મહાકુંભ ૨૦૨૫માં પધારેલ સાધુઓ પૈકી એક સાધુશ્રીએ ઇંટરવ્યૂમાં સુંદર વાત કહી. મંદિરો, મસ્જિદો, ગિરિજાઘરોમાં ઈશ્વરને શોધતાં લોકોને સુંદર શિખામણ આપતાં એમણે કહ્યું, “मैं भीतर गया, मैं भी तर गया।”વાત તો સાચી જ છે. તરવા માટે પાણીમાં ઊતરવું પડે, બહાર ઊભાં રહ્યે કઈં નહીં વળે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે, અમારા સુધી આવવાની પણ જરૂર નથી. “હરિનો મારગ છે શૂરાનો”કાવ્યમાં પ્રીતમ કહે છે, “મહીં પડ્યા તે મહાસુખ માણે”માં આ જ વાત પડઘાય છે. દરેક ધર્મમાં ભીતર જવાની, ભીતર ઝાંખવાની વાત છે.
બહારની ચમક આંજી જરૂર દેશે પરંતુ માર્ગ દર્શન કદી નહીં કરે. જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શે આ જ વાત ભિન્ન રીતે કહે છે; જ્યાં સુધી ઇશ્વરી તત્ત્વ માટે તમે બહાર ફાંફાં મારો છો ત્યાં સુધી તમે ઊંઘમાં છો. ભીતર જતાં જ આત્માનાં અજવાળાં અનુભવશો. ઇસુએ પણ કહ્યું છે, the kingdom of God is within you. આજના ધનવાનોનાં ગુરુઓ કે ગુરુમાઈઓ પણ ધનવાન હોય છે. એમના અઢળક બેન્ક બેલેન્સ, સ્વર્ગ સમા આશ્રમો, એમની કારનો કાફલો, ભક્તોનો મહેરામણ જોઈ સામાન્ય લોક અંજાઈ જાય છે અને જાણ્યા સમજ્યા વિના અનુસરતા રહે છે.
આવું દરેક ધર્મમાં હોય છે. સાચા સંતો આ તમામ લૌકિક બાબતોથી પર હોય છે. તેઓને તો આ મોહ, માયા ગુંગળાવે છે. સૌ નિજ ધર્મપુસ્તકમાં ઉપદેશેલ વાતને અનુસરે તો પોતાનું કલ્યાણ થાય અને જગે અમન પ્રવર્તે. કબીર સાહેબે કહ્યું જ છે, જૈસે દિયેમેં બાંતી, જૈસે ચકમક મેં આગ તેરા સાઈ તુઝમેં ઝાંકી શકૈ તો ઝાંક. મનુષ્યને વખતો વખત હ્રદયનાં ઊંડાણમાંથી અવાજ આવતો હોય છે. એને અનુસરતાં સઘળું સારું થાય છે. બાકી ધધુ, પપૂઓ તો પોપટ રટણ કરતાં હોય છે. ભીતરનો રણકાર અધિક સંગીતમય, સત્યપૂત અને બળકટ હોય છે.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
