National

પુરીમાં શરૂ થઈ જગન્નાથ રથયાત્રા, રાષ્ટ્રપતિ મુર્મુ પણ શામેલ થયા, અહીં બે દિવસ ચાલશે રથયાત્રા

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ શરૂ થયો છે. 53 વર્ષ બાદ આ યાત્રા બે દિવસની થઈ રહી છે. માન્યતા અનુસાર સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાન બીમાર થઈ જાય છે. આ વર્ષે પણ સ્નાન પૂર્ણિમા બાદ ભગવાન સ્વસ્થ થયા છે. રથયાત્રાની શરૂઆત પહેલાની ધાર્મિક વિધિઓ રવિવારે થઈ છે. બપોરે 2.30 વાગ્યે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા પોતપોતાના રથમાં બેઠા હતા. રથયાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ભીડને કારણે રથ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. આ યાત્રા બે દિવસમાં પૂર્ણ થશે.

જગન્નાથ મંદિરના પંચાંગકર્તા ડો. જ્યોતિ પ્રસાદે જણાવ્યું હતું કે ભગવાન સામાન્ય કરતાં 2 કલાક વહેલા જાગી ગયા હતા અને મંગળા આરતી સવારે 4 વાગ્યાને બદલે 2 વાગ્યે થઈ હતી. મંગળા આરતી બાદ લગભગ 2.30 કલાકે દશાવતાર પૂજા થઈ હતી. નૈત્રોત્સવ 3 વાગ્યે અને પુરીના રાજા દ્વારા 4 વાગ્યે પૂજા કરવામાં આવી હતી. સવારે 5.10 વાગ્યે સૂર્ય પૂજા અને 5.30 વાગ્યે દ્વારપાલ પૂજા થઈ હતી. સવારે 7 વાગ્યે ભગવાનને ખીચડી અર્પણ કરવામાં આવી હતી.

બલભદ્રનો રથ પહેલા ખેંચાયો હતો. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ બે દિવસ પછી ગુંડીચા મંદિર પહોંચશે. ઓડિશાના મંત્રી રબી નારાયણ નાઈકે જણાવ્યું હતું કે ઓડિશાના લોકો માટે આ સૌથી મોટો તહેવાર છે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનો (બલભદ્ર અને દેવી સુભદ્રા)ના રથ બે દિવસમાં ગુંડીચા મંદિર પહોંચશે.

પુરીમાં રથયાત્રા શરૂ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ રથયાત્રામાં ભાગ લીધો હતો. જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથને ભક્તો ખેંચી રહ્યા છે. આ રથયાત્રા બે દિવસ સુધી ચાલશે. હંમેશની જેમ આ વખતે પણ પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો હતો. અમિત શાહે મંગળા પૂજા કરી. ઓડિશા ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં પણ રથયાત્રા કાઢવામાં આવી રહી છે.

Most Popular

To Top