Charchapatra

ઝેર નકલી હોવાથી મરવું મુશ્કેલ છે

પ્રદૂષણની સમસ્યા દિન બ દિન એટલી ગંભીર અને વ્યાપક બની રહી છે કે ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર હશે જે પ્રદૂષિત થયા વિનાનું રહ્યું હશે. પ્રદૂષણ મૂળ તો માનવની જરૂરિયાત અને એ જરૂરિયાતના લોભમાં થતા રૂપાંતરની આડપેદાશ કહી શકાય. અલબત્ત, હવે જરૂરિયાતના ઓઠા હેઠળ વૈભવને આવરી લેવામાં આવ્યો છે. તેને કારણે પ્રદૂષણ ઘટવાનું નામ લેતું નથી, એટલું જ નહીં, એ ઘટે એમ લાગતું પણ નથી. કેમ કે, એકની પાસે જે છે એ પોતાની પાસે હોય એવી લાલસા માનવસહજ છે. કેવી કેવી ચીજો કે સ્થાનો પ્રદૂષણના ભરડામાં આવી ગયાં છે!

કહેવાય છે કે માના દૂધ જેવું કોઈ દૂધ નહીં. અલબત્ત, પ્રદૂષણના આ યુગમાં આ ઊક્તિ ખોટી પડી રહી છે. બિહારમાં પટણાના મહાવીર કેન્‍સર સંસ્થાન અને રિસર્ચ સેન્‍ટર દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં માના દૂધમાં વિવિધ ઝેરી તત્ત્વો જણાયાં છે. બિહારના છ જિલ્લામાં માના દૂધમાં સીસાનું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે. આ જ ટીમ દ્વારા કરાયેલા એક અન્ય સંશોધનમાં માના દૂધમાં આર્સેનિકનું પ્રમાણ જોવા મળ્યું છે. માના દૂધમાં સીસું મળી આવે તો એ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે તેમજ સ્વાસ્થ્યલક્ષી અન્ય સમસ્યાઓ પણ સર્જાય છે.

આ અભ્યાસની વિગતો કંઈક આવી છે. પટણાના મહાવીર કેન્‍સર સંસ્થાન અને રિસર્ચ સેન્‍ટરના બાર વિજ્ઞાનીઓનું સંશોધનપત્ર ‘કેમોસ્ફિયર’નામના પત્રમાં પ્રકાશિત થયું છે. આ ટીમે માનું દૂધ, પેશાબ, બાળકનો પેશાબ તેમજ રક્ત જેવા જૈવિક નમૂના એકત્ર કર્યા. સત્તરથી ચાલીસ વર્ષની કુલ 327 મહિલાઓ થકી આ નમૂના મેળવવામાં આવ્યા. તેના અંતર્ગત માતાના દૂધના 92 ટકા નમૂનાઓમાં સીસાનું પ્રમાણ વધુ જોવા મળ્યું, જેમાં સૌથી વધુ હતું પ્રતિ લીટર 1,309 માઈક્રોગ્રામ.

આ ઉપરાંત રક્તના 87 ટકા નમૂનાઓમાં પણ સીસું જોવા મળ્યું હતું, જેમાં સૌથી વધુ માત્રા 677.2 માઈક્રોગ્રામ પ્રતિ લીટરની હતી. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’(ડબલ્યુ.એચ.ઓ.) અનુસાર રક્તમાં જરા સરખું સીસું પણ અસલામત ગણાય. 3.5 માઈક્રોગ્રામ પ્રતિ ડેસિલીટર જેટલી ઓછી માત્રા પણ શિશુની બુદ્ધિમતા, વર્તણૂંક અને શીખવાની ક્ષમતાને અસરગ્રસ્ત કરી શકે છે. નબળી સ્મૃતિ, ઓછો બુદ્ધિઆંક અને માનસિક વિકાસમાં અવરોધમાં તે પરિણમે છે. નવજાત શિશુમાં સીસાની માત્રા તેમના અપરિપકવ જન્મ, જન્મસમયે ઓછું વજન, ધીમો વિકાસ, એનીમીયામાં પરિણમી શકે છે. 

સવાલ એ છે કે માના દૂધ જેવા અતિ શુદ્ધ પદાર્થમાં આવાં તત્ત્વો પ્રવેશ્યાં શી રીતે? જવાબ સહેલો છે અને ધારણા બાંધી શકાય એવો છે. જમીનમાં ભળેલું સીસું આપણા શરીરમાં ખોરાક દ્વારા પ્રવેશે છે. મુખ્યત્વે શાકભાજી અને ધાન તેના પ્રાથમિક વાહકો છે, ખાસ કરીને ઘઉં, ચોખા અને બટાકા જેવા આહારસ્રોત દ્વારા માના દૂધમાં તે પ્રવેશે છે, જે સરવાળે માના દૂધમાં દેખા દે છે.  અલબત્ત, રક્તમાં સીસાનું પ્રમાણ કેવળ આ વિસ્તારમાં જ નહીં, આપણા સમગ્ર દેશમાં ચિંતાનો વિષય છે. ‘ડબલ્યુ.એચ.ઓ.’દ્વારા નિર્ધારીત કરાયેલી 5 માઈક્રોગ્રામ પ્રતિ ડેસીલીટરની માત્રા કરતાં વધુ માત્રામાં સીસું દેશભરનાં 27.5 કરોડ શિશુઓમાં મળી આવ્યું હોવાનો એક અહેવાલ છે.

