મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશકેલી વધતી જઈ રહી છે. 200 કરોડના મની લોન્ડરિંગ (Money laundering) કેસના આરોપી કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની અંગત તસવીરો વાયરલ થયા બાદ બંને વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા. તે જ સમયે, ઘણા દિવસોથી લાઈમલાઈટથી અંતર બનાવી રહેલી જેકલીનની આ મામલે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેકલીન ફર્નાન્ડીઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
ઇડીએ અનુમાન લગાવ્યું છે કે સુકેશે ખંડણીના નાણાંનો ઉપયોગ કરીને જેકલીનને 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. આ સાથે જ જેકલીનના પરિવારના સભ્યોને 173,000 યુએસ ડોલર અને લગભગ 27,000 ઓસ્ટ્રેલિયન ડોલરનું ફંડ પણ આપવામાં આવ્યું હતું. આ પહેલા પણ ED આ કેસમાં જેકલીનની પૂછપરછ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે જ્યાં જેકલીન અને સુરેશના અફેરના સમાચારને જેકલીને નકારી હતી ત્યાં સુકેશે તેના અફેરની વાત સ્વીકારી લીધી હતી.
સુકેશે જેલમાંથી લખ્યો પત્ર જેકલીન સાથેની તેની અંગત તસવીરો સાર્વજનિક થયા બાદ સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સુકેશે લખ્યું કે આ ખૂબ જ દુઃખદ અને પરેશાન કરનારું છે. ખાનગી ફોટા કેવી રીતે ફેલાય છે. આ વ્યક્તિની અંગત જગ્યા અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે. સુકેશે તસવીરોને ખોટી રીતે રજૂ ન કરવાની પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે જેકલીનને મની લોન્ડરિંગ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. મેં જેકલીન અને તેના પરિવારના પ્રેમમાં બધું જ કર્યું હતું.
શું હતો સમગ્ર મામલો
આ સમગ્ર મામલો કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર આરોપ છે કે તેણે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને તેમાંથી કેટલોક ભાગ જેકલીન પર ખર્ચ કર્યો હતો. સુકેશ હાલ તિહાર જેલમાં બંધ છે. તેણે પોલીસને પૂછપરછ દરમિયાન જેકલીન સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓના નામ જણાવ્યા હતા. જેમાં નોરા ફતેહીનું નામ પણ સામેલ હતું. આ કેસમાં EDએ નોરાની પણ પૂછપરછ કરી છે.