એક દિવસ રસ્તામાં શાક લેતાં રોશની અને સલોની અચાનક મળ્યાં. જુનાં પડોશી હતાં, કેમ છો? કેમ નહીં? ની વાતો કરી.બધાના ખબરઅંતર પૂછ્યા.સલોની બોલી, ‘બહુ દિવસે મળ્યાં, ચલ પાણીપૂરી ખાઈએ અને પછી કોલ્ડ કોફી પીવા જઈએ.’રોશની એક શ્વાસે બોલી, ‘અરે ના …ના બહુ લાંબુલચક શોપિંગ લિસ્ટ છે…ઘરે મહેમાન આવવાના છે.બહુ બધી વસ્તુઓ બનાવવાની છે…અરે બહુ કામ છે…’ સલોનીએ તેને વચ્ચેથી અટકાવતાં કહ્યું, ‘અરે અરે ..જરા શ્વાસ લઇ લે.શાંતિ રાખ,પાણી પૂરી ખાતાં કંઈ બહુ વાર નહિ લાગે. જો બહુ ગરદી પણ નથી અને પછી કોફી પીને છૂટાં પડીશું. વધારેમાં વધારે અડધો કલાક થશે પણ મજા આવશે.મને પણ બહુ કામ છે.ઘરે ચાર મહેમાન જમવા આવવાનાં છે.’
રોશની બોલી, ‘તો તું શું ટાઈમ પાસ કરવાની વાતો કરે છે?’સલોની બોલી, ‘અરે તારે હોય કે મારે કામ તો બધાને હોય જ…કોઈ દિવસ વધારે અને કોઈ દિવસ ઓછું …પણ એમાં ટેન્શન શું કરવાનું..બધાં કામ થઈ જ જાય અને કોઈ એક કે બે કામ રહી જાય તો વાંધો શું છે ઇટ્સ ઓકે…’ રોશની બોલી, ‘તું આટલી શાંત કઈ રીતે રહી શકે છે.મને તો કામનું બહુ ટેન્શન થઈ જાય અને બધાં કામ બરાબર પૂરાં ન થાય ત્યાં સુધી ન હું કંઈ ખાઈ શકું ,ન બીજું કંઈ વિચારી શકું …તારા જેવી શાંતિ તો ન જ રાખી શકું.તું આટલી શાંત કઈ રીતે રહી શકે છે?’
સલોની બોલી, ‘રોશની,મારો મંત્ર છે મેં તને હમણાં જ કહ્યો …મારો તો મંત્ર છે ઇટ્સ ઓકે…. ઢગલાબંધ કામ આપણને બધાને હોય છે પણ એક કે બે કામ ન થાય તો કોઈ વાંધો આવતો નથી.કંઈ ખરાબ થતું નથી…થોડાં કામ મોડાં થાય તો પણ વાંધો નહિ, ઇટ્સ ઓકે.તારા ઘરે મહેમાન આવવાનાં છે કોઈ એક વાનગી ઓછી બનશે તો ઇટ્સ ઓકે ,ઘર બરાબર ગોઠવેલું હશે પણ કંઇક બાકી રહી જશે તો ઇટ્સ ઓકે…બધાં કામ કરવામાં ,કામના ભાર નીચે કે બધાં કામ હું સમયસર પૂરાં કરું જ તેવા પરફેકશન પાછળ દોડવામાં જીવવાનું થોડું ભૂલી જવાય?
હું તો આજમાં જીવવામાં માનું છું; આપણે આજે મળ્યાં, ફરી ક્યારે મળીશું તે નક્કી નથી.આજે મળ્યાં તો તે માણી લેવાનું અને કામ તો રોજ છે અને રહેશે જ પણ તું સમજી લે કે તારાથી કોઈ એક કામ નહિ થશે કે મોડું થશે તો કોઈ આભ નહિ તૂટી પડે.ચલ, હવે તારા ઘરે ચાર મહેમાન આવવાનાં છે, મારા ઘરે ૨૦ જણની પાર્ટી છે…પણ પહેલાં આપણે પાણીપુરી ખાઈ લઈએ, કામ તો બધાં થઈ જશે.’રોશની બોલી, ‘અને કોઈ બાકી રહેશે તો ઇટ્સ ઓકે…’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.