સ્વચ્છ ભારત-સ્વચ્છ સુરતને ડાઘ લાગે એવી આ વાત છે. સુરતનો રાજમાર્ગ એટલે અઠવાલાઈન્સનો મિશન હોસ્પિટલ પાસેનો રાજ માર્ગ પણ નવાઈ લાગે એવી વાત છે કે મિશન હોસ્પિટલની જયાંથી ગલી શરૂ થાય છે ત્યાંથી તે સ્કૂલ સુધી શરમાવે એવી બદબૂ પેશાબની આવે છે. હોસ્પિટલ પાસે જ વર્ષોથી ગંદકી થતી આવે છે. આવતાં જતાં લોકો કૈલાસ મિઠાઈની દિવાલ પાસે યુરીન કરે છે. પ્રવેશતાં જ બદબૂ આવે છે તેની પાસે જ લાઈનમાં ખાણીપીણીની લારીઓ પણ છે. કોલેજિયનો ખાતાં જ રહેતાં હોય છે. સામેની બાજુ પર પણ લારીઓ ચાલે છે પણ બદબૂ આવે તો પણ કોઇને આપત્તિ નડતી નથી. કોઇ રણીધણી જાણે છે જ નહિ. રાજમાર્ગની આ હાલત અણગમતી વાત છે.
ઘોડદોડનો રાજમાર્ગ પણ એવી જ હાલતમાં છે. જ્યાં પુરુષો વર્ષોથી પાંજરાપોળની દિવાલથી તે સિવિલની પાસેથી દિવાલ પર વર્ષોથી યુરિન કરે છે. રાજમાર્ગ પરથી પસાર થતાં નાક ફાટી જાય એવી વાસ આવે છે. વર્ષોથી આવું ચાલે છે. પાસે જ દિવાલ પર લખેલું હોય છે કે સ્વચ્છ સુરત, સ્વચ્છ ભારત. આનો શું અર્થ? લોકોએ વિચારવું જોઇએ. કાયમ સરકાર કે મ્યુનિસિપલ કયાં જોવા આવે? કે પગલાં ભરી શકાય? આપણે જ વિચારવું જોઇએ. શું સુરતને સ્વચ્છ સુરતનું બિરુદ મળે તે લોકોને ગમતું નથી? સૌએ પોતાના મનથી મક્કમ રહી સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઇએ.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.