટકા વગેરેની કોઇ જરૂર પડતી નથી. સમગ્ર ભારતમાં તેઓ પગપાળા જ વિહાર કરે છે.
તમામ પ્રકારની ભૌતિક સુખસુવિધાઓ વગર પણ જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચહેરા પર કાયમ પ્રસન્નતા અને મનમાં પરમ શાંતિ જોવા મળે છે, તેનું કારણ એ છે કે તેઓ તમામ પ્રકારની અપેક્ષાઓથી મુક્ત થઇ ગયા છે, જે દુ:ખનું મુખ્ય કારણ છે. સમાજથી દૂર રહેવા છતાં તેઓ સમાજની નાડ બરાબર પારખે છે, માટે યુવાનોથી માંડીને બાળકોને અને વેપારીઓથી માંડીને ઓફિસરોને તેઓ મૂંઝવણમાં સાચું માર્ગદર્શન આપી શકે છે. તેમની પાસે જ્ઞાનનો ખજાનો હોય છે, જેને જોઇને પંડિતો પણ પ્રભાવિત થઇ જાય છે. જૈન સાધુઓ અદભુત કહી શકાય તેવી વક્તવ્ય કળાના સ્વામી હોય છે.
હજારોની મેદનીને તેઓ ડોલાવી શકે છે. ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં ગૌતમ સ્વામીને દીક્ષા આપીને જૈન શ્રમણ સંઘ નામની સંસ્થા સ્થાપી હતી અને તેનું બંધારણ જૈન શાસ્ત્રોના રૂપમાં ઘડ્યું હતું. આ સંસ્થાનો મૂળ ઢાંચો આજે પણ જેમનો તેમ છે. આજે પણ હજારો જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો પંચમહાવ્રતોનું વફાદારીથી પાલન કરીને પોતાના આત્માનું અને જગતના જીવોનું સતત કલ્યાણ કરી રહ્યા છે. નવી પેઢીના સેંકડો યુવકયુવતીઓ આજે પણ ભગવાન મહાવીરના ઉપદેશનું શ્રવણ કરીને દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે અને જગતમાં ચારિત્ર્યનો ડંકો વગાડી રહ્યા છે. આધુનિક શિક્ષણના રંગે રંગાયેલા સેંકડો યુવકયુવતીઓ દીક્ષા લેવા તૈયાર થાય છે તે પણ આજના કાળનો ચમત્કાર જ છે.