ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત ભંડાર ‘રત્ન ભંડાર’ આજે ખુલ્યો છે. રાજ્ય સરકારે 46 વર્ષ બાદ આ તિજોરીને ઝવેરાત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની યાદી માટે ખોલી છે. અગાઉ તેને 1978માં ખોલવામાં આવ્યું હતું. રત્ન ભંડાર ખુલ્યા બાદ કેવી રીતે અને કયા રેકોર્ડ્સ નોંધાશે. આ સમગ્ર પ્રક્રિયા પર કોણ નજર રાખશે તે અંગે કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું.
ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની તિજોરી આજે (14 જુલાઈ) બપોરે 1:28 વાગ્યે ખોલવામાં આવી હતી. ઓડિશાના મુખ્યમંત્રી કાર્યાલયે આ વાતની પુષ્ટિ કરી છે. આ સમય દરમિયાન, ભંડારમાં સરકારી પ્રતિનિધિઓ, ASI અધિકારીઓ, શ્રી ગજપતિ મહારાજના પ્રતિનિધિ સહિત 11 લોકો હાજર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર રત્ન ભંડારમાં હાજર કિંમતી વસ્તુઓનું ડિજિટલ લિસ્ટિંગ કરશે, જેમાં તેમના વજન અને નિર્માણ જેવી વિગતો હશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સુપરિન્ટેન્ડેન્ટ ડીબી ગડનાયકે જણાવ્યું હતું કે એન્જિનિયરો સમારકામના કામ માટે રત્ન ભંડારનો સર્વે કરશે.
મંદિરનો ખજાનો છેલ્લે 46 વર્ષ પહેલા 1978માં ખોલવામાં આવ્યો હતો. તિજોરી ખોલતા પહેલા વહીવટીતંત્રે છ ભારે લાકડાની સંદુકો મંગાવી હતી. એક સંદુક ઉપાડવા માટે 8 થી 10 લોકોનો લાગ્યા હતા. આ રત્ન ભંડાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જગન્નાથ મંદિરની બહાર આરએએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પુરીના એસપી પિનાક મિશ્રાનું કહેવું છે કે બધું જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય સમિતિ અને તેના સભ્યો બહાર આવ્યા બાદ માહિતી આપશે.
રત્ન ભંડાર ખોલતા પહેલા મંત્રી હરિચંદને કહ્યું કે આજે એટલે કે 14મી જુલાઈએ ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલવા જઈ રહ્યો છે. આ માટે મુખ્યમંત્રીએ આખરી મંજુરી આપી દીધી છે. રાજ્ય સરકારે મંદિર વ્યવસ્થાપન સમિતિ માટે તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ (SOP) જારી કરી છે અને તેના આધારે તમામ કામગીરી કરવામાં આવશે. ટ્રેઝરી અને ઇન્વેન્ટરીને ફરીથી ખોલવા માટે દરેક કાર્યને પૂર્ણ કરવા માટે અનુસરવાની પ્રક્રિયાઓ પણ નક્કી કરવામાં આવી છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના મુખ્ય પ્રશાસકને સમગ્ર કાર્ય પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.
તેમણે આગળ કહ્યું, ‘પહેલાની સરકારો 24 વર્ષમાં જે કરી શકી નથી તે હવે થશે. આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે અમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સામેલ કરવાની વિનંતી કરી હતી, જેને સ્વીકારવામાં આવી છે. તેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દરેક કામ માટે અલગ અલગ ટીમો
તેમણે કહ્યું, ‘દરેક પ્રવૃત્તિ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જ્વેલરીની ગણતરી કર્યા પછી અમે એક ડિજિટલ કેટેલોગ બનાવીશું, જેમાં ફોટોગ્રાફ્સ, તેમનું વજન અને અન્ય વસ્તુઓની ગુણવત્તાનો સમાવેશ થશે. આ તમામ બાબતો સાથે ડિજિટલ કેટેલોગ બનાવવામાં આવશે. ડિજિટલ કેટલોગ એક સંદર્ભ દસ્તાવેજ હશે. આગામી દિવસોમાં જ્યારે પણ ફરીથી ગણતરી કરવામાં આવશે ત્યારે તેની મદદ લેવામાં આવી શકે છે.
જગન્નાથ મંદિર ‘રત્ન ભંડાર’ને ફરીથી ખોલવા માટે રચાયેલી પેનલના અધ્યક્ષ ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ વિશ્વનાથ રથે કહ્યું, ‘જેમ કે નિર્ણય લેવામાં આવ્યો છે અને દરેક જાણે છે, સરકારે ત્રણ ભાગોમાં જરૂરી એસઓપી જારી કર્યા છે , એક રત્ન ભંડાર ખોલવા માટે, પછી બંને ‘સ્ટોર’માં રાખવામાં આવેલ જ્વેલરી અને કીમતી વસ્તુઓને ગર્ભગૃહની અંદર અગાઉથી ફાળવેલ રૂમમાં ખસેડવા.’
રત્ના ભંડારમાં 12,831 તોલા સોનાના દાગીના
આ પહેલા પુરીના જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને કહ્યું હતું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) મંદિરના સમારકામ માટે આ તકનો ઉપયોગ કરશે. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી 16 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિએ 14 જુલાઈએ રત્ન ભંડાર ખોલવાની ભલામણ કરી હતી. 2018માં રાજ્ય વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું કે રત્ન ભંડારમાં 12,831 તોલાના સોનાના દાગીના હતા. આ કિંમતી રત્નોથી જડેલા છે અને તેમાં 22,153 તોલા ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓ પણ છે.
ભાજપે ખજાનો ખોલવાનું વચન આપ્યું હતું
જો ઓડિશામાં સત્તા પર આવશે તો ભાજપે 12મી સદીના મંદિરના ખજાનાને ફરીથી ખોલવાનું વચન આપ્યું હતું. મંદિરનો ખજાનો છેલ્લે 46 વર્ષ પહેલા 1978માં ખોલવામાં આવ્યો હતો. રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન તેનું ફરીથી ખોલવું એ મુખ્ય રાજકીય મુદ્દો હતો.