Comments

જગ્ગી વાસુદેવ જો નિર્દોષ હોય તો તેમણે તપાસનો સામનો કરવો જોઈએ

ભારત કૃષિપ્રધાન કે ઉદ્યોગપ્રધાન દેશ નથી પણ બાબાપ્રધાન દેશ છે. ભારતમાં બાબાઓનો એટલો મોટો રાફડો ફાટ્યો છે કે ભારત દુનિયાભરમાં બાબાઓની નિકાસમાં અવ્વલ નંબરે છે. ભારતના નેતા અને ફિલ્મસ્ટારો પણ બાબા લોકોની પાછળ પાગલ હોય છે. કોઈ પણ બાબા ભારતમાં કોઈ પણ ઠેકાણે પોતાનો મઠ સ્થાપે તો તેમને ભક્તો તથા ભક્તાણીઓ તરત જ મળી જાય છે. બાબાના મઠમાં વિદેશી મહિલા પણ યોગા કરવા ઉમટી પડે છે, જેમના ભોગ પણ લેવાઈ જતા હોય છે.

હમણાં હમણાં સદ્ગુરુ તરીકે વિખ્યાત જગ્ગી વાસુદેવ કોઈ ખોટા કારણે સમાચારોમાં ચમકી રહ્યા છે. જગ્ગી વાસુદેવ પર ઇલજામ છે કે તે ભોળી યુવતીઓને ફસાવીને સાધ્વી બનાવે છે અને તેમનું બ્રેઈનવોશ કરીને પોતાના મઠમાં રાખે છે. જગ્ગી વાસુદેવના મઠની તળિયાઝાટક તપાસ કરવાનો ઓર્ડર હાઈ કોર્ટ દ્વારા અપાયો હતો, પણ સુપ્રીમ કોર્ટે તેના પર સ્થગન ઓર્ડર મૂકીને જગ્ગીની ઇજ્જત બચાવી લીધી છે. જો જગ્ગી વાસુદેવના મઠમાં શું ચાલે છે, તેની તટસ્થ રીતે તપાસ કરાય તો તેમાંથી ઘણાં જૂનાં હાડપિંજરો બહાર નીકળે તેવી સંભાવના છે.

નિવૃત્ત પ્રોફેસર ડૉ. એસ. કામરાજની અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે. તેણે દાવો કર્યો હતો કે તેની બે પુત્રીઓ ગીતા કામરાજ (૪૨) અને લતા કામરાજ (૩૯)ને તેમની ઈચ્છા વિરુદ્ધ આશ્રમમાં રાખવામાં આવી હતી. અરજી અનુસાર સંગઠને બહેનોનું બ્રેઈનવોશ કર્યું, તેમને સાધ્વી બનાવી અને તેમને તેમના પરિવારમાંથી અલગ કરી દીધી. જસ્ટિસ એસ.એમ. સુબ્રમણ્યમ અને વી. શિવગનમે સદ્ગુરુના ઉપદેશોમાં દેખીતો વિરોધાભાસ દર્શાવ્યો હતો, જે દર્શાવે છે કે તેમની પુત્રી પરિણીત છે અને સ્થાયી છે, જ્યારે તેઓ આશ્રમમાં રહેતી યુવતીઓને સાંસારિક જીવનનો ત્યાગ કરવા, માથું મૂંડાવવા અને સંન્યાસની જેમ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. કામરાજ બહેનો સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થઈ હતી અને ભારપૂર્વક આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કેન્દ્રમાં જીવે છે.

અરજીમાં ફાઉન્ડેશનમાં જોડાતાં પહેલાં બહેનોના વ્યાવસાયિક જીવન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. મોટી બહેન ગીતાએ યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી મેકાટ્રોનિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને તે ૨૦૦૮માં છૂટાછેડા પહેલાં ઊંચા પગાર પર કામ કરતી હતી. આ પછી તેણે ઈશાના યોગ ક્લાસમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેણીની નાની બહેન લતા સોફ્ટવેર એન્જિનિયર છે.

તેણે બહેનના પગલે ચાલીને કેન્દ્રમાં રહેવાનું નક્કી કર્યું. ઇશા ફાઉન્ડેશને તેને ખોરાક અને દવાઓ પૂરી પાડી હતી જેની, તેના પર પ્રતિકૂળ અસર પડી હતી અને તે તેના પરિવારથી અલગ પડી ગઈ હતી. તેની ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે અરજદારની ફરિયાદ કથિત બ્રેઈનવોશિંગ, સાધુ બનવા પર પ્રતિબંધ અને પરિવારની ક્રિયા-પ્રતિક્રિયાની આસપાસ ફરે છે. તેમણે કહ્યું કે આવા આરોપોને કારણે ફાઉન્ડેશનની કામગીરીની વ્યાપક ટીકા થઈ રહી છે.

મામલાઓને વધુ જટિલ બનાવતાં અરજીમાં ઈશા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા એક ફોજદારી કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને સ્થાનિક આદિવાસી સરકારી શાળાની ૧૨ છોકરીઓની છેડતીનો પણ આરોપ હતો. બહેનો પોતાની મરજીથી ઈશામાં આવી હોવાનો આગ્રહ રાખતા હોવા છતાં, જસ્ટિસ શિવગનમે કહ્યું કે જે વ્યક્તિએ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા છે તે શા માટે અન્યની દીકરીઓને સંન્યાસીનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે?

