ગાબા: વરસાદના વિઘ્ન વચ્ચે પૂંછડિયા બેટ્સમેનોની મક્કમ બેટિંગના પગલે ગાબા ટેસ્ટમાં ભારતે ફોલોઅન ટાળ્યું છે. મેચના ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 255 હતો. ભારત 9 વિકેટ ગુમાવી ચૂક્યું છે. હવે આવતીકાલે પાંચમા દિવસે બંને ટીમ વચ્ચે રસાકસીની રમત જોવા મળશે.
ચોથા દિવસે રાહુલ (84) ના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ સંભાળી હતી. જાડેજાએ લડાયક 77 રન બનાવ્યા હતા. 213ના સ્કોર પર ભારતે 9મી વિકેટ જાડેજાના સ્વરૂપમાં ગુમાવી ત્યારે લાગતું હતું કે હવે ભારત ફોલોઅન થશે, પરંતુ આકાશ દીપ અને બુમરાહે ફોલોઅન ટાળ્યું હતું. બંને વચ્ચે અણનમ 39 રનની ભાગીદારી થઈ હતી. આકાશ દીપ (27) અને બુમરાહ (10) રમતમાં છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આજે તા. 17મી ડિસેમ્બરે ગાબા ટેસ્ટનો ચોથો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા.
જો જોવામાં આવે તો અગાઉ બ્રિસ્બેન ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ 5 મેચ હારી છે અને એક મેચ ડ્રો પણ રહી છે. ગાબા ખાતે ભારતીય ટીમની એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021માં હતી. ત્યાર બાદ તેણે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.
રાહુલ-જાડેજા સિવાય બધા બેટ્સમેન ફ્લોપ
ભારતીય ટીમની પ્રથમ ઇનિંગમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઇ હતી. ભારતે ઈનિંગના બીજા જ બોલ પર યશસ્વી જયસ્વાલ (4 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી ડાબા હાથના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર ફ્લિક શોટ રમવાના પ્રયાસમાં મિશેલ માર્શના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ સ્ટાર્કે તેની આગામી ઓવરમાં શુભમન ગિલ (1 રન)ને પણ આઉટ કર્યો હતો.
માર્શે શુભમન ગિલનો કેચ પણ લીધો હતો. વિરાટ કોહલી પાસેથી સારી રમતની અપેક્ષા હતી પરંતુ તે જોશ હેઝલવુડના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 16 બોલનો સામનો કરીને 3 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઋષભ પંત (9 રન) પણ ટીમની બહાર નીકળી ગયો હતો. પંત પેટ કમિન્સના બોલ પર વિકેટકીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. પંતના આઉટ થયા બાદ વરસાદ પડ્યો હતો, જેના કારણે બીજા દિવસે વધુ રમત રમાઈ શકી ન હતી.
રોહિત શર્મા ચોથા દિવસે સારા રમવાની આશા હતી પરંતુ તે સસ્તામાં આઉટ થયો હતો. રોહિત વિપક્ષના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા વિકેટકીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ મળીને છઠ્ઠી વિકેટ માટે 67 રન જોડીને ભારતની ઈનિંગ સંભાળી હતી. રાહુલે 139 બોલમાં 8 ફોરની મદદથી 84 રન બનાવ્યા હતા.
રાહુલ નાથન લિયોને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી નીતીશ રેડ્ડી અને રવિન્દ્ર જાડેજાએ મળીને 53 રનની ભાગીદારી કરી, પરંતુ ટીમ ઈન્ડિયાના 194 રનના સ્કોર પર બોલ નીતીશના બેટ સાથે અથડાઈને વિકેટમાં પ્રવેશી ગયો. આ રીતે ભારતીય ટીમને છઠ્ઠો ફટકો પડ્યો હતો. ત્યાર બાદ સિરાજ પણ ટકી શક્યો નહોતો અને રવિન્દ્ર જાડેજા પણ આઉટ થઈ ગયો હતો. ભારતે 9મી વિકેટ 213ના સ્કોર પર ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજાએ લડાયક 77 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા
ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 445 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં ટ્રેવિસ હેડે 160 બોલનો સામનો કરીને સૌથી વધુ 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેડે 18 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 190 બોલમાં 101 રનની ઇનિંગ રમી જેમાં 12 ચોગ્ગા સામેલ હતા.
વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ 88 બોલમાં 70 રનનું યોગદાન આપ્યું હતું. કેરીએ 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે બે સફળતા હાંસલ કરી હતી. નીતીશ કુમાર રેડ્ડી અને આકાશ દીપે એક-એક વિકેટ લીધી હતી.