- ઉશ્કેરાયેલા અલ્તાફ હુસેને કમર પટ્ટા વડે 6 સાધ્વીજી ભગવંતોને માર મારવાનું શરૂ કર્યું
- લોકોએ હુમલાખોરનો પીછો કરી પકડી પાડી માર માર્યો
ભરૂચ: ભરૂચના શ્રીમાળી પોળ ખાતેથી જૈન સાધ્વીજી ભગવંતોએ તેમના નિત્યક્રમ મુજબ સોમવારે સવારે ૪.૩૦ કલાકે પદયાત્રા આરંભી હતી. ત્યારે મહંમદપુરા વિસ્તારમાંથી એક વ્યક્તિએ તેમનો પીછો કરવાનો શરૂ કર્યું હતું. અજાણ્યા વ્યક્તિએ તેમનો પીછો કરતાં કરતાં બૂમો પાડી તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ ગામ પાસે અત્યંત નજીક આવતાં જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવા જણાવ્યું હતું. દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા વડે ૬ સાધ્વીજી ભગવંતોને માર મારવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન એક સાધ્વીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા. આ બનાવ જોતા રસ્તા પરથી પસાર થતા શાકભાજીવાળાએ વચ્ચે પડી સાધ્વીઓને બચવાનો પ્રયત્ન કરતાં આ ઈસમ શાકભાજીવાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતાં અન્ય સ્થાનિકો અને ગ્રામજનોએ અજાણ્યા ઈસમની શોધખોળ કરતાં દેરોલ ચોકડી સુધી પહોંચી ગયા હતા. જ્યાંથી આ ઇસમને પકડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસમથકે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અજાણ્યા ઈસમની પૂછપરછ કરતાં તેનું નામ અલ્તાફહુસેન હમીદ ઈબ્રાહીમ શેખ (ઉં.વ.૪૪) (રહે., ભરૂચ લલ્લુભાઈ ચકલાં, કબૂતરખાના પાસે, કાચની પીઠ, તા.જિ.ભરૂચ, મૂળ રહે.,ખંભાત, જહાંગીરપુર, ગફુરબસ્તી, જિ.આણંદ) હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા ચારેક મહિનાથી તે ભરૂચ ખાતે છૂટક મજુરી તરીકે કામગીરી કરતો હતો.
આરોપીનો ઇરાદો જૈન સાધ્વીજીના હાથ-પગ તોડી નાંખવાનો હતો: પીઆઈ
ભરૂચ તાલુકાનાં PI પ્રકૃતિબેન ઝણકાટે જણાવ્યું હતું કે, જૈન સાધ્વીજીને આરોપીની હરકત સારી લાગતી ન હતી. દેરોલ પાસે આરોપીએ ઉશ્કેરાઈ જઈ જૈન સાધ્વીજીના હાથ-પગ તોડીને જાનની મારી નાંખવાનો ઈરાદો હતો. આ ઘટનામાં આરોપી સફળ થયો ન હતો.
સાધ્વીઓને બચાવવા પ્રયાસ કરનાર ઉપર પણ હુમલો
ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલા જૈન દેરાસરથી છ જૈન સાધ્વીજી સોમવારે સવારે વિહાર માટે નીકળ્યા હતા. ત્યારે આ જૈન સાધ્વીઓ મહમદપુરા પહોંચતાં અલ્તાફ હુસેને પીછો કરવાની શરૂઆત કરી હતી. જૈન સાધ્વીઓ દેરોલ અને થામ ગામ વચ્ચે પહોંચતાં જૈન સાધ્વીઓએ તેને દૂર રહેવાનું કહેતાં જ અલ્તાફ હુસેને કમર પટ્ટો કાઢી જૈન સાધ્વીઓને માર માર્યો હતો. એ માર્ગ પરથી પસાર થનાર સતીશ ચંદુ રાઠોડે તાત્કાલિક ત્યાં પહોંચી હુમલો કરનાર ઈસમને રોકવાનો પ્રયાસ કરતાં અજાણ્યા ઈસમે તેના પર પણ હુમલો કર્યો હતો.