જગ્ગી વાસુદેવ, જેમને લોકો હાલમાં સદગુરુ કહે છે, તેમની પત્નીનું નામ વિજયાકુમારી હતું. સદ્ગુરુની પત્ની વિજયાકુમારી એક સાધારણ પરિવારમાંથી આવી હતી અને સદ્ગુરુને તેમની યોગિક અને આધ્યાત્મિક યાત્રામાં સાથ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી હતી. સદ્ગુરુ સાથેના લગ્ન પછી વિજયાકુમારીને એક પુત્રી હતી. જેનું નામ રાધે જગ્ગી છે. રાધે જગ્ગી નાની હતી ત્યારે જ વિજયાકુમારીનું અવસાન થયું હતું.

વિજયાકુમારીનું ૧૯૯૭ માં અવસાન થયું, જેને સદ્ગુરુએ મહાસમાધિ ગણાવી હતી. વિજયાકુમારીની મહાસમાધિને લઈને ઘણા વિવાદો અને કાયદાકીય પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ બાદમાં તેના પર પુરાવાના અભાવે તેનો કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. હકીકતમાં કેટલાંક લોકો માનતાં હતાં કે વિજયાકુમારીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે સદ્ગુરુના ચાહકોમાં તેને મહાસમાધિ તરીકે મનાવવામાં આવતી હતી.

મહાસમાધિ વિશે સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણા દેશમાં મહાસમાધિ લેનાર વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. મહાસમાધિ લીધેલી વ્યક્તિને દફનાવવાનો રિવાજ છે. જ્યારે સદ્ગુરુની પત્ની વિજયાકુમારી સાથે આવું બન્યું ન હતું. તેને સદ્ગુરુ દ્વારા દફનાવવામાં આવી ન હતી પરંતુ તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના મોતને લઈને વિવાદ શરૂ થયો હતો. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે સદ્ગુરુએ પોતે કહ્યું કે તેમની પત્નીએ મહાસમાધિ લીધી છે તો પછી તેમણે પોતે વિજયાકુમારીનો અગ્નિસંસ્કાર કેમ કર્યો?

વિજયાકુમારીના મૃત્યુ સમયે તેમના પિતાએ સદ્ગુરુને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરો, પરંતુ જગ્ગી વાસુદેવે તેમના સસરાના ત્યાં પહોંચવાની રાહ જોઈ ન હતી અને તેમની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા હતા. બાદમાં વિજયાકુમારીના પિતાએ તેમના મૃત્યુ પર પોતાનો સંદેહ વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે તેમની પુત્રીના મૃત્યુનું કારણ હત્યા પણ હોઈ શકે છે. તેમણે પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેણે તમામ વિગતો પણ લખી હતી.

આ ઘટના ૧૯૯૭માં બની હતી અને ત્યાર બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે વિજયાકુમારીના મૃત્યુનાં કારણોને સમજવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિજયાકુમારીના તાત્કાલિક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસ પોસ્ટમોર્ટમ કરી શકી ન હતી. પોસ્ટમોર્ટમ વિના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મુશ્કેલ બની ગયું હતું.

ત્યાર પછીની પોલીસ તપાસમાં કોઈ નક્કર પુરાવાનો અભાવ હતો અને પોલીસને ગુનો સાબિત કરી શકે તેવા કોઈ પુરાવા ન મળતાં વિજયાકુમારીના મૃત્યુનો કેસ બંધ કરી દીધો હતો. સદ્ગુરુએ કહ્યું હતું કે વિજયાકુમારીનું મૃત્યુ અચાનક નહોતું થયું, પરંતુ તેમણે પહેલેથી જ સંકેતો આપી દીધા હતા કે તે આ પ્રક્રિયામાંથી પસાર થવાની છે. સદ્ગુરુ માનતા હતા કે તેમની પત્નીએ તેમના આધ્યાત્મિક અભ્યાસના શિખર પર પહોંચ્યા પછી મહાસમાધિ પ્રાપ્ત કરી છે. તેમના મતે આ કોઈ સામાન્ય મૃત્યુ ન હતું. ઓછા કિસ્સામાં બનતી બહુ ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા હતી.

જગ્ગી વાસુદેવના મઠમાં કોઈ ભેદી પ્રવૃત્તિ ચાલી રહી છે, તે બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. તેને કારણે છેલ્લાં ૮ વર્ષમાં તમિલનાડુના કોઈમ્બતુરમાં જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનમાંથી ઘણાં લોકો ગુમ થયાં છે. તમિલનાડુ પોલીસે મદ્રાસ હાઈકોર્ટને આ વાત જણાવી છે. ગુરુવારે, ૨૧ માર્ચે એક કેસની સુનાવણી દરમિયાન, પોલીસે હાઈકોર્ટને જણાવ્યું કે ૨૦૧૬ થી કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશનમાંથી છ લોકો ગુમ થઈ ગયાં છે.

પોલીસે જસ્ટિસ એમએસ રમેશ અને જસ્ટિસ સુંદર મોહનની બેન્ચ સમક્ષ મૌખિક રીતે આ દલીલ કરી હતી. પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યું કે આ છ લોકોના ગુમ થવાના કેસની તપાસ પહેલાંથી જ ચાલી રહી છે. જગ્ગી વાસુદેવ પરના તમામ આરોપો છતાં તે હેમખેમ બચી જાય છે, તેનું કારણ તેમના માટે સરકારની સોફ્ટ કોર્નર છે. સરકાર જ્યારે સંકટમાં હોય ત્યારે જગ્ગી તેના બચાવમાં આવી
જાય છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top