Comments

જોયા કરતાં બગાડ્યું ભલું

‘જીવ્યા કરતાં જોયું ભલું’, ‘ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે’ જેવી કહેવતો ફરવાનો મહિમા દર્શાવે છે. ફરવાથી નવીન બાબતો નજરે પડે છે, મુશ્કેલ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાનો ગુણ વિકસે છે અને સરવાળે તે દૃષ્ટિને વિશાળ તેમજ વ્યાપક બનાવે છે. આ પ્રકારની કહેવતો કદાચ એવે સમયે અસ્તિત્વમાં આવી હશે કે જ્યારે બહાર ફરવું આજના જેટલું સરળ નહીં, પણ મુશ્કેલ હતું. હવે પ્રવાસ કરવો સામાન્ય બની રહ્યો છે.

એમાં પણ ઈન્‍ટરનેટના આગમન પછી ક્રાંતિ સર્જાઈ છે. વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી આંગળીના ટેરવે સુલભ બની છે અને પ્રવાસ આયોજન માટે જરૂરી બુકિંગ આગોતરું કરી શકાય છે. આને કારણે પ્રવાસની પદ્ધતિમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે, જેમાં કોવિડની મહામારી પછી દેખીતો ફરક નજરે પડી રહ્યો છે. કોવિડ પછીના સમયગાળામાં લોકો બેફામ રીતે ફરવા લાગ્યા છે. કોઈ પણ સ્થળે હવે લોકોનાં ટોળેટોળાં ઉમટવાં સામાન્ય બન્યું છે. પ્રવાસને કારણે જે તે સ્થળના અર્થતંત્રને લાભ અવશ્ય થાય છે, પણ તેની સામે સ્થાનિક પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ ભરપાઈ કરવું મુશ્કેલ છે.

પ્રવાસીઓના પ્રચંડ ધસારા સામે સ્પેનમાં આવેલા મયોકા ટાપુનાં રહીશોએ લીધેલું પગલું એક જુદા પ્રકારની શરૂઆત છે એમ કહી શકાય. સવા નવેક લાખની વસતિ ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વર્ષે દહાડે અહીં દસથી બાર લાખ સહેલાણીઓની અવરજવર રહે છે. સ્વાભાવિક છે કે મયોકાના અર્થતંત્રમાં પ્રવાસનનું પ્રદાન મહત્ત્વનું હોય. સહેલાણીઓનું મુખ્ય આકર્ષણ અહીંના સમુદ્રતટ પર સૂર્યસ્નાન કરવાનું હોય છે. સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી કર્યું કે આ વર્ષે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે.

16 જૂનના રવિવારના દિવસે તેમણે ‘ઓક્યુપાય ધ બીચ’ (સમુદ્રતટ પર કબજો કરી લો)નું એલાન આપ્યું અને વહેલી સવારે એકઠા થઈને સમુદ્રતટે પહોંચી જઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. વીસેક રહીશોથી આરંભાયેલી રેલીમાં લોકો જોડાતાં ગયાં અને સંખ્યા ત્રણસોએ પહોંચી. સવારના આઠે શરૂ થયેલી રેલી બપોરે એક વાગ્યે સમુદ્રતટે પહોંચી. પ્રવાસીઓને આ વિરોધ પ્રદર્શનનો હેતુ સમજાવતાં ફરફરિયાં વહેંચવામાં આવ્યાં.

આ અગાઉ મે, 2024ના અંતમાં દસેક હજાર રહીશોએ મયોકાની શેરીઓમાં સરઘસ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘મયોકા વેચાણ માટે નથી’, ‘રહીશોને બચાવો’, ‘બહુ થયું પ્રવાસન’ જેવાં લખાણવાળાં પોસ્ટર તેમનાં હાથમાં હતાં. આ સમાચાર પ્રસરતા ગયા એટલે બુકિંગ કરાવ્યું હોય એવાં પ્રવાસીઓએ મયોકાની હોટેલોમાં પૂછપરછ કરવા માંડી. કેટલાકે બુકિંગ રદ પણ કરાવ્યું હશે! વિચારવાનું એ છે કે મયોકાનિવાસીઓ કઈ હદે ત્રાસી ગયા હશે કે પોતાની આજીવિકાના મુખ્ય સ્રોત પર પાટુ મારવાનું જોખમ લેવા તેઓ તૈયાર થયાં! મયોકાનું ઉદાહરણ કંઈ એકલદોકલ નથી. ઈટલીના મિલાન શહેરના સત્તાવાળાઓએ રાતના સાડા બાર પછી પીત્ઝા અને આઈસક્રીમનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. કેમ કે, પ્રવાસીઓની મોડી રાતની ગતિવિધિઓથી સ્થાનિકોને ઘણી હેરાનગતિ થઈ રહી હતી. જો કે, પછી આ નિર્ણય પાછો ખેંચાયો, પણ આ નિર્ણય લેવા પાછળની પરિસ્થિતિ સમજવા જેવી છે.

