Vadodara

મહાતીર્થ બચાવવા જૈન સમાજે વિરાટ રેલી યોજી

વડોદરા : જૈન સમાજના સમ્મેદ શિખરજી તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને ઝારખંડ સરકારે પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે.જેને લઇને દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. સાથે જ ગુજરાતમાં પાલિતાણામાં શત્રુંજય પર્વત પર આવેલા જૈન દેરાસરમાં તોડફોડ કરનાર તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે આજે વડોદરામાં જૈનોની વિશાળ રેલી નીકળી હતી જેમાં જૈનોના ચારેય ફિરકાઓના હજારો લોકો જોડાયા હતા.

જૈન ધર્મના બે મહાતીર્થ ગણાતા શ્રી શત્રુંજય મહાતીર્થ પાલીતાણા અને સમેત શિખરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે બાંધકામ, અતિક્રમણ, આદિનાથદાદાના પગલાં તથા સીસીટીવીના થાંભલાની તોડફોડ કરવામાં આવેલ છે. પવિત્ર ગિરિરાજ ઉપર દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. શ્રી સમેતશિખરજી તીર્થને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.આ તમામ બાબતનો વિરોધ પ્રદર્શિત કરવા વડોદરા શહેર તથા જિલ્લાના સમસ્ત જૈન સંઘો દ્વારા આજે વિરાટ રેલી યોજવામાં આવી હતી.

આ રેલી આજે સવારે એમ.જી.રોડ, પર આવેલ શ્રી આદિનાથ દાદાના જિનાલયથી રેલીએ પ્રયાણ કર્યું હતું અને એમ.જી.રોડ, ન્યાયમંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, ટાવર ચાર રસ્તા થઈ કોઠી કલેક્ટર ઓફીસે પહોંચી હતી અહીં જૈન આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે જૈનોના પવિત્રતીર્થ શેત્રુંજ્ય અને સમમ્મેદ શિખરજી પર આફત આવી છે તેના પર સરકાર હરકતમાં આવે તેમ માટે કૃપાબિંદુ મહારાજ સહિત સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં આજે રેલી આયોજીત કરવામાં આવી છે. તેમજ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા મુખ્ય બે મુદ્દાછે.પ્રથમ તો શેત્રુંજય તીર્થમાં અતિક્રમણ થઇ રહ્યું છે.

મુગલ સામ્રાજ્ય અને ત્યાર બાદ અંગ્રેજોના શાસનમાં પણ લેખિતમાં અપાયું છે કે શેત્રુંજય જૈનોનું તીર્થ છે. આ દસ્તાવેજોને આધારે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે આ તીર્થ જૈનોનું છે. પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ અને ત્યારબાદ શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ કરનાર મુઠ્ઠીભર તત્ત્વો સમગ્ર રાજ્યની શાંતિ ડહોળી રહ્યા છે, ત્યારે આ લોકો સામે કડક પગલાં ભરવાં અને તીર્થની રક્ષા માટે કાયમી પગલાં ભરવાની જૈન સમાજની માંગ છે.

Most Popular

To Top