આ અભ્યાસના અન્ય કેટલાક આંકડા પણ જોવા જેવા છે. માતાઓના પેશાબના નમૂનામાં મળી આવેલા સીસાની સૌથી વધુ માત્રા 4,168 માઈક્રોગ્રામ પ્રતિ લિટરની છે, જે 62 ટકા નમૂનાઓમાં જોવા મળી. એ જ રીતે શિશુઓના પેશાબના નમૂનાઓમાં જોવા મળેલી સીસાની સૌથી વધુ માત્રા 875.4 માઈક્રોગ્રામ પ્રતિ લિટરની છે, જે પણ 62 ટકા નમૂનાઓમાં મોજૂદ હતી.  આ અભ્યાસમાં આહારના નમૂના પણ ચકાસવામાં આવ્યા. તેમાં મોટી માત્રામાં અશુદ્ધિ જોવા મળી. ઘઉંના નમૂનામાં 45 ટકા સીસું મળી આવ્યું, જેમાં સૌથી વધુ માત્રા 7,910 માઈક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામની હતી. ચોખાના ચાલીસ ટકા નમૂનાઓમાં અને બટાકાના 90 ટકા નમૂનાઓ સીસું ધરાવતા હતા. ચોખામાં તેની સૌથી વધુ માત્રા 6,972 માઈક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ અને બટાકામાં તે 13,786 માઈક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામની હતી.

આહાર ઉપરાંત ઘરેલુ પાણીના નમૂના પણ ચકાસાયા હતા. સાથોસાથ હળદર જેવી ઘરવપરાશની ચીજોમાં પણ પીળા રંગની ભેળસેળ જણાઈ હતી. આ અભ્યાસ અને તેના આંકડા વાંચીને આપણને આશ્વાસન લેવાનું મન થઈ આવે કે આ બધું તો બિહાર રાજ્યમાં છે. આપણે ત્યાં નથી. આવું આશ્વાસન લેતાં પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે આપણે ત્યાં આવો કોઈ અભ્યાસ હાથ ધરાયો નથી. 

એકાદ વરસ અગાઉ ખેડા જિલ્લાના નડિયાદ નજીક નકલી હળદર બનાવતી ફેક્ટરીની વિગત જાણવા મળી હતી. નકલી ઘી, નકલી મરચું, અરે, નકલી ઈનો પણ ઝડપાયો હતો. નકલી હળદરની તો નિકાસ પણ થતી હતી. આવા સમાચાર છાશવારે પ્રકાશિત થતા રહે છે, પણ પછી તેનું શું થયું એ જાણવા મળતું નથી. એક તરફ એવી માન્યતા ધરાવતો વર્ગ વધી રહ્યો છે કે મોંઘું હોય એ હંમેશાં ઉત્તમ ગુણવત્તાયુક્ત જ હોય. આવા વર્ગને ધ્યાનમાં રાખીને નકલી ઉત્પાદકો નકલી ચીજોની કિંમત પણ ઊંચી રાખતા જોવા મળે છે.

જો કે, દેશ આખામાં નકલી પોલિસ, નકલી ન્યાયાધીશ, નકલી સી.બી.આઈ., નકલી કસ્ટમ વિભાગ, નકલી ટોલ નાકાં, નકલી ઈજનેરી કચેરીની બોલબાલા હોય ત્યાં નકલી ખાદ્યચીજોને શું રડવાનું! હવે તો સરકારે પણ આ સ્વીકારી લીધું છે, અને કોઈ નક્કર પગલાં ભરવાને બદલે ટેલિફોનની કૉલર ટ્યૂનમાં આ બધું નકલી હોઈ શકે છે એમ જણાવતી ચેતવણી વગાડીને પોતાની ફરજ બજાવવાનું કામ કર્યું છે. હશે, સરકારની પ્રાથમિકતાઓ ઘણી હોય છે, અને તેમાં આનો સમાવેશ નહીં થતો હોય. નાગરિકોની પ્રાથમિકતાઓ પણ બીજી હોય છે. સરવાળે બેય પક્ષે આનંદ અને સંતોષ છે. બીજું શું જોઈએ?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top