સ્પેનના બાર્સેલોના શહેરમાં પણ પ્રવાસન નીતિ અંગે પુનર્વિચાર કરવા માટેનું આયોજન કરાયું હતું, કેમ કે, અહીંના દરિયામાં ફરતી માછલી પકડનારી હોડીઓ પૈકીની 38 ટકાની જાળમાં નર્યો પ્લાસ્ટિકનો કચરો જ ભરાયો હતો. વેનિસે 2023થી ‘પ્રવાસી વેરો’ ઉઘરાવવાનો આરંભ કર્યો છે.  પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધથી સામા છેડે પૂર્વ ગોળાર્ધમાં આવેલા જાપાનના ઈયોનના કેટલાક વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. તેનું મુખ્ય કારણ, અલબત્ત, પર્યાવરણ નહીં, પણ પ્રવાસીઓની ગેરવર્તણૂક છે.

વીસમી સદીમાં પ્રવાસ મુખ્યત્વે વૈભવ ગણાતો. તેના ઉત્તરાર્ધમાં સામાન્ય લોકો પ્રવાસ કરતાં થયાં ખરાં, છતાં વિદેશપ્રવાસ મુખ્યત્વે ધનવાનો કરતાં. હવે એ બાબતે ઘણી સમાનતા આવવા લાગી છે. એમાંય કોવિડ પછીનો સમયગાળો એવો બની રહ્યો છે કે લોકો એક જીવનમાં જેટલું જોવા-ફરવા મળે એટલું જોઈ લેવા ન માંગતા હોય! પર્યાવરણ અને આત્યંતિક હવામાનની સમસ્યા આમે તીવ્રતર બની રહી છે. પ્રવાસનસ્થળો પ્રવાસીઓ પાસેથી કમાય છે અને એમની સુવિધાઓ પાછળ ખર્ચતા પણ હશે. છતાં પ્રવાસીઓ થકી થતું પર્યાવરણને નુકસાન ભરપાઈ ન થઈ શકે એવું હોય છે. એમ ન હોય તો પ્રવાસીઓ માટે આવા આકરા નિયમો ઘડવાનો વિચાર આવી શકે ખરો?

પ્રવાસનસ્થળને થતા નુકસાનની સ્થિતિ આપણા દેશમાં પણ અપવાદરૂપ નથી. અતિ નાજુક પર્યાવરણપ્રણાલી ધરાવતા હિમાલયમાં વિકાસના નામે જે ખુરદો બોલાવાઈ રહ્યો છે એનાં વિપરીત પરિણામ પણ ભોગવવાં મળી રહ્યાં છે. હિમાલય ઉપરાંત બીજાં અનેક સ્થળે આ સ્થિતિ હશે. પણ એ બાબતે ભાગ્યે જ કશી જાગૃતિ જોવા મળે છે. પર્યાવરણવાદીઓ કે છૂટાંછવાયાં પર્યાવરણ સંગઠનો સક્રિય છે ખરાં, પણ વિકાસના નગારખાનામાં એમની તતૂડીનો અવાજ કોણ સાંભળે?

આપણા દેશના જ નહીં, વિશ્વભરનાં પ્રવાસીઓની આદત સુધરે એ શક્ય જણાતું નથી, કેમ કે, તેઓ પોતાનાં નાણાં ખર્ચવા નીકળ્યા હોય છે અને તેમને એનું પૂરેપૂરું વળતર જોઈતું હોય છે. નાણાંની સામે વળતર એટલે વધુ સુવિધાઓ. આ જ બાબત પ્રવાસનસ્થળ માટે વિપરીત પુરવાર થાય છે. પ્રવાસીઓ માટે પ્રવાસનું સ્થળ ‘પારકું’ અને કામચલાઉ હોવાથી નાગરિકધર્મ તેમને ભાગ્યે જ યાદ આવે છે. આ સમસ્યાનો ઉકેલ નજીકના ભવિષ્યમાં જણાતો નથી. કડક કાયદાકાનૂન એક હદથી વધુ કારગર નીવડી શકતા નથી, કેમ કે, એનાથી પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકતું નથી. સમજદાર નાગરિકો પોતાનો નાગરિકધર્મ સમજીને એનું અનુસરણ કરે તો ઠીક.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top