હમણાં યુ.પી.ના ઈટાવામાં ભાગવત કથા ચાલતી હતી. કથા દરમિયાન ખબર પડી કે કથાવાચક બ્રાહ્મણ નહીં પણ યાદવ છે. આવી ખબર પડતા જ બબાલ મચી ગઈ. વિરોધ કરનારાઓ માનતા હતા કે કથા તો ફક્ત બ્રાહ્મણ જ કરી શકે, અન્ય કોઈ નહીં. હવે નવાઈ ભરેલી વાત તો એ છે કે જે ભાગવત કથા ચાલતી હતી તેના કેન્દ્રમાં શ્રીકૃષ્ણ હતા અને શ્રીકૃષ્ણ સ્વયમ્ યાદવ કુળમાંથી આવતા હતાં. કથાવાચક પણ યાદવ હતાં છતાં વાંધો બ્રાહ્મણોને પડ્યો! એનો અર્થ એવો થાય કે જો કથાવાંચન ફક્ત બ્રાહ્મણોનો જ અધિકાર હોય તો દલિતોને મળતા અનામતના અધિકાર સામે પણ કોઈને વાંધો ન હોય શકે ને? આ ઘટના બાબતે અનામત વિરોધીઓનું શું કહેવું છે? આઝાદીના 78 વર્ષે પણ આવા દ્રશ્યો જોવા મળતા હોય ત્યારે એવું થાય કે આપણે શરીરથી 21મી સદીમાં પહોંચી ગયા છીએ પણ મનથી હજુએ 18 મી સદીમાં જીવી રહ્યાં છીએ.
શરીર આઝાદ થયું છે પણ મન હજુએ કુરિવાજો, જડ માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓથી મુક્ત થઈ શક્યું નથી. માણસને “વર્ણ”માં ખપાવી નાખવામાં આવ્યો એટલે માણસાઈ “ખાડે” ગઈ છે. દેશમાં ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી સરળતાથી મળી જશે પણ “ભારતીય” શોધ્યોય નહીં જડે! ભારતીય શબ્દની વિરુદ્ધનો શબ્દ અભારતીય નથી થતો પણ જ્ઞાતિ, જાતિ, કોમ અને વાડા થાય છે. બધા રાજકારણીઓ દેશદાઝની વાતો કરશે પણ એમણે પ્રજાને ક્યારેય “ભારતીય” થવા દીધી નથી. જો દેશની પ્રજા “ભારતીય” બની જાય તો આ રાજકારણીઓનો ગરાસ લૂંટાઈ જાય એમ છે. ઉપરથી હવે જાતિ આધારિત જનગણના થવાની છે. ખરેખર તો વિવિધતામાં એકતા નહીં પણ એકતામાં વિવિધતા હોવી જોઈએ.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.